અમદાવાદ : બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીને લઈ સર્જાયેલા વિવાદ બાદ આખરે આજે કડક સુરક્ષા વચ્ચે મતગણતરી પ્રક્રિયા ફરી શરૂ કરવામાં આવી હતી. ગુજરાત બાર કાઉન્સીલની બહુ પ્રતિષ્ઠાભરી અને રસાકસીભરી ચૂંટણીમાં થયેલા મતદાન બાદ ગઈકાલથી ગુજરાત હાઇકોર્ટ ઓડિટોરીયમ ખાતે મતગણતરી શરૃ થવાની હતી પરંતુ મુખ્ય ચૂંટણી રિટર્નીંગ ઓફિસર અને અન્ય બે જોઇન્ટ રિટર્નીંગ ઓફિસર દ્વારા વહેલી સવારે જ મતદાનના દિવસે સાંજે તેઓની સાથે કેટલાક વકીલો દ્વારા થયેલા ગેરવર્તન અને ધમકીને લઇ મતગણતરી વિવાદમાં પડી હતી પરંતુ આજે વિવાદનો અંત આવતા આજે ગુજરાત હાઈકોર્ટના ઓડિટોરિયમ ખાતે કડક સુરક્ષા વચ્ચે મતગણતરી શરૂ કરવામાં આવી છે.
આ ચૂંટણીમાં 23 બેઠકો માટે કુલ 99 ઉમેદવારો મેદાનમાં છે, જ્યારે રાજ્યભરના 76 હજારથી વધુ વકીલોએ મતદાન કર્યું હતું. મતગણતરી કેન્દ્ર પર ઉમેદવારો પણ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ મતગણતરી કેન્દ્રની મુલાકાત લઈ પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું તેમજ ઉમેદવારોને શિસ્ત જાળવવા અપીલ કરી હતી.
માહિતી મુજબ મતગણતરીની પ્રક્રિયા પાંચ દિવસથી વધુ સમય સુધી ચાલી શકે છે. આ ચૂંટણીના પરિણામથી આગામી પાંચ વર્ષ માટે બાર કાઉન્સિલના નવા પ્રતિનિધિઓ પસંદ થશે. બીજી તરફ, ગઈકાલે થયેલા વિવાદને પગલે ચૂંટણી પંચની કામગીરીમાં વિક્ષેપ કરનારા 12 વકીલોને બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા કારણદર્શક (શો કોઝ) નોટિસ પાઠવવામાં આવી છે. આ વકીલોએ આગામી સાત દિવસમાં પોતાનો જવાબ રજૂ કરવો પડશે. જો કોઈ વકીલ દોષિત સાબિત થશે તો તેની સામે શિસ્ત સંબંધિત કાર્યવાહી હાથ ધરવામાં આવશે, જેમાં કાનૂની પ્રેક્ટિસ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી પણ થઈ શકે છે.