આજ રોજ તા.12 સપ્ટેમ્બર 2025ના શુક્રવારે સીપી રાધાકૃષ્ણને દેશના 15મા ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કર્યા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને પદ માટેનો શપથ લેવડાવ્યાં. આ પ્રસંગે રાજકીય તેમજ સામાજિક ક્ષેત્રના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સૌથી વધુ ધ્યાન ખેંચનાર ઘટના એ રહી કે ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ તેમના રાજીનામાના 53 દિવસ બાદ પહેલીવાર જાહેરમાં જોવા મળ્યા.
હકીકતમાં, ધનખરે તા.21 જુલાઈએ અચાનક પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ લાંબા સમય સુધી તેઓ કોઈ જાહેર કાર્યક્રમમાં દેખાયા નહોતા. જેના કારણે વિપક્ષે અનેક પ્રશ્નો ઉભા કર્યા હતા. તેમના અચાનક ગાયબ રહેવાથી અટકળો પણ વધી હતી. પરંતુ સીપી રાધાકૃષ્ણનના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપતાં જ તમામ અટકળોનો અંત આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. આ પ્રસંગે ધનખર પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને હામિદ અંસારીની બાજુમાં બેઠેલા જોવા મળ્યા.
શપથ ગ્રહણ સમારોહમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ સહિત અનેક દિગ્ગજ નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને લઈને રાજકીય માહોલમાં ભારે ચર્ચા થઈ રહી છે.
સીપી રાધાકૃષ્ણન ઉપરાષ્ટ્રપતિ બનતા પહેલા મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે સેવા આપી રહ્યા હતા. એનડીએએ તેમને ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવાર તરીકે આગળ ધપાવ્યા હતા. તા.9 સપ્ટેમ્બરના રોજ યોજાયેલી ચૂંટણીમાં તેમને કુલ 452 મત મળ્યા હતા. જ્યારે વિપક્ષના ઉમેદવાર બી. સુદર્શન રેડ્ડીને 300 મત મળ્યા હતા.
હવે સીપી રાધાકૃષ્ણન સત્તાવાર રીતે દેશના બીજા સૌથી ઊંચા પદ પર બિરાજમાન થયા છે. તેમની નિમણૂક બાદ મહારાષ્ટ્રના રાજ્યપાલનો હવાલો ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને સોંપવામાં આવ્યો છે.
આ શપથ ગ્રહણ સમારોહ માત્ર એક નવા ઉપરાષ્ટ્રપતિના આગમન માટે જ નહીં. પણ 53 દિવસથી ગાયબ રહેલા જગદીપ ધનખડના ફરી જાહેરમાં દર્શન માટે પણ યાદગાર બની ગયો