Sports

શું લોસ એન્જેલસ ઓલિમ્પિક ગેમ્સમાં ક્રિકેટને સામેલ કરવામાં આવશે? ICCએ શું કહ્યું?

દુબઇ : ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (ICC)એ મંગળવારે એ વાતની પુષ્ટિ કરી હતી કે લોસ એન્જેલસ (Los angles)માં 2028માં રમાનારી ઓલિમ્પિક ગેમ્સ (Olympic games)માં ક્રિકેટ (Cricket)ને સામેલ કરવા માટે તે પોતાના તરફથી દાવો નોંધાવશે. આઇસીસી છેલ્લા કેટલાક સમયથી ક્રિકેટને ઓલિમ્પિક્સમાં સામેલ કરવાનો પ્રયાસ કરી રહી છે અને તેના આ દાવાને વિશ્વના સૌથી ધનિક બોર્ડ એવા ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)નું સમર્થન છે.

બીસીસીઆઇ આ પહેલા પોતાની સ્વાયત્તતા ખોવાઇ જવાની અને તેના વહીવટમાં ભારતીય ઓલિમ્પિક્સ એસોસિએશન (IOA)નો હસ્તક્ષેપ થવાની આશંકાને કારણે ઓલિમ્પિક્સ ગેમ્સમાં ક્રિકેટના સમાવેશ બાબતે ઉત્સાહી નહોતું, જો કે હવે બીસીસીઆઇ સચિવ જય શાહે એવું આશ્વાસન આપ્યું છે કે જો આઇસીસી રમતોના મહાકુંભમાં સ્થાન મેળવવામાં સફળ રહેશે તો ભારત તેમાં ભાગ લેશે. આઇસીસીએ એક ઓલિમ્પિક્સ વર્કિંગ ગ્રુપની રચના કરી છે જે ક્રિકેટને 2028ની ઓલિમ્પિક ગેમ્સમાં સામેલ કરાવવાની દિશામાં કામ કરશે.

આઇસીસી ચેરમેન ગ્રેગ બાર્કલેએ પોતાના એક નિવેદનમાં કહ્યું છે કે અમે બધા એ દાવા બાબતે એકમત છીએ કે અમે ઓલિમ્પિક્સને ક્રિકેટના ભાવી તરીકે જોઇએ છીએ. વૈશ્વિક સ્તરે અમારા એક અબજથી વધુ પ્રશંસકો છે અને તેમાંથી 90 ટકા લોકો ક્રિકેટને ઓલિમ્પિક ગેમ્સમાં જોવા માગે છે. એ ઉલ્લેખનીય છે કે ક્રિકેટને 1998ની કોમનવેલ્થ ગેમ્સમાં સામેલ કરવામાં આવ્યું હતું. તે પછી જો કે તેનો સમાવેશ થયો નથી. હવે 2022માં બર્મિંઘમમાં રમાનારી કોમનવેલ્થ ગેમ્સમાં મહિલા ક્રિકેટ સ્વરૂપે તેની વાપસી થઇ રહી છે.

આઇઓસી 2024માં ઓલિમ્પિક ગેમ્સ 2028માં નવી રમતોને સામેલ કરવા અંગે નિર્ણય કરશે
લોસ એન્જેલસ ગેમ્સની વેબસાઇટ પર જણાવાયા અનુસાર ઇન્ટરનેશનલ ઓલિમ્પિક્સ કમિટી (IOC) 2024માં એ નક્કી કરશે કે 2028માં રમાનારા ઓલિમ્પિક ગેમ્સમાં કઇ રમતોને સામેલ કરવી જોઇએ. તેમાં કહેવાયું છે કે આઇઓસી 2028માં રમાનારી ઓલિમ્પિક ગેમ્સમાં કોઇ નવી રમતને સામેલ કરવા માટે લોસ એન્જેલસ 2028ના પ્રસ્તાવ પર 2024માં વિચારણા કરશે. ટોક્યો અને પેરિસ ગેમ્સ પછી લોસ એેન્જેલસ ત્રીજી આયોજન કમિટી હશે જે નવી રમતોના સમાવેશનો પ્રસ્તાવ મુકશે.

આઇસીસીના ઓલિમ્પિક્સ વર્કિંગ ગ્રુપની આગેવાની ઇસીબીના ઇયાન વોટમોર સંભાળશે
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (ICC) દ્વારા રચાયેલા ઓલિમ્પિક્સ વર્કિંગ ગ્રુપની આગેવાની ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)ના અધ્યક્ષ ઇયાન વોટમોર સંભાળશે તેમની સાથે આઇસીસીની સ્વતંત્ર ડિરેક્ટર ઇન્દિરા નૂયી પણ હશે. ઝિમ્બાબ્વે ક્રિકેટના તાવેંગ્વા મુકુહલાની, આઇસીસીના એસોસિએટ સભ્ય ડિરેક્ટર તેમજ એશિયન ક્રિકેટ કાઉન્સીલના ઉપાધ્યક્ષ મહિન્દા વાલ્લિપુરમ તેમજ અમેરિકા ક્રિકેટના પરાગ મરાઠે આ વર્કિંગ ગ્રુપમાં સામેલ છે.

ક્રિકેટ એકમાત્ર 1990ની પેરિસ ઓલિમ્પિક ગેમ્સમાં સામેલ કરાયું હતું
આ પહેલા ક્રિકેટની રમત ઓલિમ્પિક્સમાં સહભાગી થઇ ચુકી છે. આ પહેલા 1990ની પેરિસ ઓલિમ્પિક ગેમ્સમાં ક્રિકેટની રમતને સામેલ કરવામાં આવી હતી અને તેની સાથે જ ક્રિકેટ પહેલીવાર ઓલિમ્પિક્સમાં સામેલ થયું હતું, જો કે તે પછી ક્રિકેટની રમત કદી રમતોના મહાકુંભમાં જોવા મળી નથી. તે સમયે માત્ર ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ એમ બે ટીમોએ પેરિસ ઓલિમ્પિક્સમાં ભાગ લીધો હતો, જેમાં ઇંગ્લેન્ડે બે દિવસીય મેચમાં ફ્રાન્સને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.

Most Popular

To Top