દેશમાં અને દુનિયામાં વર્ષ ૨૦૨૦ની શરૂઆતથી કોરોનાવાયરસજન્ય કોવિડ-૧૯નો રોગચાળો શરૂ થયો તેના પછી આખા વિશ્વમાં જે કેટલાક શબ્દો ખૂબ પ્રચલિત બન્યા તેમાંનો એક શબ્દ ટેસ્ટિંગ પણ છે. વ્યક્તિને આ નવા કોરોનાવાયરસ સાર્સ કોવ-ટુનો ચેપ લાગ્યો છે કે નહીં? તે જાણવા માટે ટેસ્ટ કરાવવા પર રોગચાળાના શરૂઆતના સમયમાં તો ખૂબ ભાર મૂકવામાં આવ્યો હતો અને જે દેશોમાં ટેસ્ટિંગ ઓછું હોય તેમને વખોડવામાં આવતા હતા. આ ટેસ્ટિંગ પણ ખૂબ વિવાદાસ્પદ બાબત રહી છે. ટેસ્ટિંગમાં ચાલાકીઓ, ખોટા રિપોર્ટો, ખોટા આંકડાઓ દર્શાવવા વગેરે બાબતો આમાં ચર્ચાતી રહી છે. લોકો બનાવટી ટેસ્ટ રિપોર્ટો પોતાના હેતુ પાર પાડવા તૈયાર કરાવે ત્યાંથી માંડીને વિવિધ સરકારો ઓછા ટેસ્ટ કરે, તેમાં ચાલાકીઓ કરે, આંકડાઓ છૂપાવે વગેરે બાબતો આની સાથે સંકળાયેલી રહી છે. ટેસ્ટ બાબતે આપણા દેશમાં પણ અનેક ગુંચવાડાઓ પ્રવર્તતા રહ્યા છે. આવા માહોલ વચ્ચે હવે સરકાર તરફથી આઇસીએમઆર મારફતે ટેસ્ટ બાબતે એક વિસ્તૃત એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે અને તેમાં ઘણા પ્રકારના લોકોએ ટેસ્ટ કરાવવાની જરૂર નથી તે સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે જે એક ખૂબ રાહતરૂપ બાબત બની શકે તેમ છે.
સોમવારે આઇસીએમઆર તરફથી કોવિડ ટેસ્ટ બાબતે જે ખાસ એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે તે જણાવે છે કે કોવિડના કન્ફર્મ્ડ કેસોના સંપર્કમાં આવેલા લોકોએ ટેસ્ટ કરાવવાની જરૂર નથી સિવાય કે તેઓ વય અથવા કોમોર્બિડિટીઓના આધારે ભારે જોખમી તરીકે જુદા તારવવામાં આવ્યા હોય. આ એક ખૂબ રાહતરૂપ બાબત છે. અત્યાર સુધી એવો ખાસ આગ્રહ રાખવામાં આવતો હતો કે કોરોના પોઝિટિવ આવેલા કોઇ દર્દીના સંપર્કમાં જેટલા લોકો આવ્યા હોય તે બધાએ પોતાના કોવિડ ટેસ્ટ કરાવી લેવા. આને કારણે આરોગ્ય પ્રણાલિ પર ભારે બોજ પડતો હતો અને લોકોએ પણ ખૂબ પરેશાન થવું પડતું હતું.
કોવિડ-૧૯ માટેના પર્પઝીવ ટેસ્ટિંગ વ્યુહરચના માટે આઇસીએમઆર દ્વારા જારી કરવામાં આવેલી એડવાઇઝરી એમ પણ જણાવે છે કે આંતરરાજ્ય ડોમેસ્ટિક પ્રવાસ કરતી વ્યક્તિઓએ પણ ટેસ્ટ કરાવવાની જરૂર નથી. આ પણ એક રાહત જનક અને આવકાર્ય બાબત છે. કેટલાક રાજ્યો અન્ય રાજ્યોમાંથી આવતા લોકોના ટેસ્ટિંગ માટે જે જડ આગ્રહ રાખતા હતા તેનો આનાથી અંત આવશે એવી આશા રાખી શકાય. સર્જીકલ/ નોન સર્જીકલ ઇનવેસિવ પ્રક્રિયાઓ માટે દાખલ થયેલ વ્યક્તિ જેમાં પ્રસુતિ માટે દાખલ થયેલ મહિલાઓનો પણ સમાવેશ થાય છે તેઓમાં જો લક્ષણો દેખાતા ન હોય તો તેમનો ટેસ્ટ કરવાની જરૂર નથી એમ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ(આઇસીએમઆર)ની આ સલાહયાદી જણાવે છે.
