Gujarat

અમદાવાદમાં સૌથી વધુ 43 સહિત સહિત રાજ્યમાં કોરોના નવા 111 કેસ: બે દર્દીના મોત

રાજ્યમાં કોરોનાના (Corona) નવા કેસનો આંક 100ને પાર થઈને 111 પર પહોંચ્યો છે. જેમાં અમદાવાદમાં (Ahmedabad) સૌથી વધુ 43 કેસ નોંધાયા છે. જ્યારે જામનગર (Jamnagr) મનપામાં અને આણંદમાં (Aanand) એક –એક દર્દીનું મૃત્યુ (Dead) થયું હતું. આમ રાજ્યમાં કુલ મૃત્યુ આંક 10,108 થયો છે. રાજ્યમાં આજે કોરોનાના 78 દર્દી સાજા પણ થયા છે.

કોરોનાના કેસ વધવાની સાથે રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યામાં પણ વધારો થયો છે, આજે એક્ટિવ કેસની સંખ્યા 668 થઈ છે. તો 12 દર્દી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે. જ્યારે 656 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં મંગળવારે અમદાવાદ મનપામાં 43, સુરત મનપમાં 17, રાજકોટ મનપામાં 11, વડોદરા મનપામાં 10, કચ્છ અને વલસાડમાં 5-5, ખેડા, નવસારીમાં 4-4, આણંદ, રાજકોટ ગ્રામ્યમાં 3-3, મહીસાગરમાં 2, ભાવનગર મનપા, સાબરકાંઠા, સુરત ગ્રામ્ય અને વડોદરા ગ્રામ્યમાં 1-1 નવા કેસ નોંધાયા છે.

રાજ્યમાં ગુરૂવારે 3 હેલ્થ કેર વર્કર અને ફન્ટ લાઈન વર્કર પ્રથમ ડોઝ અને 676ને બીજો ડોઝ જ્યારે 45 વર્ષથી વધુ ઉંમરના 5,878 વ્યક્તિને પ્રથમ ડોઝ અને 47,900ને બીજો ડોઝ તેમજ 18-45 વર્ષ સુધીના 20,924 વ્યક્તિને પ્રથમ ડોઝ અને 1,38,591ને બીજો ડોઝ મળી આજે કુલ 2,13,972 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 8,78,97,734 વ્યક્તિને રસી આપવામાં આવી છે.

ગુજરાતમાં ઓમિક્રોનના 23 કેસો નોંધાયા છે. જ્યારે કોરોનાના કેસ વધતાં હવે રાજ્ય સરકાર દ્વારા સુરત તથા અમદાવાદના એરપોર્ટ પર વધુ સતર્કતા રાખવામાં આવી રહી છે. ખાસ કરીને કોરોનાના 75 હજારથી વધુ ટેસ્ટ કરાઈ રહ્યા છે. આ ઉપરાંત ઓમિક્રોનનું જીનેમ સિકવન્સીગ ગાંધીનગરમાં થઈ રહ્યું છે, અહીં હવે 7થી 8 કલાકમાં દર્દીને ઓમિક્રોન છે કે નહીં ? તેનો રિપોર્ટ આવી જશે.

ગાંધીનગરમાં આજે રાજ્યના આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે કહ્યું હતું કે રાજ્યમાં ત્રીજી લહેર આવશે કે કેમ ? તે કહેવું મુશ્કેલ છે, હાલમાં સરકારે 1 લાખ જેટલા ઓક્સિજન બેડ તૈયાર રાખ્યા છે. ઓમિક્રોનના દર્દીઓની સારવાર માટે એક ટ્રીટમેન્ટ પ્રોટોકોલ નક્કી કરવા માટે સરકાર દ્વારા નવી નિષ્ણાંત તબીબોની ટીમ જાહેર કરાશે. ખાસ કરીને રાજ્યમાં પ્રતિદિન 75,000 જેટલા ટેસ્ટ કરાઈ રહ્યા છે. જે પહેલા 45થી 50 હજારની આસપાસ થતાં હતા. દર્દીને ઓમિક્રોન છે કે નહીં તે હવે 7થી 8 કલાકમાં નક્કી થશે. ગાંધીનગરમાં બાયોટેક લેબમાં નવી કિટ આવી ગઈ છે. તેના દ્વારા આ ટેસ્ટ કરાઈ રહ્યા છે.

અગ્રવાલે કહ્યું હતું કે ઓમિક્રોન વેરિઅન્ટ સંદર્ભે WHO અને કેન્દ્ર સરકાર દ્વારા તા. ૧લી ડિસેમ્બરથી આંતરરાષ્ટ્રીય યાત્રિકોના ટેસ્ટિંગ માટે જે ગાઈડલાઈન જાહેર કરાઈ ત્યારથી રાજ્યમાં અમદાવાદ તથા સુરત એરપોર્ટ ખાતે યાત્રિકોનું સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે, જેમાં એટ રિસ્ક અને નોન એટ રિસ્ક દેશના મળીને કુલ ૩૧,૦૦૦ હજારથી વધુ યાત્રિકોનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું છે તે પૈકી એટ રિસ્ક દેશના ૩,૫૦૦ જેટલાં યાત્રિકોના RTPCR ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સંક્રમણ વધે નહીં તે માટે રાજ્યભરમાં સર્વેલન્સની કામગીરી પણ ચાલી રહી છે. રાજ્યમાં કોવિડ-૧૯ અને ઓમિક્રોન સંદર્ભે ટેસ્ટિંગની સુવિધાઓ વધારીને દરરોજના ૭૦ થી ૭૫ હજાર ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યાં છે અને આગામી સમયમાં આ ટેસ્ટિંગની ક્ષમતા જરૂરિયાત મુજબ વધારવાનું આયોજન છે.

મનોજ અગ્રવાલે વધુમાં કહ્યું કે, રાજ્યમાં પૂરતા પ્રમાણમાં દવાઓનો જથ્થો, 1 લાખ ઓક્સિજન બેડ- 10 હજારથી વધુ વેન્ટિલેટરની સુવિધાઓ ઉપલબ્ધ છે તેમજ આરોગ્ય કર્મીઓને તાલીમબદ્ધ પણ કરી દેવાયા છે. ઓમિક્રોન સંદર્ભે કેન્દ્ર સરકાર દ્વારા જે ગાઇડલાઇન આપવામાં આવી છે તેનો રાજ્યમાં ચૂસ્ત અમલ થઇ રહ્યો છે. એટલે નાગરિકોને સહેજ પણ ગભરાવવાની જરૂર નથી. પરંતુ માત્રને માત્ર સતર્ક રહીને કોવિડ પ્રોટોકોલનું પાલન કરીને સહયોગ આપવા અપીલ કરી છે.

Most Popular

To Top