રાજપીપળા: નાંદોદ તાલુકાના ટંકારી ગામે કપાસની (Cotton) ખરીદી કરવા આવેલા ડભોઈના એક વેપારીએ લાખો રૂપિયાની છેતરપિંડી (Fraud) કરી હોવાનું બહાર આવ્યું છે. જો કે, ગામના ખેડૂતોએ ભેગા થઇ વેપારીની પૂછતાછ કરી એની તપાસ કરતાં આખો ભાંડો ફૂટ્યો હતો. અને સ્થિતિ પામી ગયેલો ડભોઈનો ભેજાબાજ વેપારી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ વેપારીએ કપાસનું વજન ઓછું બતાવે એવું રીમોટ બનાવ્યું હતું. આ મામલે પોલીસ (Police) તપાસ થાય તો મોટું કૌભાંડ (SCAM) બહાર આવે એમ છે.
- 20 કિલો કપાસ મૂકો તો રીમોટ કંટ્રોલ દબાવવાથી 5 કિલો વજન ઓછું બતાવે
- ખેડૂતોએ ભેગા થઈ વેપારી પાસેથી રીમોટ કંટ્રોલ ઝડપી પાડ્યું
- ડભોઈનો ભેજાબાજ વેપારી ફરાર થઈ ગયો
પ્રાપ્ત માહિતી મુજબ વડોદરાના ડભોઈનો એક વેપારી નાંદોદના ટંકારી ગામે ખેડૂતો પાસેથી બજાર ભાવ કરતાં વધુ ભાવે કપાસની ખરીદી કરવા આવ્યો હતો. બજાર ભાવ કરતાં વધુ ભાવ મળતાં ટંકારી અને આસપાસના ખેડૂતોએ એ વેપારીને કપાસ આપ્યો હતો. જો કે, ટંકારી ગામના કનુભાઈ ચંદુભાઈ પાટણવાડિયાને શંકા ગઈ હતી કે પોતે કરેલા વજન કરતાં વેપારીએ કરેલા વજનમાં ઘણો મોટો ફેર છે. વેપારીને ખબર ન પડે એ રીતે ખેડૂતે ગામમાં અન્ય ખેડૂતોને જાણ કરતા ત્યાં લોકો એકઠા થયા હતા. ગામ લોકોએ ડભોઈના વેપારીની પૂછતાછ કરી હતી. એ દરમિયાન એના ટેમ્પોમાંથી એક રીમોટ કંટ્રોલ મળી આવ્યું હતું. એ રીમોટ કંટ્રોલની ખાસિયત એવી છે કે, રિમોટનું બટન A દબાવે 5 કિલો, C બટન દબાવે ત્યારે 15 કિલો જેટલું વજન કપાઈ જાય છે.
વેપારીની પોલ ખૂલી જતાં ગામ લોકો ભેગા થઈ જતાં વેપારી વજન કાંટો મૂકી ભાગી ગયો હતો. સ્થાનિક પોલીસ દ્વારા આ વેપારીને પકડી જો પૂછતાછ કરવામાં આવે તો મોટું કૌભાંડ બહાર આવે એમ છે. આ બાબતે ટંકારી ગામમાં ખેડૂત પ્રવીણસિંહ નટવરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, ડભોઈનો આ વેપારી છેલ્લા ઘણા સમયથી અમારા વિસ્તારમાં કપાસ લેવા આવે છે. જે ખેડૂત પોતે કપાસ વિણતો હોય અને કપાસનું કેટલું વજન છે એની ખબર ન હોય એવા ગરીબ ખેડૂતોને આ વેપારી ટાર્ગેટ કરતો હતો. આ રીતે વજન ઓછું બતાવી એણે ખેડૂતો સાથે 10થી 15 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી.