બાંગ્લાદેશમાં ભૂતપૂર્વ વડાપ્રધાન Sheikh Hasina સાથે જોડાયેલા લોકો સામે ચાલી રહેલી કાનૂની કાર્યવાહી વધુ કડક બની રહી છે. ઢાકાની એક અદાલતે બ્રિટિશ સાંસદ Tulip Siddiq સામે ઇન્ટરપોલ રેડ નોટિસ મેળવવા માટે સત્તાવાળાઓને અરજી કરવાની સૂચના આપી છે. આ નિર્ણયને દેશની હાલની રાજકીય પરિસ્થિતિમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
માહિતી મુજબ, તુલિપ સિદ્દિક પર ઢાકાના ગુલશન વિસ્તારમાં આવેલા એક ખાનગી રિયલ એસ્ટેટ પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર સંબંધિત ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. બાંગ્લાદેશની એન્ટી-કરપ્શન કમિશન (ACC)એ આરોપ મૂક્યો છે કે સિદ્દિકે તેમની ફુઆ શેખ હસીનાની નજીકતા નો લાભ લઈને જમીન ફાળવણીમાં પ્રભાવ પાડી ખાનગી કંપનીને ફાયદો કરાવ્યો હતો ACCના અધિકારી દ્વારા દાખલ કરાયેલી અરજી પર ઢાકાની અદાલતે આદેશ આપ્યો છે,જેના કારણે આ કેસ આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવ્યો છે.
તુલિપ સિદ્દિકે આ તમામ આરોપોને નકારી કાઢ્યા છે. અગાઉ તેમણે જણાવ્યું હતું કે આ કાર્યવાહી સંપૂર્ણપણે રાજકીય પ્રેરિત છે અને તેઓ બ્રિટિશ નાગરિક છે, બાંગ્લાદેશની રાજકીય લડાઈનો ભાગ નથી. તેમ છતાં, બાંગ્લાદેશમાં તેમના વિરુદ્ધ પહેલેથી જ ત્રણ અલગ અલગ ભ્રષ્ટાચાર કેસોમાં કુલ છ વર્ષની સજા ફટકારાઈ હોવાનું જણાવાયું છે.આ મામલે બાંગ્લાદેશમાં થયેલા મોટા રાજકીય પરિવર્તન પછી વધુ તેજ થયો છે. 2024માં વિદ્યાર્થી આંદોલન બાદ શેખ હસીનાને સત્તા છોડવી પડી હતી અને ત્યારથી તેઓ ભારતમાં નિવાસ કરી રહ્યા છે. ત્યારબાદ દેશમાં તાત્કાલિક રાજકીય વ્યવસ્થા ઉભી થઈ હતી, જેમાં Muhammad Yunusના નેતૃત્વમાં આંતરિમ સરકાર રચાઈ હતી.
તાજેતરમાં યોજાયેલી ચૂંટણી બાદ હવે Tarique Rahmanની આગેવાનીમાં નવી સરકાર સત્તામાં આવી છે. નવી સરકાર સત્તામાં આવ્યા બાદ હસીનાની પાર્ટી અને તેના નેતાઓ સામે કાનૂની કાર્યવાહી વધુ ઝડપી બની હોવાનું રાજકીય નિરીક્ષકોનું માનવું છે.આ સાથે જ બાંગ્લાદેશ પોલીસે એક મહત્વપૂર્ણ સૂચના પણ આપી છે. માહિતી અનુસાર, અવામી લીગના નેતાઓ અને કાર્યકરોને જામીન મળ્યા બાદ પણ જો જરૂરી હોય તો નવા કેસોમાં ફરીથી ધરપકડ કરવાની કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે.આ આદેશ ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં આવેલા રાજશાહી રેન્જના પોલીસ અધિકારીઓને આપવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.
રાજકીય વિશ્લેષકોના મત મુજબ, હાલ ચાલી રહેલી કાર્યવાહીનો મુખ્ય હેતુ શેખ હસીનાના રાજકીય નેટવર્કને કમજોર કરવો અને ફરીથી સંગઠન ઉભું થવાનું અટકાવવું હોઈ શકે છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં અગાઉ પણ લીગ સાથે જોડાયેલા હજારો નેતાઓ અને કાર્યકરો સામે કાર્યવાહી થઈ છે, જ્યારે ઘણા લોકો દેશ છોડીને બહાર ગયા છે અથવા છુપાઈ રહ્યા છે.બાંગ્લાદેશની હાલની રાજકીય પરિસ્થિતિમાં આ કેસને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે અને આવનારા સમયમાં આ મામલે વધુ કાનૂની તથા રાજકીય વિકાસ જોવા મળી શકે છે.