ચીનને દબડાવવાનો પ્રયાસ કરનારાએ 140 કરોડ લોકોની પોલાદી દીવાલનો સામનો કરવો પડશે, એનું માથું ભાંગી જશે અને લોહિયાળ સંજોગોનો સામનો કરવો પડશે: સીપીસીની સ્થાપના શતાબ્દિએ પ્રમુખ જિનપિંગ
બીજિંગ: કોઇ પણ વિદેશી પરિબળ કે જે ચીન (China)ને દબડાવવાની કોશિશ કરશે તેણે ચીનના 1.40 અબજ લોકોની બનેલી પોલાદી દિવાલનો સામનો કરવો પડશે અને તેના ભૂંડા હાલ થશે એવી ચિમકી ચીનના પ્રમુખ ઝી જિનપિંગે આજે તેમના દેશના શાસક પક્ષ કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇના(CPC)ની સ્થાપનાની શતાબ્દિની ઉજવણી (100 year celebration)વખતે કરેલા પ્રવચનમાં ઉચ્ચારી હતી.
ચીનની રાજધાનીના શહેરના તિઆનાનમેન ચોકમાં યોજાયેલ દબદબાભર્યા સમારંભને તિઆનાનમેન ગેટની બાલ્કનીમાંથી સંબોધન કરતા પ્રમુખ ઝી જિનપિંગે આક્રમક અને ઉગ્ર સૂરો કાઢ્યા હતા. એક કલાકના સંબોધનમાં તેમણે કહ્યું હતું કે ચીને તેના ઇતિહાસમાં ક્યારેય કોઇ દેશનું દમન કર્યું નથી અને કરશે નહીં અને પોતાનું દમન કોઇને કરવા દેશે નહીં, અને જેઓ ચીનને દબડાવવાનો પ્રયાસ કરશે તેમને ચીનના ૧.૪૦ અબજ લોકોની મજબૂત દિવાલનો સામનો કરવો પડશે અને આવો પ્રયાસ કરનારાનું માથું ભાંગી જશે અને તેણે લોહિયાળ સંજોગોનો સામનો કરવો પડશે. અમેરિકા તરફના છૂપા સંદર્ભ સાથે તેમણે આ ચેતવણી ઉચ્ચારી હતી. તેમણે પોતાના પ્રવચનમાં હોંગકોંગનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે ત્યાં ચીને કાયદો વ્યવસ્થાની ફરી સ્થાપના કરી છે! જ્યારે સ્વશાસિત તાઇવાનને ચીન સાથે ફરી જોડી દેવાનો નિર્ધાર વ્યકત કરતા તેમણે કહ્યું હતું કે તાઇવાનને ચીન સાથે ફરી જોડવાના માર્ગમાં કોઇ હસ્તક્ષેપ ચલાવી લેવાશે નહીં.
માઓ પહેરતા હતા તેવો જ સૂટ જિનપિંગે પહેર્યો
આજે સીપીસીની જન્મ શતાબ્દીની ઉજવણીના પ્રારંભે સંબોધન કરતી વખતે ચીની પ્રમુખ ઝી જિનપિંગે રાજાશાહીના અંત પછી સામ્યવાદી ચીનની સ્થાપના કરનાર માઓ ઝેડોંગ જેવો સૂટ ૧૦૦ વર્ષ પહેલા પહેરતા હતા તેવો જ ગ્રે કલરનો સૂટ પહેર્યો હતો. બંધારણીય સુધારો કરીને પોતાને આજીવન પ્રમુખ તરીકે સ્થાપિત કરાવી દેનારા ઝી જિનપિંગ ચીનમાં હવે માઓ ઝેડોંગ પછીના સૌથી શક્તિશાળી નેતા મનાય છે.