ફિલ્મ અભિનેત્રીઓ લગ્ન કરવાની થાય ત્યારે પહેલી નજર ઉદ્યોગપતિઓને પતિ બનાવવા તરફ કરે ને બીજી નજર ક્રિકેટરો પર કરે. આજના સમયમાં ‘રાણેવાસ’નો આનંદ આ બે જ આપી શકે છે. અમુક વર્ષ જો ઇન્ટરનેશનલ સ્તરે, બધા જ ફોર્મેટમાં ક્રિકેટ રમો તો રમતાં રમતાં કરોડો નહીં, અબજોપતિ થઇ જવાય.
આ જમાનો કાંઇ વીનુ માંકડ, વિજય હજારે, સુનીલ ગાવસ્કર યા ભાગવત ચન્દ્રશેખરનો નથી. તેમના માટે કોચ કોચ નહોતા. જાતે પ્રવાસ કરી ટેસ્ટ મેચના મેદાને પહોંચવું પડતું. તેઓ સાદા ઘરોમાં રહેતા. એકાદ કાર હોય તો હોય. વનડે ક્રિકેટ અને વર્લ્ડકપનાં આયોજનો બાદ ક્રિકેટ અને ક્રિકેટરોના ચહેરા બદલાઇ ગયા. તેઓ ‘મનોરંજન’ કરનારા સ્ટાર્સમાં ફેરવાય ગયા ને આપણા જમાનામાં મનોરંજન કરાવનારા કરોડોની કમાણી કરે છે. ૨૦૨૦ ના વર્ષમાં જસપ્રીત બુમરાહ ૧.૩૮ કરોડ રૂપિયા મેચ ફીઝ રૂપે કમાયો છે. તેને બીસીસીઆઇના વાર્ષિક કોન્ટ્રાકટ રૂપે ૭ કરોડ રૂપિયા મળે છે. કોહલીની કમાણી ૧.૨૯ કરોડ રહી. આ બધાઓ માત્ર ક્રિકેટથી જ કમાતા નથી. ટી.વી. જાહેરાતો, બ્રાન્ડ પ્રમોશનથી પણ કરોડો મેળવે છે. ભૂતકાળના ક્રિકેટરોએ આ બધું જાણવા જેવું નથી. અમથા દુ:ખી થશે ને બોલશે કે અમે શું ખાક ક્રિકેટ રમ્યા?
આજના ક્રિકેટરો અઢળક કમાય છે અને આવેલા પૈસાનું બિઝનેસમાં આયોજન કરે છે. બિઝનેસમેન તરીકે આ ક્રિકેટરોને ઓળખવા જશો તો થશે કે ક્રિકેટ તેમના માટે લક્ષ્મીજીના અવતાર રૂપે આવી હતી. સચિન તેંડુલકરે ક્રિકેટર તરીકે ઇતિહાસ રચ્યો અને અઢળક કમાયો અને અત્યારે પ્રો કબડ્ડી લીગમાં તમિલ થલાઇવાસ ફ્રેન્ચાઇઝ અને પ્રીમિયર બેડમિંટન લીગમાં બેંગ્લોર બ્લાસ્ટર્સનો માલિક છે. ઇન્ટરનેશનલ ટેનિસ લીગમાં તે મુંબઇ ફ્રેન્ચાઇઝનો સ્ટેકસ ધરાવે છે. આ ઉપરાંત ‘તેંડુલકર્સ’ નામે રેસ્ટોરાં બિઝનેસમાં તો છે જ. એ જ રીતે સૌરવ ગાંગુલી પણ ‘સૌરવ ધ ફૂડ પેવેલિયન’ નામે કોલકાતામાં રેસ્ટોરાં ધરાવે છે. આ ઉપરાંત સૌરવ ગાંગુલી એન્ટરપ્રાઇસીસ પ્રાઇવેટ લિમિટેડ નામે ફેમિલી બિઝનેસ ધરાવે છે.
