ચેન્નાઇ: દેશમાં કોરોનાવાયરસજન્ય કોવિડ-19નું ત્રીજું મોજું (Corona third wave) આગામી મહિનાઓમાં આવી શકે છે અને આ મોજામાં બાળકો (children)માં આ રોગચાળો વધી શકે છે તેવા ભય વચ્ચે તમિલનાડુ (tamilnadu)માં બાળકોમાં કોવિડ-૧૯ના કેસો વધ્યા હોવાનું આંકડાઓ જણાવે છે.
તમિલનાડુમાં જૂન મહિનાથી બાળકોમાં કોવિડના કેસો વધી રહ્યા હોવાનું જાણવા મળે છે. છેલ્લા કેટલાક મહિનાઓના આંકડા (digits)ઓ જણાવે છે કે તમિલનાડુમાં કોવિડ-19ના દર્દીઓમાં બાળકોનું પ્રમાણ વધી રહ્યું છે. રાજ્યના આરોગ્ય વિભાગ (health dept)ના આંકડાઓ પ્રમાણે જાન્યુઆરીમાં કોવિડના કુલ દર્દીઓમાં બાળ દર્દીઓનું પ્રમાણ ફક્ત 6 ટકા હતું, તે જૂનમાં વધીને 8.8 ટકા થઇ ગયું હતું. જુલાઇમાં આ પ્રમાણ વધીને 9.5 ટકા અને ઓગસ્ટમાં વધીને 10 ટકા થઇ ગયું હતું. જો કે ડોકટરો જણાવે છે કે બાળ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાનું પ્રમાણ વધ્યું નથી. આ રોગથી છેલ્લા આઠ મહિનામાં તમિલનાડુમાં 24 બાળકોનાં મોત થયા છે. તમિલનાડુમાં બાળકોમાં કોવિડ-19નું વધતું પ્રમાણ ખાસ કરીને એવા સમયે નિષ્ણાતોને ચિંતા કરાવે છે જ્યારે દેશમાં આ રોગના રોગચાળાના ત્રીજા મોજાનો ભય ઝળુંબી રહ્યો છે.
તિરુવનંતપુરમ: કેરળમાં એક દિવસમાં કોરોનાના નવા 30,000થી વધુ કેસ નોંધાયા હતા. કેરળમાં કોરોનાના કુલ કેસનો આંક 41 લાખને વટાવી ગયો છે. આ સાથે દક્ષિણ રાજ્યમાં કોરોનાના દૈનિક કેસમાં ઘટાડો થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. કેરળમાં ગુરુવારે કોરોનાના નવા 32,097 કેસ અને 188 મોત નોંધાયા હતા. આ સાથે અત્યાર સુધી નોંધાયેલા કુલ કેસની સંખ્યા 41,22,133 અને મૃત્યુઆંક 21,149 પર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં 1,74,307 સેમ્પલના ટેસ્ટીગ બાદ ટેસ્ટ પોઝિટિવિટી રેટ (TPR) 18.41 ટકા હોવાનું જણાયું હતું.
કેરળમાં અત્યાર સુધીમાં 3,19,01,842 સેમ્પલનુ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. કેરળમાં છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ કોરોનાના નવા 30,000થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. બુલેટિનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, કેરળમાં કોરોનાથી સ્વસ્થ થનારની કુલ સંખ્યા 38,60,248 થઈ ગઈ છે અને સક્રિય કેસોની સંખ્યા 2,40,186 નોંધાઈ છે.