દાખલ થયેલા દર્દીઓનો ટેસ્ટ સપ્તાહમાં એકથી વધુ વખત કરી શકાશે નહીં એમ પણ આ માર્ગદર્શિકામાં જણાવાયું છે. જો કે આ એડવાઇઝરીમાં એમ પણ જણાવાયું છે કે આઇસીએમઆરની આ એડવાઇઝરી જેનેરિક પ્રકારની છે અને તેને રાજ્યના આરોગ્ય સત્તાવાળાઓ અને ચોક્કસ જાહેર આરોગ્યની બાબતો માટે અને રોગચાળાકીય કારણોસર પોતાની વિવેક બુદ્ધિના આધારે બદલી શકશે. આશા રાખીએ કે આ છૂટનો ઉપયોગ લોકોને પરેશાન કરવા માટે નહીં કરવામાં આવે. કોના ટેસ્ટ કરવા તેની પણ સ્પષ્ટતા આ એડવાઇઝરીમાં કરવામાં આવી છે જે મુજબ લક્ષણો ધરાવતી વ્યક્તિ, કે જેનો હોમ/સેલ્ફ ટેસ્ટ અથવા આરએટી નેગેટિવ આવ્યો હોય, તેનો આરટી-પીસીઆર ટેસ્ટ કરવો. કન્ફર્મ્ડ દર્દીના સંપર્કમાં આવેલ જોખમ ધરાવતી વ્યક્તિ(૬૦થી વધુ વય ધરાવતા લોકો અને આરોગ્યની જોખમી સ્થિતિ ધરાવતા લોકો) આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરનાર વ્યક્તિએ પણ ટેસ્ટ કરાવી લેવો એમ જણાવવામાં આવ્યું છે. હોસ્પિટલોમાં ડોકટરો પોતાની વિવેક બુદ્ધિના આધારે દર્દીઓનો ટેસ્ટ કરી શકશે એમ આ એડવાઇઝરીમાં જણાવાયું છે. હોસ્પિટલમાં અન્ય રોગોની સારવાર માટે દાખલ થયેલા દર્દીઓમાં જો લક્ષણ જણાય તો ડોકટરો તેમનો કોવિડ ટેસ્ટ કરી શકશે.
આઇસીએમઆરની આ એડવાઇઝરી ખરેખર આવકાર્ય છે. બે વર્ષ જેટલા સમયથી ચાલી રહેલા રોગચાળા પછી અને રસીકરણ વ્યાપક બન્યા પછી આ રોગ કંઇક ઓછો ઘાતક બનેલો જણાય છે અને લોકો હવે આ રોગને કંઇક સ્વાભાવિકતાથી લેવા માંડ્યા છે ત્યારે ટેસ્ટિંગના નામે ગભરાટ ફેલાવવો અને હેલ્થ સિસ્ટમ પર દબાણ વધારવું પણ યોગ્ય નથી. આઇસીએમઆરની કોવિડ ટેસ્ટિંગ અંગેની એડવાઇઝરીમાં ઘણી સ્પષ્ટતાઓ કરી દેવામાં આવી છે. કોવિડ-૧૯ના ટેસ્ટ બાબતે જે ગુંચવાડાનો માહોલ હતો તે આઇસીએમઆરની આ એડવાઇઝરી પછી ઘણે અંશે દૂર થશે એવી આશા રાખી શકાય.