કોવિડ બાબતે જગત હજી અંધારામાં છે. આપણે જાણીએ છીએ કે વાઇરસ એનું સ્વરૂપ સતત બદલાવી રહ્યો છે. વેકિસન અથવા રસીના જૂના સ્વરૂપ વડે વાઇરસનાં નવાં સ્વરૂપો સામે લડવાનું મુશ્કેલ અને અશકય બની જાય છે. ઘણાં ઓછાં લોકોને ખ્યાલ હશે કે ઇન્ફલુએન્ઝા (ફલુ)ના વાઇરસો પોતાની પ્રકૃતિમાં આંશિક ફેરફારો કરતાં રહે છે. ઠંડા પ્રદેશોમાં વયસ્કો માટે ફલુ એક જીવલેણ બીમારી બની શકે છે. જો કે એટલી જોખમી નથી જેટલી કોવિડ-૧૯ અને તેનાં નવાં સ્વરૂપો છે. ફલુની રસી પણ શોધાઇ છે. સફળ થઇ છે. પરંતુ તેના કારણે ફલુના વાઇરસ સદંતર નાશ પામ્યાં નથી. દર વરસે ફલુની રસી, નવા પ્રકારનાં ફલુ-વાઇરસ સામે લડી શકે એ રીતે તૈયાર કરવી પડે છે અને તેથી જેઓ સાવધાન રહેવા માગતા હોય તેમણે દર વરસે ફલુની રસીનો શોટ લેવો પડે છે. વિજ્ઞાનીઓ અને વેકસીનનું ઉત્પાદન કરતી કંપનીઓના નિષ્ણાતો માને છે કે કોવિડ અર્થાત કોરોના વાઇરસો અને તેનાથી ઉપજતી બીમારી આપણી સાથે જ રહેશે. તેની સામે લડવા માટે નવી ઔષધિઓ બનશે. બીમારીને વધુ સારી રીતે સમજી શકાશે પરંતુ હમણાં રસી લેવાથી તે પૂર્ણપણે નાશ પામશે તેમ માનવું ભૂલભરેલું છે. સ્પેનિશ ફલુ, ઓરી, અછબડા, પોલિયો, ઇબોલા વગેરે વાઇરસોની માફક તે આપણી સાથે જ, સમાંતરે જીવતા રહેશે અને કયારેક કયારેક કેર વરતાવતા રહેશે.
આજથી સો વરસ અગાઉ દેશ અને દુનિયામાં સ્પેનિશ ફલુએ કેર વરતાવ્યો હતો. મુંબઇ જેવાં શહેરોમાં ખાસ વોર્ડ અને હોસ્પિટલો બાંધવા પડયાં હતાં અને તેની બ્લેક એન્ડ વ્હાઇટ તસવીરો પણ આજકાલ વાઇરલ (વાઇરલ?) છે. ત્યારબાદનાં સો વરસ સુધી આ વાઇરસો ડોરમન્ટ અથવા સુષુપ્ત પડયા રહ્યા છે. હમણાં યુનાઇટેડ નેશન્સના આરોગ્ય વિભાગ દ્વારા જગતને ચેતવણી અપાઇ છે કે સ્પેનિશ ફલુ ફરીથી કાળો કેર વરતાવવા હાજર થઇ શકે તેમ છે. તેનો બીજો અર્થ એ કે હાથ ધોવાનું અને માસ્ક પહેરવાનું, સાવધ રહેવું હોય તો કાયમી બની જશે.
ફાઇઝર અને જર્મનીની બાયોએમટેક કંપનીઓએ મળીને કોવિડ-૧૯ સામેની વેકસીન ડેવલપ કરી છે. ૧૭૨ વરસ જૂની ફાઇઝર કંપનીના ચીફ એકિઝકયુટિવ ઓફિસર (સીઇઓ) શ્રી આલ્બર્ટ બોરલા છે. એમનું કહેવું છે કે ડરી જવાની જરૂર નથી છતાં સાવધાનીઓ અને રોગ સામે લડવાની તૈયારીઓ રાખવી જરૂરી છે. દુનિયાના દેશોએ કોવિડ વાઇરસોની હિલચાલ અને ગતિવિધિઓ પર નજર રાખવા માટે એક અસરકારક સર્વેલન્સ માળખું તૈયાર કરવું પડશે. જેથી વાઇરસ નવું રૂપ ધારણ કરે તો તુરંત લેબોરેટરીમાં ટેસ્ટ કરીને જાણી શકાય કે આપણી પાસે જે વેકસીન છે તે તે રૂપ સામે લડવા માટે કારગર છે કે કેમ?
