Gujarat

60 વર્ષથી વધુ ઉંમરનાને રસીનો ડોઝ આપવાનો આરંભ કરાવતા સીએમ ભૂપેન્દ્ર પટેલ

ગાંધીનગર(Gandhinagar): રાજ્યમાં ફ્રન્ટ લાઈન વર્કર્સ, હેલ્થ વર્કર્સ તથા 60 વર્ષથી વધુની ઉંમરના અને અન્ય બિમારી ધરાવતા વયસ્કોને કોરોના (Corona) વેક્સિનનો પ્રિકોશન ડોઝ (Precision Dose) આપવાનો સોમવાર 10મી જાન્યુઆરીથી પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ફ્રન્ટલાઈન વર્કર્સ અને વરિષ્ઠ નાગરિકોને કોરોના વેક્સિનના પ્રિકોશન ડોઝ આપવાના આ પ્રારંભ પ્રસંગે ગાંધીનગર મહાનગર પાલિકાના સેકટર-૨૯ના અર્બન હેલ્થ સેન્ટર ખાતે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર રાજ્યમાં આવા પ્રિકોશન ડોઝ માટે પાત્રતા ધરાવતા અંદાજે 9 લાખ લોકોને આજે પ્રથમ દિવસે રાજ્યભરના 3500 રસીકરણ કેન્દ્રો પરથી અંદાજે 17, 000થી વધુ આરોગ્ય કર્મીઓ આ ડોઝ આપવાના છે. મુખ્યમંત્રી ગાંધી પટેલે નગર મહાનગરપાલિકાના રસીકરણ કેન્દ્રની મુલાકાત દરમ્યાન આરોગ્ય કર્મીઓ અને વેક્સિન લેનારાઓ સાથે વાતચીત કરીને પ્રોત્સાહિત કર્યા હતા.

ત્રીજી લહેરમાં દર્દીની હોસ્પિટલાઈઝેશનની સંખ્યા રસીના કારણે ઘટી છે : ઋષિકેશ પટેલ

અમદાવાદ જિલ્લાના પ્રભારી અને રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ૨૨ મહિનાથી કોરોના સામેની લડતમાં અડીખમ હેલ્થ કેર અને ફ્રન્ટલાઈન વોરિયર્સના જુસ્સાને ‘બુસ્ટ અપ’ કર્યા હતા. રાજ્યભરમાં સોમવારથી શરૂ કરાયેલા ‘કોરોના પ્રિકોશન ડોઝ’ રસીકરણ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદમાં સોલા સિવિલ હોસ્પિટલમાં આ રસીકરણના પ્રારંભ પ્રસંગે આરોગ્ય મંત્રી ઉપસ્થિત રહ્યા હતા. અહીં એમ્બ્યુલન્સ ડ્રાઈવર, સફાઈકર્મી, નર્સિંગ સ્ટાફ, તબીબો અને વયસ્ક નાગરિકોને કોરોનાનો પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યો હતો.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે રાજ્યભરમાં ૯૭ ટકા નાગરિકોને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ અને ૯૫ ટકા નાગરિકોને રસીનો બીજો ડોઝ આપવામાં સફળતા મળી છે. તાજેતરમાં ૧૫ થી ૧૮ના તરુણો માટે શરૂ કરાયેલા કોરોના રસીકરણ કાર્યક્રમમાં પણ ૧૯ લાખ જેટલા કિશોરોએ કોરોના રસીકરણ કરાવીને સુરક્ષા કવચ પ્રાપ્ત કર્યું છે.

કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ છે ત્યારે અગાઉ રસીકરણ કરાવ્યું હોય તેવા નાગરિકોને કોરોના વાયરસના સંક્રમણથી સુરક્ષા મળી છે. ત્રીજી લહેરમાં કોરોનાવાયરસ અને ઓમિક્રોનથી સંક્રમિત થયેલા દર્દીઓ કે જેણે કોરોનાની રસીના બંને ડોઝ લીધા હોય તેવા દર્દીઓમાં વાયરસના અતિ ગંભીર પ્રકારના લક્ષણો ઓછા જોવા મળ્યા છે, તેમ પટેલે જણાવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે, હાલ કોરોનાગ્રસ્ત દર્દીઓમાં હોસ્પિટલાઇઝેશન અને ગંભીર પ્રકારની કોરોના સારવારની જરૂરિયાત ઓછી જણાઇ રહી છે.

પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા અગમચેતીના ભાગરૂપે કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે અગાઉથી જ 1 લાખ જેટલા બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ત્રીજી લહેરમાં ઓક્સિજનની જરૂરિયાત વર્તાય તે માટે પણ સબ ડિસ્ટ્રિક હોસ્પિટલમાં, P.H.C, C.H.C સહિતની અન્ય સરકારી હોસ્પિટલમાં PSA પ્લાન્ટ, સિલિન્ડર દ્વારા ઓક્સિજનની વ્યવસ્થા ઉભી કરાઇ છે. હાલ કોરોનાથી સંક્રમિત થયેલા દર્દીઓમાંથી મોટાભાગના દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ સારવાર મેળવી રહ્યા છે. આ દર્દીઓ માટે પણ આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ વિવિધ જિલ્લાઓ દ્વારા ટેલિમેડીસીનની સેવા કાર્યરત કરવામાં આવી છે.

Most Popular

To Top