મુંબઇ: આઈસીસી વન ડે વર્લ્ડ કપ 2023માં ભારતીય ક્રિકેટ ટીમનું (Indian Cricket Team) પરફોર્મન્સ શાનદાર રહ્યું છે. ટીમ સતત 10 મેચ જીતી હતી. જોકે, ફાઈનલ મુકાબલો ટીમ હારી (Loss) ગઈ હતી, જેના પગલે ચાહકોમાં નિરાશા વ્યાપી ગઈ હતી. હવે ટીમને લઈને મોટા અપડેટ (Update) સામે આવ્યા છે. ટીમની જીતમાં મહત્વનું યોગદાન આપનાર ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડ (Rahul Dravid) ટીમને અલવિદા કહી દીધું હોવાની વિગતો સપાટી પર આવી છે. હજુ આ અંગે કોઈ અધિકૃત જાહેરાત થઈ નથી, પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે, રાહુલ દ્રવિડ હવે હેડ કોચ તરીકે જવાબદારી ચાલુ રાખવા માંગતા નથી.
ટીમ ઈન્ડિયાના હેડ કોચ બન્યા બાદથી જ રાહુલ દ્રવિડનું શિડ્યુલ ખૂબ જ બિઝી રહ્યું છે. ટીમ સાથે સતત ટુર કરવાના લીધે રાહુલ દ્રવિડ પરિવારને સમય આપી શકતા નથી. બે દાયકાથી વધુ લાંબા સમય સુધી ભારતીય ટીમ સાથે ખેલાડી તરીકે રહ્યાં બાદ લાંબો સમયથી રાહુલ દ્રવિડ કોચ તરીકે જવાબદારી નિભાવી રહ્યાં છે. તેથી તેઓએ સતત પરિવારથી દૂર રહેવું પડી રહ્યું છે. હવે દ્રવિડ બેંગ્લોરમાં પોતાના પરિવાર પાસે રહેવા માંગતા હોય તેઓ હેડ કોચ તરીકેનો પોતાનો કાર્યકાળ લંબાવવા માંગતા નહીં હોવાની માહિતી સાંપડી છે. દરમિયાન રાહુલ દ્રવિડ ભારતીય ટીમના હેડ કોચ નહીં રહે તેવા સંજોગોમાં આઈપીએલની બે ફ્રેન્ચાઈઝી રાહુલને પોતાની ટીમમાં કોચ અથવા મેન્ટર તરીકે સામેલ કરવા માંગે છે.
લખનૌ સુપર જાયન્ટ્સ, રાજસ્થાન રોયલ્સ ઓફર કરી શકે
લખનૌ સુપર જાયન્ટ્સ ફ્રેન્ચાઇઝી રાહુલ દ્રવિડને પોતાના કોચ તરીકે ટીમમાં ઉમેરવા માટે ખૂબ જ આતુર જોવા મળી રહી છે. તેમજ ગૌતમ ગંભીરે કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમની કેપ્ટનશીપ સંભાળ્યા બાદ LSGની ટીમમાં મેન્ટરનું પદ ખાલી છે.
રાહુલ દ્રવિડ IPL ફ્રેન્ચાઇઝી લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) ના હેડ કોચ બની શકે તેવી સંભાવના છે. IPL 2024 પહેલા દ્રવિડ LSGના મેન્ટર પણ બની શકે છે. પરંતુ આ દ્રવિડ અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) વચ્ચેની બેઠકના બાદ નક્કી કરવામાં આવશે. પરંતુ દ્રવિડ હવે ફરી ટીમમાં કોચની જવાબદારી સંભાળે તેની સંભાવનાઓ ખુબ જ ઓછી છે.
ત્યારે 2008માં IPLની ચેમ્પિયન રાજસ્થાન રોયલ્સ (RR) પણ રાહુલ દ્રવિડને પોતાની સાથે ટીમમાં સામેલ કરવા માંગે છે. રાજસ્થાન રોયલ્સ પણ ઇચ્છે છે કે દ્રવીડ ટીમના મેન્ટર બને. ત્યારે દ્રવિડ અગાઉ IPLમાં રાજસ્થાન રોયલ્સ સાથે ખેલાડી અને કોચ બંનેની ભૂમિકા ભજવી ચૂક્યા છે. આ સાથે જ દ્રવિડે ભારત-A અને NCA સાથે લાંબા સમય સુધી કામ કર્યું છે.
દ્રવિડના સ્થાને લક્ષ્મણને કોચની જવાબદારી સોંપાઈ તેવી ચર્ચા
ત્યારે ટીમ ઈન્ડિયાના પૂર્વ ખેલાડી એનસીએ ચીફ વીવીએસ લક્ષ્મણને હેડ કોચની પદવી માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. કારણકે જ્યારે પણ દ્રવિડે બ્રેક લીધો છે ત્યારે લક્ષ્મણે તેની જવાબદારી સંભાળી છે. પરંતુ જો ફરી નવા કોચની પસંદગી કરવાની હોય તો બીસીસીઆઇ એ કોચ માટેના જૂની અરજીનું અવલોકન કરવું પડશે. તેમજ નિયમો અનુસાર તેઓ દ્રવિડને ફરી કોચ બનવા માટે આગ્રહ પણ કરી શકે છે.