આ ઉપરાંત એટીકે ફ્રેન્ચાઇઝનો સહમાલિક છે. સ્ટાર સ્પોર્ટસ પર ‘દાદાગીરી અનલિમિટેડ’ શો તો ચલાવે જ છે. સમજો કે સબકા અપના અપના બડા બિઝનેસ હૈ. વિરાટ કોહલીના અનેક ફિટનેસ સેન્ટર્સ અને જિમ છે. જેનું નામ ચીસેલ છે. ભારતભરમાં તે ત્રણ જ વર્ષમાં ૭૫ જેટલા ફિટનેસ સેન્ટર્સ શરૂ કરવા દોડી રહ્યો છે. આ ઉપરાંત તેની રોગન નામે કલોથીંગ બ્રાન્ડ છે અને હા પ્રો રેસલીંગ લીગ અને ઇન્ટરનેશનલ પ્રીમિયર ટેનિસ લીગમાં યુએઇ રોયલ્સની ફ્રેન્ચાઇઝી ધરાવે છે. તમે પૂણે જશો તો ‘ઝહીરખાન્સ ફાઇન ડાઇન’ રેસ્ટોરાં પણ જઇ શકો. એ ઝહીરખાનનું છે. તેણે હમણાં ‘ટોસ’ નામે સ્પોર્ટસ લોંજ શરૂ કરી છે અને ‘ફોયર’ નામે બેન્કવેટ બ્રાન્ડ ધરાવે છે. તો આપણા મહેન્દ્રસિંહ ધોની સ્પોર્ટસ ફિટ વર્લ્ડ પ્રાઇવેટ લિમિટેડ નામે બિઝનેસ ધરાવે છે અને તેને યુએઇ, ઓસ્ટ્રેલિયામાં પણ વિસ્તારી રહ્યો છે. તેની પાસે માહી રેસિંગ ટીમ પણ છે અને ચેન્નયીન એફસીયાં સહ માલિક છે. હોકી ઇન્ડિયા લીગમાં ય તે ફ્રેન્ચાઇઝી ધરાવે છે.
આવું બધું અત્યારના ક્રિકેટરો જ કરે એવું નથી. સુનીલ ગાવસ્કર હંમેશ ક્રિકેટ સાથે જોડાયેલો રહ્યો છે ને કોમેન્ટેટર તરીકે અઢળક કમાણી કરે છે. તેણે જ ભારતની પ્રથમ સ્પોર્ટસ માર્કેટિંગ કંપની ઠેઠ ૧૯૮૫ માં સ્થાપેલી જેનું નામ પ્રોફેશનલ મેનેજમેન્ટ ગ્રુપ છે. આ ઉપરાંત ઇન્ડિયન બેડમિંટન લીગની મુંબઇ માસ્ટર્સ ફ્રેન્ચાઇઝી ધરાવે છે. હજુ આ નામોમાં કપિલ દેવને ય ઉમેરી શકો ને અનિલ કુંબલેને ય યાદીમાં શામિલ કરો. કુંબલે ટેન્વિક નામની સ્પોર્ટસ ટ્રેનિંગ અને કન્સલ્ટિંગ કંપની ધરાવે છે અને સ્પિન સ્ટાર્સ નામે સ્પિનર્સને તૈયાર કરવાનું ય કામ કરે છે. કપિલ દેવ કેપ્ટન રિટ્રીટ નામે રેસ્ટોરાંઓ ધરાવવા ઉપરાંત સ્ટેડિયમ લાઇટીંગની કંપની દેવ મ્યુસ્કો લાઇટીંગ ધરાવે છે. તેણે યુએસએની કંપની સાથે ટેક્નિકલ સપોર્ટ માટે ટાઇઅપ કર્યું છે. અને અલબત્ત, એવું વિદેશના ક્રિકેટરો પણ કરે છે. તેમને અઢળક કમાણી થઇ હોય તો શું કામ ધંધામાં રોકાણ ન કરે? ક્રિકેટમાં આવ્યા તે પહેલાં તેઓની એ ક્ષમતા નહોતી કે કોઇ બિઝનેસ કરી શકે પણ હવે છે. તેઓ કુશાંદે બંગલાઓમાં રહેતા થયા છે ને ફકત સેલિબ્રિટી સ્ટેટસથી પણ કમાણી કરી શકે છે. હવે તો તેમના જીવન આધારે ફિલ્મ બનવાની હોય તો તેના અધિકાર આપવામાં ય કરોડો મળે છે.
