સુરત: વરાછા (Varachha)માં અઠવાડિયા પહેલાં સીએ (CA)ની વિદ્યાર્થિનીને ભગાવી જનાર આરોપી આકાશને એસઓજી પોલીસે (SOG Police) દિલ્હી (Delhi)થી ઝડપી પાડ્યો હતો. બંને પ્રેમીપંખીડાઓ (Lovers)એ સાત દિવસમાં પોલીસથી બચવા માટે રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ તથા દિલ્હીમાં અલગ-અલગ જગ્યાઓએ હોટલ (Hotels)માં રોકાણ કર્યું હતું.
વરાછા ખાતેથી ગત તા.28 જુલાઈએ સીએની વિદ્યાર્થિની ઘરેથી બુક લેવા માટે ગઈ હતી. બાદ થોડીવારમાં તેના પિતા (Father)ના મોબાઈલ ઉપર છોકરી જોઈતી હોય તો 10 લાખ આપવા અંગે ફોન આવ્યો હતો. એ પછી ફોન બંધ આવતાં પિતાએ દીકરીના અપહરણ (Kidnapping)ની ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસમાં છોકરી તેના પ્રેમી સાથે ભાગી હોવાની ખબર પડી હતી. પોલીસ અને એસઓજીની ટીમ તપાસમાં હતી. ત્યારે એસઓજીની ટીમને બાતમી મળી હતી કે, વિદ્યાર્થિનીનું અપહરણ આકાશ રાજકુમાર ખટીકે કર્યું છે. અને તે વિદ્યાર્થિનીને લઈ મધ્યપ્રદેશ, ઇન્દોર તરફ ભાગ્યો છે.
એસઓજી પીઆઈએ બાતમીના આધારે ટીમ બનાવી મધ્યપ્રદેશ ઇન્દોર મોકલી આપી હતી. જ્યાંથી આરોપી વિદ્યાર્થિનીને લઈને દિલ્હી ભાગી ગયો હોવાની જાણ થતાં ટીમ તુરંત દિલ્હી રવાના થઈ હતી. દિલ્હીમાં હ્યુમન સોર્સિસ તથા ટેક્નિકલ સર્વેલન્સના આધારે તપાસ કરાઈ હતી. દિલ્હી આગ્રા-મથુરા રોડ આગ્રા ટોલનાકા પાસે હાઇવે ઉપરથી આરોપી આકાશ રાજકુમાર ખટીક (ઉં.વ.૨૧) (રહે., એ/2, રૂમ નં.૧ એસ.એમ.સી. આવાસ, મુરઘા કેન્દ્ર પાસે, સુરત, મૂળ રહે., કાપસન ભાલાડા રોડ, ચીત્તોડગઢ, રાજસ્થાન)ને ઝડપી પાડ્યો હતો. તેની સાથે વિદ્યાર્થિનીને પણ છોડાવી સુરત લવાયાં હતાં.
પ્રેમીપંખીડાઓએ ત્રણ મહિના પહેલાં ભાગવાનો પ્લાન બનાવ્યો હતો
આરોપીની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, આકાશનો મિત્ર વિદ્યાર્થિની સાથે સીએ ક્લાસિસમાં અભ્યાસ કરે છે. આકાશ અવારનવાર તેના મિત્રને મળવા જતો હતો. ત્યારે વિદ્યાર્થિની સાથે ઇન્સ્ટાગ્રામ ઉપર સંપર્ક થયો હતો. બાદ બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. જો કે, બંનેનાં માતા-પિતાએ આ અંગે વિરોધ કરી તેમને મળવા ઇનકાર કર્યો હતો. જેથી ત્રણ મહિના પહેલાં ઘરેથી ભાગી જવાનો પ્લાન બનાવ્યો હતો. ભાગી જવા માટે તેમને ટ્રાવેલિંગ બેગ, કપડાં, નવાં સિમકાર્ડ તથા મોબાઈલ ખરીદી કર્યા હતા. ભાગવા માટે છેલ્લા એકાદ મહિનાથી 50 હજાર રૂપિયા બચાવી રાખ્યા હતા.
પોલીસથી બચવા યુટ્યુબ ઉપર સર્ચ કર્યું હતું
પોલીસના હાથે પકડાઈ ન જવાય એ માટે આરોપીએ યુ-ટ્યુબમાં વિડીયોમાંથી જાણકારી મેળવી હતી. પોલીસથી પકડાઈ જવાના ડરથી એક જગ્યાએ 12 કલાકથી વધુ સમય રોકાતા નહોતા. અને રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ તથા દિલ્હીમાં અલગ-અલગ જગ્યાઓએ હોટલમાં રોકાણ કરતાં હતાં. બંને સતત લાંબા રૂટની બસમાં ટ્રાવેલિંગ ચાલુ રાખતાં હતાં. જેથી પોલીસ તેમને ટ્રેસ કરી ન શકે.
બંનેનો રાજસ્થાનમાં સ્થાયી થવાનો પ્લાન હતો
ઘરેથી ભાગ્યા બાદ વિદ્યાર્થિનીના પિતા તેમને શોધે નહીં એ માટે તેના કહેવાથી આકાશે વિદ્યાર્થિનીના પિતા પાસે 10 લાખની ખંડણી માંગી હતી. ઘરેથી ભાગ્યા બાદ પરત ઘરે આવવાનાં ન હતાં. અને રાજસ્થાનમાં જ કોઈ જગ્યાએ કંપનીમાં નોકરીએ લાગી ત્યાં જ સ્થાયી થવાનો પ્લાન બનાવ્યો હતો.