બોરલાના કહેવા પ્રમાણે રસીના સંશોધનના તબકકા વખતે જ વાઇરસ નવા રૂપ ધારણ કરશે તે શકયતાઓને ગંભીરતાથી ધ્યાનમાં લેવામાં આવી હતી. એ પણ સમજાયું હતું કે રસીઓ નવા રૂપ સામે કારગર ન પણ નીવડે!
રસીનો જે બીજો ડોઝ આપવાનો રહે છે તે રસી લેનાર સમયસર લે તે આ કારણથી જરૂરી બને છે. કારણ કે બીજો ડોઝ નવા રૂપ સામે રક્ષણ આપે છે. બન્ને ડોઝ લીધા પછી કોવિડ લાગુ પડે તો પણ ખૂબ હળવી માત્રામાં લાગુ પડે છે અને જીવલેણ નીવડતો નથી. ડોનાલ્ડ ટ્રમ્પની પગ-માથાં વગરની કોરોના પોલીસીને કારણે જેમણે ખૂબ સહન કરવું પડતું હતું તે ડોકટર એન્થની ફોસીની ડબલ ડોઝ લઇ લેવાની સલાહ છે. ટ્રમ્પનો મગજમાં જાતે પેદા કરેલો દાવો હતો કે કોરોના જેવું કંઇ છે નહીં. આ ખ્યાલને કારણે એમણે અમેરિકાની પ્રજાને કોવિડ-૧૯ ના હવાલે કરી દીધી હતી. પોતે ૮૨ દિવસ સુધી માસ્ક પહેર્યું ન હતું. ત્યાર બાદ ભયંકર પરિણામો આવવાનાં શરૂ થયાં એટલે જખ મારીને પહેરવું પડયું. અને હમણાં થોડા દિવસ અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોનાની રસી પણ મુકાવવી પડી છે.
શ્રી બોરલા ડૉકટર ફોસીના ડબલ ડોઝ માટેના અભિપ્રાય સાથે સહમત છે. બોરલાના કહેવા પ્રમાણે રસી માટેનાં સંશોધનો દરમિયાન એ બાબત સમજાઇ છે કે બીજો ડોઝ ઓગણીસથી બેતાલીસ (૧૯-૪૨) દિવસો વચ્ચે લઇ લેવો જરૂરી છે. આટલા દિવસોના ફ્રેમવર્કમાં બીજો ડોઝ લેવાય તો રસી કામ કરે છે. અન્યથા જોખમ રહે છે.
શ્રી બોરલાના કહેવા મુજબ ‘આજથી ત્રણ મહિના અગાઉથી લાગતું હતું કે કોરોના સામેની રસી માટે દર વરસે ડોઝ લેવા પડશે. એ એક શકયતા હતી. પરંતુ હવે એ શકયતા વધુ મજબૂત થતી જાય છે કે દર વરસે નવો ડોઝ લેવો પડશે. જો કે હજી પાકી ખાતરી સાથે કશું કહી શકાય તેમ નથી. એવું લાગે છે કે કોવિડ વાઇરસો આપણી સાથે દુનિયામાં કાયમ માટે ઠરીઠામ થશે. પરંતુ સાથે એ પણ જણાઇ રહ્યું છે કે કોવિડને આપણે ફલુ જેટલો હળવો, જેને ખાસ ગંભીરતાથી લેવાની જરૂર નહીં પડે તેવો વાઇરસ બનાવી શકીશું. આપણી પાસે તે માટેની સમજણ અને સાધનો છે. તે એટલો સાધારણ બનશે કે આપણો જીવનક્રમ કે આપણી અર્થવ્યવસ્થા ખોરવી શકશે નહીં. માત્ર તેનાં નવાં સ્વરૂપો પર નજર રાખવા આપણે વધુ સાવચેત રહેવું પડશે. વધુ માત્રામાં રસીકરણ થાય તેના પર ધ્યાન આપવું પડશે.’