એક વાર રસ્તા ખૂલે પછી એક નહીં અનેક રસ્તા ખૂલે. રવીન્દ્ર જાડેજા રિવાબા સોલંકીને પરણેલો તો સસરાએ ઓડી કયુ સેવન ભેટ આપેલી. ક્રિકેટર તરીકે નામ મળે પછી રાજકારણના રસ્તા પણ ખૂલી જાય છે ને રાષ્ટ્રીય કક્ષાના પક્ષ સામે ચાલીને ટિકિટ આપે પછી આવડત આવી જાય છે. ફિલ્મસ્ટાર્સ પછી ક્રિકેટરો અહીં ફૂલ ડિમાંડમાં છે એટલે જ તો હમણાં સૌરવ ગાંગુલી પણ જોરમાં છે. આજકાલ ઇન્ટરનેશનલ ક્રિકેટ રમો એટલા અમથામાંય કરોડપતિ તો થઇ જ જાઓ! આ દેશમાં બીજી રમતો બહુ કમાણી ન કરાવી શકે હા, સાનિયા મિર્ઝા, સાયના નહેવાલ જેવા અનેક આંતરરાષ્ટ્રીય સ્તરે રમે છે ને અઢળક કમાણી કરે છે. તેમની કમાણી તેમના કુટુંબીજનો વડે બિઝનેસમાં ફેરવાતી હોય છે. સહુ સહુ પોતાની રીતે કમાણી શોધી લે છે પણ કહેવું જોઇએ કે સચીને રેસ્ટોરાંની શ્રેણી શરૂ કરી પછી એ ધંધામાં બહુ પડયા અને તેમાં વીરેન્દ્ર સહેવાગ પણ છે જે ‘સહેવાગ્સ ફેવરીટસ’ નામે રેસ્ટોરાં ચલાવે છે.
યુવરાજસિિંઘ ‘યુવીકેન’ નામે ફેશનબ્રાન્ડ ધરાવે છે અને સ્પોર્ટસ ૩૬૫. ડોટ ઇન નામે ઇ કોમર્સ સ્ટોર પણ છે. તેની કમાણી ૨૨ મિલિયન ડોલર છે. થાય કે સુરતીઓ ખાવા – પીવાના આટલા શોખીન તો કોઇ અહીં પણ રેસ્ટોરાંની શ્રેણી શરૂ કરો પણ જવા દો, સુરત ઇન્ટરનેશનલ ક્રિકેટર જ પેદા કરી શકતું નથી. વડોદરા, અમદાવાદ, જામનગર, નડિયાદ, ભરૂચના ક્રિકેટરો વર્તમાન ક્રિકેટમાં સ્ટાર બન્યા પણ સુરતનું તેમાં કોઇ નથી. કોઇ ઇન્ટરનેશનલ ક્રિકેટર અહીં સ્પોર્ટસ એકેડેમી શરૂ કરે તો ક્રિકેટર્સમાં આપણાંય નામ થશે તે કોઇ રેસ્ટોરાં શરૂ કરશે. ખેર! મૂળ વાત તો ક્રિકેટરોના બિઝનેસની છે. આપણે ક્રિકેટ માણવી અને ક્રિકેટરો તેમાંથી ઊભા થતાં બિઝનેસને માણશે.