Editorial

ત્રીજી લહેર માટેના એપી સેન્ટર બની રહેલા કેરળમાં કોરોનાને ડામવો જરૂરી

જે કોરોનાની ત્રીજી લહેરનો ભય વ્યક્ત કરવામાં આવી રહ્યો હતો તે ભય આખરે સાચો પડે તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. કોરોનાની પ્રથમ લહેર અને બીજી લહેર બાદ આગામી સપ્ટેમ્બર-ઓકટોમ્બર માસમાં કોરોનાની ત્રીજી લહેર આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી હતી. આખા દેશમાં વિવિધ રાજ્યોમાં હાલમાં કોરોના કેસ ઘટી રહ્યાં છે. પરંતુ કેરળ રાજ્યમાં કોરોનાના કેસનો વિસ્ફોટ થવા પામ્યો છે. કેરળમાં બુધવારે તા.25-8-21ના રોજ એક જ દિવસમાં કોરોનાના 31445 કેસ નોંધાયા છે. કેરળમાં કોરોનાના કેસનો પોઝિટિવિટી રેશિયો પણ વધીને 19.3 ટકા થઈ ગયો છે અને સાથે સાથે નવા 215 લોકોના મોત પણ થયા છે.

જે રીતે કેરળમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે તે જોતાં દેશમાં કોરોનાની ત્રીજી લહેર માટે કેરળ રાજ્ય એપી સેન્ટર સાબિત થાય તેવી સંભાવના જોવાઈ રહી છે. જે દિવસે કેરળમાં 31 હજાર કેસ નોંધાયા તે દિવસે કોરોનાની બંને લહેરમાં એપી સેન્ટર બનનાર મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોનાના 4335 કેસ નોંધાયા હતાં. જ્યારે તમિલનાડુમાં 1585, કર્ણાટકમાં 1259, આંધ્રપ્રદેશમાં 1248 કોરોનાના કેસ નોંધાયા હતા. આ સિવાયના તમામ રાજ્યોમાં કોરોનાના કેસની સંખ્યા એક હજારથી ઓછી છે. કેટલાક રાજ્યોમાં તો કોરોનાના કેસની સંખ્યા 100થી પણ ઓછી નોંધાઈ છે.

ગુજરાતમાં કોરોનાના કેસની સંખ્યા માત્ર 14 જ નોંધાઈ છે. દેશના અન્ય રાજ્યોમાં કોરોનાના કેસની સંખ્યા ઘટી રહી હોવાની સામે કેરળમાં કોરોનાના કેસની સંખ્યા વધી રહી છે તે ભારે ચિંતાજનક છે. દેશના તમામ રાજ્યોમાં કોરોનાની સામે વેક્સિનેશનની મોટાપાયે ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. વેક્સિનેશનને કારણે પણ કોરોનાના કેસ અન્ય રાજ્યોમાં ઘટ્યા છે પરંતુ કેરળમાં વધેલા કોરોનાના કેસ આખા દેશમાં કોરોનાની ત્રીજી લહેર ઊભી કરે તો નવાઈ નહીં હોય.

કેરળમાં કોરોનાના વધી રહેલા કેસની પાછળના કારણો જાણવા માટે કેરળ સરકાર અને સાથે સાથે કેન્દ્ર સરકારે તાકીદના ધોરણના પગલાઓ લેવા જોઈએ. અન્ય રાજ્યોમાં જે રીતે કોરોનાના કાબુમાં કરવામાં આવ્યો તે રાજ્યોના એકશન પ્લાનનો પણ કેરળ સરકાર દ્વારા અભ્યાસ કરવામાં આવે અને કેન્દ્ર સરકાર પણ કેરળને જોઈતી તમામ મદદ પુરી પાડે કે જેથી કેરળમાં પણ કોરોનાના કેસને કાબુમાં કરી શકાય. ભૂતકાળમાં કોરોનાની લહરોમાં પોઝિટિવિટી રેટ 20 ટકાની આસપાસ રહ્યો હતો. જેથી કેરળનો પોઝિટિવિટી રેટ પણ આ બે લહેરની આસપાસ પહોંચી ગયો છે. જે મોટી સમસ્યા ઊભી કરી શકે તેમ છે. કોરોનાની પહેલી લહેરમાં પણ મહારાષ્ટ્રમાં પહેલા કોરોનાના કેસ વધ્યા હતા અને બાદમાં આખા દેશમાં કોરોનાના કેસ લાખોમાં નોંધાયા હતા. જેથી કેરળમાંથી કોરોના ફરી આખા દેશમાં ફેલાય અને ત્રીજી લહેરને ઊભી કરે તે પહેલા કેરળ સરકાર અને કેન્દ્ર સરકાર કોરોનાને ડામી દે તે અતિ જરૂરી છે.

કોરોનાની બે લહેરમાં આખા દેશને વ્યાપક નુકસાન થવા પામ્યું છે. દેશમાં જાનમાલની સાથે સાથે ધંધા-રોજગાર પડી ભાંગ્યા હતા. અનેક લોકોની નોકરીઓ જતી રહી હતી. આ સંજોગોમાં કોરોનાની ત્રીજી લહેરને દેશ કોઈપણ સંજોગોમાં સહન કરી શકે તેમ નથી. આ સત્યને કેરળ સરકાર અને ખાસ કરીને કેન્દ્ર સરકાર સમજી લે તે જરૂરી છે. જો કેરળ સરકાર અને કેન્દ્ર સરકાર સવેળા નહીં જાગે તો કોરોના ફરી આખા દેશમાં ફેલાઈ જશે અને ત્રીજી લહેરની સંભાવના સાચી પડશે તે નક્કી છે.

Most Popular

To Top