રસીકરણ એક મોટી સમસ્યા છે. અત્યંત ઠંડી સ્થિતિમાં જાળવીને તેનું વિતરણ કરવાનું રહે છે. દરેક દેશો પાસે તેવી વ્યવસ્થા નથી. વળી આ રસી લેવાનું ફરજિયાત નથી. આથી તેનાં વાહકો અને આશ્રયદાતા પશુ, પંખી, પ્રાણીઓ અને માનવીઓ જગતમાં હરતાંફરતાં હશે ત્યાં સુધી વાઇરસ જળવાઇ રહેશે. ફાઇઝર – બાયોએનટેકની રસી ખૂબ ઠંડા તાપમાનમાં રાખવાની હોય છે. આ મોટી હર્ડલ અથવા અડચણને દૂર કરવા માટે ફાઇઝર દ્વારા હવે પાવડરના સ્વરૂપમાં રસી તૈયાર કરવામાં આવી રહી છે. તેમાં જરૂરી પ્રવાહી ભેળવવાથી રસી તૈયાર થઇ જાય છે. પાવડરના રૂપમાં હોવાથી ઠંડા તાપમાનમાં રાખવી પડતી નથી. ટ્રાન્સપોર્ટેશન આસાન બની જશે. આવતા જૂન સુધીમાં તે તૈયાર થઇ જશે. એવી ફાઈઝરની ગણતરી છે.
ઘણાં લોકો રસી લેતા ડરે છે. ઘણાંને અમુક સ્થાપિત હિતો અને ષડયંત્રોની થીઅરીના ભક્તોએ ડરાવી દીધા છે. જો કે આ ડરનું પ્રમાણ હવે ઘટી રહ્યું છે. ખુદ ટ્રમ્પે લેવી પડી તો? શ્રી બોરલા કહે છે કે, ‘જે લોકો રસી લેવાથી ડરે છે તેઓએ એ વાત ધ્યાનમાં લેવાની જરૂર છે કે રસી નહીં લેવાનો નિર્ણય કરવાથી માત્ર તેઓની પોતાની જિંદગી જોખમમાં નહીં મુકાય પરંતુ આસપાસનાં લોકોની જિંદગીઓ પણ જોખમમાં મુકાશે અને વધુ તો તેઓનાં જીવન સામે ખતરો પેદા થશે જેઓને તેઓ ચાહતા હોય છે. જેમ કે સગાંવહાલાંઓ, મિત્રો અને સહકર્મચારીઓ. જેઓ રસી નહીં લે તેઓ એવી કમજોર કડી પુરવાર થશે જે વાઈરસની વસતિ ટકાવી રાખવામાં મદદરૂપ બનશે માટે લોકોએ ડરને વચ્ચે લાવવાની જરૂર નથી.’
વાત ખરી છે. અમુક સ્થાપિત હિતો દ્વારા ખોટા સમાચારો ફેલાવવામાં આવે છે કે વેકસીનનો શોટ લીધો એટલે ફલાણા ફલાણાનું મરણ થયું. ભલા ઈન્સાનો, વીસ કે પચ્ચીસ લાખના શહેરમાં રોજના 50 કે 100 માણસ બીજા કોઇ પણ કારણોસર મરતાં હશે કે નહીં? તેમ રસી લેનારનું બીજાં કોઇ કારણોથી પણ મરણ નીપજી શકે છે. ઘણી વાર કાગનું બેસવું અને ડાળનું પડવું તે ન્યાય થતો હોય છે. વળી ઘણાં લોકો મોટી રકમોનું વળતર મેળવવા રસી પર આંખ ચડાવી દેતા હોય છે. આ લખવાનો અર્થ એવો નથી કે રસીને આપણે કલીન-ચીટ આપીએ છીએ. પરંતુ જે કંઇ નક્કી કરવું હોય તે પૂરતા અભ્યાસ પછી જ થાય. ઘણા ગુજરાતી પત્રકારો વોટસએપ વિશ્વવિદ્યાલયમાં જે કંઇ લખાય તેને મધની જેમ ચાટવા માંડે છે. હમણાં ગુજરાતના એક અખબારમાં એક કોલમિસ્ટે લખ્યું કે જો કોરાનાને કારણે 95 ટકા (લગભગ) લોકો બચી જતા હોય અને રસીની સફળતાનો આંકડો 95 ટકા (લગભગ) હોય તો રસી લેવાની જરૂર શી છે? એમ જ વિચાર્યા વગર આ તર્ક મીઠો અને સ્વીકારવાયોગ્ય લાગે. પણ તેમાં પાયાનો ફરક છે તે ગણિતની રીતે વિચારે તો સમજાય. પણ તે માટે પત્રકારને ગણિત આવડવું જરૂરી છે અને ન આવડતું હોય તો કોઇ ગણિતજ્ઞનો અભિપ્રાય લેવો જોઇએ.
