નવી દિલ્હી: દિલ્હીની રાઉસ એવન્યુ કોર્ટે (Rouse Avenue Court) તિહાર જેલમાં બંધ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 6 જુલાઇના રોજ રાહતના સમાચાર આપ્યા હતા. અસલમાં કોર્ટે અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલને (Sunita Kejriwal) મેડિકલ બોર્ડને મળવાની પરવાનગી આપી હતી.
કોર્ટના આદેશ મુજબ સુનીતા કેજરીવાલ પતિ અરવિંદ કેજરીવાલના તમામ મેડિકલ રિપોર્ટ પણ મેળવી સકશે. તે મેડિકલ બોર્ડ સાથે કેજરીવાલના આહાર અંગે પણ ચર્ચા કરી શકે છે. આ સાથે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે અરવિંદ કેજરીવાલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીનો નિકાલ કર્યો છે, જેમાં તેમણે જેલ સુનિતા કેજરીવાલને મેડિકલ બોર્ડ, મેડિકલ ચેકઅપ અને ડોક્ટરો સાથેની સલાહ દરમિયાન તેમના અટેન્ડન્ટ બનવાની મંજૂરી માંગી હતી.
કોર્ટની સૂચનાઓ
કોર્ટ દ્વારા જારી કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે કેજરીવાલની પત્નીને તેમની મીટિંગ્સ અથવા ડોક્ટરો સાથેની વાતચીતનો મેડિકલ રેકોર્ડ ઉપલબ્ધ કરાવવાનો આદેશ આપવામાં આવે છે. તેમજ જેલ સત્તાને અરજદારની પત્નીને મેડિકલ રેકોર્ડ આપવાનો આદેશ આપવામાં આવે છે. વધુમાં કોર્ટે આદેશમાં સંભળાવ્યું હતું કે, અરજદારે એવી પણ ભલામણ કરી છે કે તેમની પત્નીને મેડિકલ બોર્ડ/ડોક્ટરો પાસેથી સ્વતંત્ર રીતે વાતચીત અને સલાહ લેવાની મંજૂરી આપવામાં આવે. ત્યારે કોર્ટ આ ભલામણને પણ સ્વીકારે છે.
આ સાથે જ કોર્ટે સુનાવણીમાં કહ્યું હતું કે, નિર્દેશિત કરવામાં આવે છે કે એવા કોઈપણ પ્રશ્નોના કિસ્સામાં અરજદારની પત્ની સ્વતંત્ર રીતે સંબંધિત તબીબી બોર્ડ અથવા ડોકટરોનો સંપર્ક કરી શકે છે. તેમજ તેઓ અરજદાર માટે તબીબી રીતે સૂચિત આહાર બનાવવાની પદ્ધતિ વિશે ચર્ચા કરવા માટે તેમની સાથે બેઠક પણ ગોઠવી શકે છે.
સુનીતા કેજરીવાલે એક વીડિયો જાહેર કર્યો
કોર્ટના આ નિર્ણય પહેલા સીએમ અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલે ધરપકડના મુદ્દે મોટો દાવો કર્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એક ઊંડા રાજકીય ષડયંત્રનો ભોગ બન્યા હતા અને EDએ એક સાક્ષીના ખોટા નિવેદન પર તેમની ધરપકડ કરી હતી. તેમણે એક વીડિયો સંદેશ જારી કરીને કહ્યું કે શું તમે જાણો છો કે સીબીઆઈએ કેજરીવાલની ધરપકડ શા માટે કરી છે. તેમની ધરપકડ એનડીએના એક સાંસદના નિવેદન પર કરવામાં આવી હતી. તેમનું નામ મંગુતા શ્રીનિવાસુલુ રેડ્ડી એટલે કે એમએસઆર છે. MSR આંધ્ર પ્રદેશના NDA સાંસદ છે.
સુનીતા કેજરીવાલે વીડિયોમાં આગળ કહ્યું કે એનડીએ સાંસદ મંગુતા રેડ્ડીએ EDને આપેલા પહેલા બે નિવેદનો EDને ગમ્યા ન હતા. આ પછી EDએ તેમના પુત્રની ધરપકડ કરી અને તેને પાંચ મહિના સુધી જેલમાં ટોર્ચર કર્યો. પોતાના પુત્ર અને પરિવારની હાલત જોઈને મંગુતા રેડ્ડીએ પોતાનું નિવેદન બદલી નાખ્યું હતું.
‘મંગુતા રેડ્ડીએ ED સમક્ષ ખોટું નિવેદન આપ્યું’
સુનીતા કેજરીવાલે વીડિયો સંદેશમાં દાવો કર્યો હતો કે મંગુતા રેડ્ડીએ ED સમક્ષ ખોટું નિવેદન આપ્યું હતું. તેમણે પોતે કહ્યું હતું કે તેઓ અરવિંદ કેજરીવાલને પહેલી અને છેલ્લી વખત 16 માર્ચ, 2021ના રોજ મળ્યા હતા. શું કોઈ પહેલીવાર ઘણા લોકોની સામે પૈસા માંગશે? ત્યારે મંગુતા રેડ્ડીના પુત્ર અને પરિવારને 5 મહિના સુધી ટોર્ચર કરવામાં આવ્યો અને ત્યારબાદ MSRએ EDને ખોટું નિવેદન આપ્યું હતું. દિલ્હીના પુત્ર અરવિંદ કેજરીવાલને રાજકીય ષડયંત્રનો શિકાર બનાવવામાં આવ્યા છે. તેઓ એક શિક્ષિત અને કટ્ટર પ્રમાણિક માણસ છે અને આજે આપણે તેમની સાથે ઊભા રહેવાની જરૂર છે.