કોરના (Corona) બાદ તેનો નવો વેરિયન્ટ ઓમિક્રોન (Omicron) દેશમાં હાહાકાર મચાવી રહ્યો છે. છેલ્લાં એક સપ્તાહ દરમ્યાન ઓમિક્રોનના કેસોમાં વઘારો જોવા મળી રહ્યો છે. દેશના 14 રાજયો તેમજ 221 લોકો કોરોનાના આ નવા વેરિયન્ટથી સંક્રમિત થઈ ચૂકયા છે. મહારાષ્ટ્રમાં (Maharastra) 65 લોકો આ ઓમિક્રોનથી સંક્રમિત થયા છે સૌથી વઘુ કેસ મહારાષ્ટ્રમાં જ નોંધાયા છે. દિલ્હીમાં (Delhi) 54 કેસ ઓમિક્રોનના નોંધાયા છે. વધતા કેસો તેમજ ત્રીજી લહેરની શક્યતાઓને જોતા સરકાર હવે ફરી કડક પગલા લેવા તરફ જઈ રહી છે. આ અંગે સરકારે વિવિધ રાજ્યોને કેટલાક નિર્દેશ પણ આપી દીધા છે જેને જોતા હવે 2022માં ફરી લોકડાઉન લાગશે તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે.
કેસોની સંખ્યામાં વધારો થવા છતાં પણ લોકો તેને ગંભીરતાથી લઈ રહ્યાં નથી. આ માટે સરકાર દ્વારા કેટલીક રોક મૂકવામાં આવી છે.
કેંદ્ર સરકારના મત મુજબ કોરોનાનો આ નવો વિરિયન્ટ ડેલ્ટા કરતાં ત્રણ ગણો ઝડપથી ફેલાઈ રહ્યો છે. છેલ્લા 18 દિવસમાં આ સંખ્યા વધી 100 ગણી થઈ છે. જોકે રાહતની વાત એ છે કે કોઈ દર્દીને આઈસીયુમાં દાખલ કરવા પડયા ન હતાં.
કેન્દ્ર સરકારે દરેક રાજ્યને ઓમિક્રોન માટે વોર રૂમ તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો છે. તેઓએ જણાવ્યું કે જો સાપ્તાહિક ચેપ દર 10 ટકાથી વધુ હોય અથવા ICU બેડ 40 ટકાથી વધુ ભરેલા હોય, તો જિલ્લા અથવા સ્થાનિક સ્તરે નાઇટ કર્ફ્યુ અથવા કન્ટેઈનમેન્ટ ઝોન બનાવવા માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ. દિલ્હીમાં ડીડીએમએ નિર્દેશ આપ્યો છે કે તમામ ડીએમ અને પોલીસના ડેપ્યુટી કમિશનરોએ તપાસ કરવી કે ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી માટે કોઈ પણ જાતના સાંસ્કૃતિક કાર્યક્રમ કે મેળાવડા ન થાય.
કેન્દ્ર સરકારે કોરોનાના ઓમિક્રોન સ્વરૂપના વધતા જતા કેસોને લઈને રાજ્યોને એલર્ટ કર્યા છે. સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે મુખ્ય સચિવોને પત્ર લખ્યો છે કે ડેલ્ટા સિવાય ઓમિક્રોન દેશના વિવિધ ભાગોમાં પહોંચી ગયો છે. તેને નિયંત્રિત કરવા માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ કડકાઈભર્યા પગલાં લેવા પડશે. તેઓએ ટેસ્ટ, ટ્રેક અને સર્વેલન્સ સાથે કન્ટેનમેન્ટ ઝોનની નીતિનું પાલન કરવું પડશે.ઓમિક્રોનને ફેલાતો અટકાવવા નાઇટ કર્ફ્યુ, લગ્ન અને અંતિમ સંસ્કારમાં લોકોની મર્યાદિત સંખ્યા, તેમજ ઓફિસો, ઉદ્યોગો અને સાર્વજનિક પરિવહનના માધ્યમોમાં નિયમોનો અમલ કરવો પડશે. આ ઉપરાંત રસીકરણ પર ભાર મૂકવો જોઈએ. સુનિશ્ચિત કરવું જોઈએ કે રસીનો પ્રથમ અને બીજા ડોઝ દરેક વ્યક્તિએ લીધો હોય. આ સિવાય તમામ રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ તેમના વોર રૂમ ફરીથી તૈયાર કરવા જોઈએ. સાચી તેમજ સચોટ માહિતી લોકો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવું જેથી પરિસ્થિતિ નિયંત્રણમાં રહે. આ સાથે દર્દીઓની સંખ્યાના આધારે કન્ટેનમેન્ટ ઝોન અને બફર ઝોન નક્કી કરવા.