SURAT

શહેરમાં કોરોના હજી શાંત પડ્યો નથી કે કમોસમી વરસાદને કારણે આ રોગ થવાની આશંકા

સુરત: શહેર (surat city)માં કોરોના (corona) હજી શાંત પડ્યો નથી કે ત્યાં તાઉતે વાવાઝોડા (cyclone tauktae)ને કારણે કમોસમી વરસાદ (unseasonable rain) ખાબક્યો હતો. પરંતુ આ કમોસમી વરસાદ હવે નવી આફત નોતરે તેવી શક્યતાઓ પ્રબળ બની છે. કોરોનાની વચ્ચે મ્યુકરમાઈકોસિસ (mucormycosis) અને હવે વાઈરલ ફિવર (viral fever), બેકટેરીયલ ઇન્ફેક્શન અને ડેન્ગ્યુ (dengue)ના કેસ વધવાની આશંકા સેવાઈ રહી છે.

કોરોનાની બીજી લહેર માંડ શાંત થઈ રહી હતી ત્યાં કમોસમી વરસાદને કારણે કોરોના ફરી ઉથલો મારે તેવી સંભાવના છે. વાવાઝોડાને કારણે વાતાવરણમાં પૂર્ણ પલટો જોવા મળ્યો છે. રાજ્યના મોટા ભાગના શહેરોમાં વાવાઝોડાની અસરને પગલે વરસાદ પડ્યો છે. શહેરમાં પણ ભારે વરસાદને પગલે ઠેરઠેર પાણી ભરાયા છે. આગામી બે ત્રણ દિવસ બાદ ફરી લોકોને ઉનાળાની આકરી ગરમીનો સામનો કરવો પડશે ત્યારે રોગચાળો ઉથલો મારે તેવી પ્રબળ શક્યતાઓ રહેલી છે. વરસાદી પાણીના ભરાવને લીધે મચ્છરોની ઉત્પત્તિ થશે અને ડેન્ગ્યુ વધારે વકરે તેવી દહેશત વ્યાપી રહી છે. અત્યારે કોરોના બાદ મ્યુકરમાઈકોસિસ નામની બિમારીએ માથુ ઉચક્યું છે. અને તે હજી મધ્યાહને પણ આવ્યું નથી કે ત્યાં હવે બેકટેરીયલ અને વાયરલ ઇન્ફેક્શન વધારે ફેલાય તેવી સંભાવના છે.

આરટીપીસીઆર સિવાયના બ્લડ રિપોર્ટ કનસલ્ટ કરાશે
અત્યારસુધી કોરોના કાળમાં શરદી, તાવ, ખાસીના લક્ષણો જણાતા તબીબો આરટીપીસીઆર રિપોર્ટ કરાવવા સલાહ આપતા હતા. પરંતુ હવે પાણીજન્ય રોગચાળો વધશે તો તબીબોએ આરટીપીસીઆર સિવાય બ્લડ રિપોર્ટ પણ કન્સલ્ટ કરવા પડશે. બ્લડ રિપોર્ટની બારીકાઈથી ચકાસણી કરાવવાથી ખરેખર શું સમસ્યા અને કઈ બિમારી છે તે ખબર પડશે.

હવે કોઈપણ તકલીફ જણાય તો તબીબની સલાહ લઈ લેવી
સુરત મેડિકલ કન્સલ્ટન્સી એસોસિએશનના પ્રમુખ ડો.અનિલ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, કમોસમી વરસાદ બાદ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરવાની ભીતિ છે. આના માટે લોકોએ સાવધાન રહેવાની સાથે કોઈપણ તકલીફ જણાય તો તબીબનો સંપર્ક કરી તાત્કાલિક યોગ્ય સારવાર લેવું હિતાવહ રહેશે.

Most Popular

To Top