Sports

તેવટિયાના બે છગ્ગાએ પંજાબ પાસેથી વિજય આંચકી લીધો

મુંબઇ, તા. 08 : આઇપીએલની આજે અહીં રમાયેલી એક મેચમાં લિયામ લિવિંગસ્ટોનની વધુ એક અર્ધશતકીય ઇનિંગ ઉપરાંત શિખર ધવન સાથેની અર્ધશતકીય ભાગીદારી અને અંતિમ ઓવરોમાં રાહુલ ચાહર અને અર્શદીપ સિંહે 27 રન ઉમરતા પંજાબ કિંગ્સે મુકેલા 190 રનના લક્ષ્યાંકને ગુજરાત ટાઇટન્સે શુભમન ગીલની 96 રનની ઇનિંગ અને રાહુલ તેવટિયાના અંતિમ બે બોલમાં બે છગ્ગાની મદદથી 4 વિકેટે કબજે કરીને મેચ છ વિકેટે જીતી હતી.
લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ગુજરાત ટાઇટન્સની ટીમે શરૂઆત તો સારી કરી હતી પણ બોર્ડ પર માત્ર 32 રન હતા ત્યારે મેથ્યુ વેડની વિકેટ ગુમાવી હતી. જો કે તે પછી શુભમન ગીલે સાઇ સુદર્શન સાથે મળીને 101 રનની ભાગીદારી કરી હતી. સુદર્શન30 બોલમાં 35 રન કરીને આઉટ થયો હતો. 19મી ઓવરમાં પાંચમા બોલે સ્કોર 162 હતો ત્યારે ગીલ 59 બોલમાં 96 રન કરીને આઉટ થયો હતો અને અંતિમ ઓવરમાં 19 રન કરવાના આવ્યા હતા, પહેલા ચાર બોલમાં વાઇડ સાથે 7 રન આવ્યા હતા અને છેલ્લા બે બોલમાં 12 રનની જરૂર હતી ત્યારે રાહુલ તેવટિયાએ ફરી એકવાર બે છગ્ગા મારીને ગુજરાતે જીતાડ્યું હતું.
ગુજરાત ટાઇટન્સે ટોસ જીતીને દાવ લેવાનું નિમંત્રણ આપ્યા પછી પહેલા બેટીંગ કરવા ઉતરેલી પંજાબ કિંગ્સની શરૂઆત ફરી એકવાર ખરાબ રહી હતી અને તેમણે 34 રનમાં મયંક અગ્રવાલ અને જોની બેયરસ્ટોની વિકેટ ગુમાવી દીધી હતી. શિખર ધવન સાથે તે પછી રમતમાં જોડાયેલા લિવિંગસ્ટોને ફરી એકવાર મહત્વની ઇનિંગ રમી હતી પહેલા તેણે ધવનની સાથે 52 રનની, જીતેશ શર્મા સાથે 38 રનની ભાગીદારી કરી હતી. ધવન 30 બોલમાં 35 જ્યારે જીતેશ 11 બોલમાં 23 રન કરીને આઉટ થયા હતા. ઓડેન સ્મિથ ગોલ્ડન ડક આઉટ થયો હતો અને તે પછી લિવિંગસ્ટોન પણ 27 બોલમાં 4 છગ્ગા અને 7 છગ્ગા સાથે 64 રન કરીને આઉટ થયો હતો અને તરત જ શાહરૂખ ખાન પણ 8 બોલમાં 15 રન કરીને આઉટ થયો હતો. અંતિમ 2.1 ઓવરમાં રાહુલ ચાહર અને અર્શદીપ સિંહે મળીને 27 રનનો ઉમેરો કરતાં પંજાબ કિંગ્સ 189 રન સુધી પહોંચ્યું હતું.

Most Popular

To Top