National

દિલ્હી: રાજેન્દ્ર નગર અકસ્માતમાં કોર્ટે SUV ડ્રાઇવરને જામીન આપ્યા

નવી દિલ્હી: દિલ્હીના જૂના રાજેન્દ્ર નગરમાં યુપીએસસીના ત્રણ ઉમેદવારોના મૃત્યુના કેસમાં તીસ હજારી કોર્ટે આજે ગુરુવારે એસયુવી ડ્રાઈવર મનોજ કથુરિયાને જામીન આપ્યા હતા. અગાઉ ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ દિલ્હી પોલીસે કથુરિયાની ધરપકડ કરી હતી. ત્યારે વીડિયોમાં જોવામાં આવ્યું હતું કે એસયુવી ડ્રાઈવર સ્પીડમાં ગાડી ચલાવી રહ્યો હતો. તેમજ ગાડિની સ્પીડના કારણે ત્રણ વિદ્યાર્થીઓનું મોત નિપજ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

ગઇકાલે બુધવારે દિલ્હીની એક કોર્ટે આ કેસમાં કથુરિયાની જામીન અરજીને ફગાવી દીધી હતી અને ગુનાને ‘ગંભીર’ ગણાવ્યો હતો. ત્યાર બાદ એસયુવી ડ્રાઇવરે સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. કથુરિયા પર આરોપ છે કે તેણે પોતાની એસયુવીને વરસાદી પાણીથી ભરેલા રસ્તા પર ફુલ સ્પીડે ચલાવી હતી. જેના કારણે રસ્તાની એક તરફ પાણીનો પ્રવાહ વધી ગયો હતો અને 3 માળની બિલ્ડીંગના ભોંયરાના દરવાજા તૂટી ગયા હતા. જેના કારણે ભોંયરું પાણીમાં ડૂબી ગયું હતું.

બેઝમેન્ટ માલિકોની જામીન અરજી ફગાવી દેવામાં આવી
ગઇકાલે બુધવારે કોર્ટે કથુરિયા સહિત ભોંયરાના ચાર સહ-માલિકો તેજિંદર સિંહ, પરવિંદર સિંહ, હરવિંદર સિંહ અને સરબજીત સિંહની જામીન અરજીને પણ ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે તપાસ હજુ ‘પ્રારંભિક તબક્કામાં’ છે. કોર્ટે કહ્યું હતું કે પાર્કિંગ અને ઘરના સ્ટોરેજ માટે વપરાતા ભોંયરાનો વ્યાપારી હેતુ માટે ઉપયોગ કરવો ‘કાયદાનું ઘોર ઉલ્લંઘન’ છે. જેથી સ્થાનિક અદાલતે જામીન આપવાનો ઇન્કાર કર્યો હતો.

‘તેજ ગતિએ વાહન ચલાવવાને કારણે લહેરો સર્જાઈ હતી’- દિલ્હી કોર્ટ
કથુરિયાની જામીન અરજી ફગાવી દેતાં જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ વિનોદ કુમારે કોર્ટમાં કહ્યું હતું કે, ‘ઘટનાના સીસીટીવી ફૂટેજ જોઈને સ્પષ્ટ થાય છે કે પહેલાથી જ આ વિસ્તારમાં ભારે પાણી ભરાયેલા હતા. ત્યારે આરોપીએ રસ્તા પર વધુ ઝડપે વાહન ચલાવતા પાણીમાં જોરદાર મોજું ઊભું થયું હતું, આ મોજાથી રસ્તાનું પાણી ભોંયરામાં જતું રહ્યું હતું. ભોંયરામાં પાણી પ્રવેશતા ત્રણ નિર્દોષ વિદ્યાર્થીઓના મોત થયા હતા. ત્યારે આ મામલે ચુકાદા દરમિયાન મેજિસ્ટ્રેટે ઉમેર્યું હતું કે વિડિયો ફૂટેજ “પહેલી જ નજરે બતાવે છે” કે કથુરિયાને કેટલાક લોકો દ્વારા ચેતવણી આપવામાં આવી હતી. તેમ છતા તેણે હાઇ સ્પીડમાં ગાડી ચલાવી હતી અને તેને આપવામાં આવેલી માહિતી પર તેણે કોઈ ધ્યાન આપ્યું ન હતું. જેથી દુર્ઘટના સર્જાઇ હતી.

Most Popular

To Top