પાકિસ્તાન એક એવો દેશ છે કે, જેના રાજકારણીઓ અને આર્મીએ ક્યારેય પાકિસ્તાન કે ત્યાંની પ્રજાના વિકાસની વાત કરી નથી. ફક્તને ફક્ત ભારત જેવા દેશને નુકસાન પહોંચાડવાનું કાવતરુ જ કર્યું છે. એક પિસ્તોલ ઉંચકવાની તાકાત નથી તેવા પાકિસ્તાનના મંત્રીઓ હવે લોહીની નદીઓ વહાવવાની વાત કરી રહ્યાં છે. પાકિસ્તાનના રેલવે મંત્રી હનીફ અબ્બાસીએ ભારત પર પરમાણુ બોમ્બ હુમલો કરવાની ધમકી આપી છે. તેમણે કહ્યું કે, ‘અમે શાહીન, ઘોરી અને ગઝનવી જેવી 130 મિસાઇલો ભારત માટે જ રાખી છે. જો ભારત સિંધુ જળ સંધિ રોકશે, તો અમે તેના શ્વાસ રોકી દઈશું. ભારતે યુદ્ધ માટે તૈયાર રહે. પાકિસ્તાને પરમાણુ શસ્ત્રો ખાલી બતાવવા માટે રાખ્યા નથી.’

અબ્બાસીએ કહ્યું કે ‘અમે આ મિસાઇલોને મોડેલ તરીકે રાખી નથી, તેનું નિશાન ભારત તરફ છે. ભારત પણ જાણે છે કે અમારી પાસે પણ શસ્ત્રો છે, તેથી જ તેઓ અમારા પર હુમલો કરી રહ્યા નથી. અબ્બાસીએ કહ્યું કે ભારત પોતાની સુરક્ષામાં રહેલી ખામીઓને સ્વીકારવાને બદલે પહેલગામ હુમલા માટે પાકિસ્તાનને દોષી ઠેરવી રહ્યું છે. ઇસ્લામાબાદ તેની સામે લેવામાં આવતી કોઈપણ આર્થિક કાર્યવાહીનો સામનો કરવા તૈયાર છે.’ હનીફ અબ્બાસીએ પાકિસ્તાનને પાણી પુરવઠો બંધ કરવા અને વેપાર સંબંધો સમાપ્ત કરવાના ભારતના પગલાની મજાક ઉડાવી હતી. તેમણે કહ્યું કે પાકિસ્તાને ભારત માટે પોતાની એર સ્પેસ બંધ કરી દીધી છે. આના કારણે, ભારતનો ઉડ્ડયન ઉદ્યોગ માત્ર બે દિવસમાં જ મુશ્કેલીમાં મુકાઈ ગયો. ભારતને પોતાની ભૂલનો અહેસાસ થયો છે. જો અમે 10 દિવસ માટે એરસ્પેસ બંધ રાખીશું, તો ભારતીય એરલાઇન્સ નાદાર થઈ જશે. આ એવા રેલવે મંત્રી છે જેના કાર્યકાળમાં આખી ટ્રેન હાઇજેક થવા જેવી ઘટના બની છે. ખરેખર તો તેમણે નૈતિકતાના ધોરણે રાજીનામું આપી દેવું જોઇએ પણ આવતડ વગર જેમને મંત્રીપદ મળી ગયું હોય તેવા લોકો પાસે રાજીનામાની અપેક્ષા કરવી જ નહીં જોઇએ. 11 માર્ચે બલૂચ લિબરેશન આર્મીના નામના ગ્રૂપે પાકિસ્તાન રેલવેની જાફર એક્સપ્રેસ ટ્રેનને હાઇજેક કરી લીધી. આ ગ્રુપે તમામ મુસાફરોને બંધક બનાવવાની જવાબદારી લીધી હતી. બલૂચ લિબરેશન આર્મીએ દાવો કર્યો હતો કે, ‘અમે 182 લોકોને છેલ્લા 6 કલાકથી બંધક બનાવ્યા છે અને 30થી વધુ સૈનિકોની હત્યા કરી નાખી છે’. તેમણે કેદીઓની અદલા-બદલી માટે પાકિસ્તાન સરકારને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું. હવે એક ટ્રેન હાઇજેક થતાં બચાવી નહીં શક્યા તે રેલમંત્રી ભારતને અણુ મિસાઇલની ધમકી આપે છે.

હવે આ મંત્રીની બીજી એક ખાસિયત અને પ્રસિદ્ધિની વાત કરીએ તો ૨૦૧૦માં તેમની ફાર્માસ્યુટિકલ કંપની, ગ્રે ફાર્માસ્યુટિકલ માટે મેળવેલા ૫૦૦ કિલો નિયંત્રિત ડ્રગ એફેડ્રિનના દુરુપયોગ બદલ જૂન ૨૦૧૨માં અબ્બાસી સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી. નવેમ્બર ૨૦૧૨માં, અબ્બાસીને લાહોર હાઈકોર્ટ (LHC) રાવલપિંડી બેન્ચ તરફથી જામીન આપવામાં આવ્યા હતા, જોકે, ૨૦૧૩ની ચૂંટણી પહેલા, એન્ટી-નાર્કોટિક્સ ફોર્સે અબ્બાસી ચૂંટણી લડી શકે તે પહેલાં કેસની ફરીથી તપાસ કરવા માટે ચલણ રજૂ કર્યું હતું. જોકે, અબ્બાસીને ૨૦૧૩ની ચૂંટણી લડવાની મંજૂરી આપવામાં આવી હતી, કારણ કે તેમનો કેસ કોર્ટમાં પેન્ડિંગ હતો. જુલાઈ ૨૦૧૮માં, ન્યાયાધીશ સરદાર મુહમ્મદ અકરમે ચુકાદો જાહેર કર્યો, જેમાં તેમને નાર્કોટિક્સમાં દોષિત ઠેરવવામાં આવ્યા, ૧૦ લાખ રૂપિયાનો દંડ અને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. કોર્ટ રૂમમાંથી તેમની ધરપકડ કરવામાં આવી હતી અને સેન્ટ્રલ જેલ રાવલપિંડીમાં ખસેડવામાં આવ્યા હતા.
૧૧ એપ્રિલ ૨૦૧૯ ના રોજ, લાહોર હાઈકોર્ટના ન્યાયાધીશ આલિયા નીલમની બનેલી બેન્ચે સજાને સ્થગિત કરી દીધી, કોર્ટે કહ્યું કે કેસના અન્ય તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે અને કેસ દરમિયાન તમામ કાનૂની મુદ્દાઓ ધ્યાનમાં લેવામાં આવ્યા નથી