જૂનાગઢ: ગિરનાર પર આવેલ પવિત્ર અંબાજી મંદિરમાં દારુ અને નોનવેજની પાર્ટી થઈ હોવાનો એક વિડીયો વાઈરલ થતા આસ્થાળુઓમાં હડકંપ મચી ગયો હતો. વાઈરલ વિડીયોમાં કેટલાક લોકો કથિત રીતે દારુ પીતા તેમજ નોનવેજ આરોગતા દેખાઈ રહ્યા છે. સાથે જ એમની વાતચીતમાં બેફામ ગાળાગાળી પણ સંભળાય રહી છે. લોકોના કહેવા મુજબ માતાજીનો પ્રસાદ તૈયાર થાય છે એ જ સ્થળે આ લોકોએ પાર્ટી કરી હતી. આ વિડીયો વાઈરલ થતા ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો.
આ ગંભીર મામલો વહીવટી તંત્રને ધ્યાને આવ્યા બાદ કલેકટર અને મામલતદારની સૂચનાથી તાત્કાલિક તપાસના આદેશો આપવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન વાતમાં તથ્ય જણાતા 10 પૂજારીઓ અને એક રસોઈયા સહિત કુલ 11 વ્યક્તિઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. એ પછી મામલતદારની સૂચના બાદ મંદિર પરિસર અને ખાસ કરીને ભોજનાલયવાલા વિસ્તારનું શાસ્ત્રોક્ત વિધિ મુજબ ‘શુદ્ધિકરણ’ કરવામાં આવ્યું હતું.
વિવાદના મૂળિયા ક્યાં છે?
આખા વિવાદમાં મૂળ વાત એવી છે કે પહેલા અહીં ગાદીપતિ મહંત તનસુખગીરી બાપુ દ્વારા વર્ષો સુધી મંદિરનું સંચાલન કરવામાં આવતું હતું. પરંતુ એમના બ્રહ્મલીન થયા બાદ મંદિરના વહીવટ અને વારસાને લઈને વિવાદ સર્જાયો હતો. પરિસ્થિતિ વણસે નહિ એ માટે થઈને વહીવટી તંત્ર દ્વારા મંદિર માટે સરકારી વહીવટદારની નિમણુક કરવામાં આવી હતી. એમના દ્વારા જ આ હંગામી સેવાદાર/પૂજારી રાખવામાં આવ્યા હતા, જેમાંથી કેટલાકે આ કૃત્ય કર્યું હોવાનું કહેવાય છે. નોંધનીય છે કે તાજેતરમાં જ મંદિરના નવા મહંતની નિમણુક માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.