રસી લેવાથી એકસોમાંથી પંચાણું જણને કોવિડ લાગુ પડવાનો નથી. તેમાંથી જે પાંચને લાગુ પડે તેમાં પણ પંચાણું ટકા બચે તો મરણનો આંકડો આવે તો પણ કુલ વસિતના અડધા ટકાનો આવે. આશાસ્પદ બાબત એ છે કે રસી બાદ કોવિડ લાગુ પડે છે તો હળવો લાગુ પડે છે તેથી મૃત્યુનું પ્રમાણ ખૂબ જૂજ બની જાય છે. પત્રકારોએ વિચારવું જોઇએ કે દુનિયાના શ્રેષ્ઠ નિષ્ણાતો વિચારે ત્યારે તેમાં બુદ્ધિ જોડાયેલી જ હશે માટે સત્યને બરાબર પારખીને તેનો પ્રચાર કરવો કે અટકાવવો જોઇએ. શ્રી બોરલા કહે છે કે આ જવાબદારી રાષ્ટ્રના વડાથી માંડીને પત્રકારો સુધીના તમામ લોકોની અને વર્ગોની છે. થાળી વગાડવા કે દીવા પેટાવવા માટે આપણે ભલે નરેન્દ્રભાઈ મોદીની ટીકા કરીએ આ લખનાર પણ માને છે કે તેમ કરવું જરૂરી ન હતું. પણ અમેરિકા જેવા વિજ્ઞાન-આધારિત સમાજનો દેશ અને તેના વડા માત્ર પોતાને તરંગમાં આવે તેથી પ્રજાને રક્ષવા માટે પગલાં ન ભરે તેની સામે માંડીને સરખાવો તો એમણે વિજ્ઞાનની અવગણના કરી જ નથી. ઊલટાનો વધુ આશરો વિજ્ઞાનનો લીધો. ભારતમાં જ ઘણી રસીઓ તૈયાર થઈ અને જગતનાં લોકોને પણ આપી.
બ્રાઝિલના વડા જે બોલ્સોનારો પણ ટ્રમ્પની જેમ વિચારતા અને વર્તતા રહી ગયા. આખરે ભારતની મદદ લેવી પડી અને એમને હનુમાન ચાલીસા યાદ આવી ગયા. કોરોના બાબતે આજે ભારતની સુવાસ જગતભરમાં ફેલાઈ છે તે વડાપ્રધાનને કારણે શક્ય બન્યું. વડાપ્રધાને ટ્રમ્પની માફક માસ્ક ન પહેરવું તેને પોલિટિકલ સ્ટેટમેન્ટ બનાવ્યું નથી. શ્રી બોરલા કહે છે કે, ‘અમેરિકામાં વર્તમાન પ્રમુખ જો બાઈડન વિજ્ઞાનના તથ્યોમાં માને છે અને તે પ્રમાણે ચાલે છે જયારે ડોનાલ્ડ ટ્રમ્પ પોતાને જે તરંગ કે તુક્કા (ગટ ફિલિંગ) સૂઝતા હતા તે મુજબ ચાલતા હતા. પરંતુ વેકસીનનું વિજ્ઞાન એક જટિલ વિજ્ઞાન છે અને ત્યારે તેમાં તુક્કાઓ મુજબ આગળ વધવાનું યોગ્ય ગણી શકાય નહીં.’
વૈશ્વિક મહામારી બાબતમાં શ્રી બોરલા માને છે અને તે સાચું પણ છે કે મહામારી સામે તમારા પડોશીઓ સુરક્ષિત હશે તો જ તમારી જાતને સુરક્ષિત ગણવી જોઇએ.’ અમુક સુખી દેશોના પ્રધાનોએ પોતાને ત્યાં જે વેકસીનનું ઉત્પાદન થાય તે પોતાને ત્યાં જ રાખવાની વકીલાત કરી હતી. ગરીબ દેશો રસીના લાભોથી વંચિત રહેશે તેવો પણ ભય પેદા થયો છે. આ સંદર્ભમાં બોરલાના કહેવાનો સાર એ છે કે તમારા ગરીબ પાડોશીઓ, ગરીબ પાડોશી દેશોને સુરક્ષિત બનાવવાની જવાબદારી નિભાવશો તો તે તમારી (સુખી લોકોની) સલામતી માટે પણ અગત્યનું છે. વળી માનવીય સભ્યતાના આધારે દરેક જણને વેકિસન મળી રહે તે અગત્યનું છે.