બાંગ્લાદેશના પદભ્રષ્ટ વડા પ્રધાન શેખ હસીના વિરુદ્ધ આજનો દિવસ અત્યંત મહત્વનો છે. આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલ આજે તેમનો ચુકાદો આપશે. જ્યારે ઢાકામાં હિંસાત્મક પ્રદર્શનો વચ્ચે પોલીસને ગોળીબારના આદેશ આપવામાં આવ્યા છે.
શેખ હસીના વિરુદ્ધ આજે ચુકાદો
બાંગ્લાદેશના પદભ્રષ્ટ વડા પ્રધાન શેખ હસીના વિરુદ્ધ ચાલી રહેલા માનવતા વિરુદ્ધ ગુનાના કેસમાં આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલ આજે તા. 17 નવેમ્બરના રોજ પોતાનો ચુકાદો આપશે. ફરિયાદ પક્ષે શેખ હસીના માટે મૃત્યુદંડની માંગણી કરી છે. ચુકાદા પહેલા બાંગ્લાદેશમાં સુરક્ષા વ્યવસ્થાઓ કડક કરવામાં આવી છે અને આ વચ્ચે રાજધાની ઢાકામાં પરિસ્થિતિ તંગ બની ગઈ છે.
ઢાકામાં ગોળીબારના આદેશ
ચુકાદા પહેલા દેશભરના અનેક વિસ્તારોમાં હિંસા, આગની અને ગેરકાયદે પ્રદર્શનના બનાવો સામે આવ્યા છે. ઢાકામાં હિંસા નિયંત્રિત કરવા માટે પોલીસને સીધા પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
શું છે આખો કેસ?
78 વર્ષીય શેખ હસીના પર આરોપ છે કે ગયા વર્ષે સરકાર વિરોધી આંદોલનને આક્રમક રીતે દબાવવા માટે તેમણે હિંસાના આદેશ આપ્યા હતા.
આ કેસમાં તેમના સાથે બે મોટા અધિકારીઓ પણ આરોપી છે
- ગૃહમંત્રી અસદ-ઉઝ-ઝમાન ખાન કમાલ
- તત્કાલીન આઈજીપી ચૌધરી અબ્દુલ્લા અલ-મામુન
ત્રણે પર હત્યા, હત્યાનો પ્રયાસ, ત્રાસ તથા અમાનવીય વર્તન જેવા ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે સમગ્ર સુનાવણી તેમની ગેરહાજરીમાં થઈ છે. કારણ કે શેખ હસીના હાલમાં ભારતમાં નિર્વાસિત છે.
હસિનાના માટે શું વિકલ્પો?
કાયદા મુજબ જો શેખ હસીના પોતે 30 દિવસની અંદર આત્મસમર્પણ નહીં કરે તો તેઓ ચુકાદા સામે સુપ્રીમ એપેલેટ ડિવિઝનમાં અપીલ પણ કરી શકશે નહીં. ફરિયાદ પક્ષે તેમની તમામ સંપત્તિ જપ્ત કરવાની અને ગયા વર્ષના વિરોધ પ્રદર્શન દરમિયાન માર્યા ગયેલા અને ઘાયલ થયેલા લોકોના પરિવારોને વળતર આપવા વિનંતી કરી છે.
શેખ હસીનાનું નિવેદન
ચુકાદા પહેલા હસિનાએ એક ઓડિયો સંદેશ જાહેર કર્યો. તેમણે તમામ આરોપોને ખોટા ગણાવ્યા અને કહ્યું: “મને સજા મળે તે અંગે કોઈ ડર નથી. હું દેશના લોકો માટે કામ કરતી રહીશ. જે લોકો બળજબરીથી ચૂંટેલી સરકારને હટાવે છે તેમને એક દિવસ સજા થશે.”
તેમણે પોતાના કાર્યકરોને પણ શાંતિ જાળવવાની અપીલ કરી છે.