કોરોનાની (Corona) અસર હવે બાળકોમાં (Children) પણ વધુ જોવા મળી રહી છે. ખાસ કરીને 5 થી 11 વર્ષનાં બાળકોમાં કોરનાના કેસ વધી રહ્યા છે. એક તરફ જયાં બાળકો માટે કોરોનાની રસી (Vaccine) બહાર પડી નથી ત્યાં રાજયમાં (Stat) છેલ્લા 10 દિવસમાં 35 જેટલા વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ હોવાનું માલૂમ પડયું છે. આ ઉપરાંત કેટલીક શાળાઓ (School) તેમનાં કોરોના પોઝિટિવ કેસ આવેલા વિદ્યાર્થીઓની માહિતી જાહેર કરતી નથી એવી પણ ચર્ચાએ જોર પકડ્યું છે.
ધોરાજીમા મુસ્લિમ મીડલ સ્કુલના (M. M. S.) એક શિક્ષકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ઓફ લાઇન શિક્ષણ કાર્ય બંધ કરવામાં આવ્યું છે. તેમજ આ સમય દરમ્યાન બાળકોનુ ભણતર ઉપર માઠી અસર ન પડે તેને ઘ્યાનમાં રાખી ઓનલાઈન કલાસ લેવામાં આવશે.રાજકોટની એક શાળા સરસ્વતી શિશુ મંદિરમાં કોરોનાનો કેસ નોંધાતા ત્યાંના તંત્રમાં ચિંતાનું વાતાવરણ સર્જાયું છે.
આ ઉપરાંત રાજકોટના ત્રાંબા ગામની આર.કે. યુનિવર્સિટીમાં ટાન્ઝાનિયાથી અભ્યાસર્થે આવેલો એક 23 વર્ષીય વિદ્યાર્થી ઓમિક્રોન પોઝિટિવ આવ્યો છે. આ યુવક 12 ડિસેમ્બરે અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યો હતો, જ્યાંથી તે બસ મારફતે રાજકોટ પહોંચ્યો હતો.
વડોદરામાં હરણી રોડ ઉપર આવેલી એક શાળામાં ધોરણ છમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ વિદ્યાર્થીની હિસ્ટ્રી તપાસતા આ વિદ્યાર્થી દક્ષિણ આફ્રિકાથી આવેલા દંપતીના સંપર્કમાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતું. રાજકોટમાં પણ શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
મળતી માહિતી મુજબ , છારોડી નિરમા વિદ્યાવિહારના ધોરણ 9 તથા 11ના ત્રણ વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. સ્કૂલોમાં સામે આવેલા કોરોનાના નવા કેસોમાં સુરતમાં 9, અમદાવાદમાં 4, રાજકોટમાં 3 તથા 2 કેસ વડોદરામાં સામે આવી ચૂક્યા છે. ઓલ ગુજરાત વાલીમંડળના પ્રમુખ નરેશ શાહે જણાવ્યું હતુ કે, ગુજરાતમાં સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ ચાલુ છે. તેની સાથે રાજ્યમાં કોરોનાના કેસો વધી રહ્યાં છે. તેમજ ઓમિક્રોનની દહેશત પણ વધી રહી છે. આ દરમિયાન અમદાવાદ, વડોદરા અને સુરતની સ્કૂલોમાં વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યાં છે. જેથી વાલી મંડળની માંગ છે કે ગુજરાતની શાળાઓમાં ભણતો વિદ્યાર્થી સંક્રમિત થાય તો તેનો હોસ્પિટલ અને મેડિકલનો ખર્ચો ગુજરાત સરકાર ઉઠાવે. તે ઉપરાંત સરકાર તાત્કાલિક શાળાઓમાં ચેકિંગ ચાલુ કરાવીને નવી ગાઈડલાઈનનું પાલન કરાવે. તેમજ ઘોરણ 1થી12ની શાળાઓ 15 જાન્યુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય લેવો જોઈએ.
આ સાથે જ ઓમિક્રોનની બાળકો ઉપર ઝડપી અસર જોવા મળી રહ્યી છે, એક તરફ કે જયાં રાજ્યમાં સ્કૂલો-કોલેજો શરૂ થઈ ગઈ છે, ત્યારે બાળકોમાં ફેલાઈ રહેલાં કોરોના તેમજ ઓમિક્રોનના ખતરા વચ્ચે ઓફલાઈન શિક્ષણ ચાલુ રાખવું જોઈએ કે નહીં તે અંગે વાલીઓમાં અસમંજસની સ્થિતિ પેદા થઈ છે.