ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં કોરોનામાં અનાથ, નિરાધાર થયેલા માતા કે પિતાને ગુમાવનાર બાળકોને મુખ્યમંત્રી બાળ સેવા યોજના માટે મળેલી અરજીઓ અંગેના કોંગ્રેસના (Congress) સભ્યો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના (Question) લેખિત જવાબમાં સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાનએ જણાવ્યું હતું કે કોરોનામાં માતા- પિતા બંનેનું અવસાન થયેલું હોય તો બાળકને માસિક રૂ.4૦૦૦- અને માતા-પિતા પૈકી કોઈ પણ એક વાલીનું અવસાન થયેલું હોય તેવા બાળકને માસિક રૂ.20૦૦-ની સહાય (Help) ચૂકવવામાં આવે છે. તા.31-12-2021 સુધીમાં આ યોજના હેઠળ 27674 અરજીઓ મળેલી છે, તે પૈકી 20970 અરજીઓ મંજૂર થયેલી છે, 3665 અરજીઓ નામંજૂર થયેલી છે જ્યારે 3009 અરજીઓ પડતર છે.
સુરત જિલ્લામાં 1,431 અરજીઓ મળી હતી. જેમાંથી 1126 અરજીઓ મંજૂર થઈ છે. જ્યારે 305 અરજીઓ નામંજૂર કરવામાં આવી છે. તેવી જ રીતે નવસારી જિલ્લામાં 1,384 અરજીઓ મળી હતી. જેમાંથી 1079 અરજીઓ મંજૂર કરવામાં આવી છે. જ્યારે 272 અરજીઓ નામંજૂર થઈ છે, તો વળી 33 અરજીઓ હજુ પેન્ડિંગ છે. વલસાડ જિલ્લામાં 599 અરજીઓ મળી હતી. જેમાંથી 489 અરજીઓ મંજુર કરવામાં આવી છે. જ્યારે 110 અરજીઓ નામંજૂર થઈ છે.
રાજ્યમાં સૌથી વધુ અરજીઓ અમદાવાદ જિલ્લામાંથી 2500 મળી હતી. જેમાંથી 1726 અરજીઓ મંજુર કરવામાં આવી છે. 20 અરજીઓ નામંજૂર થઈ છે, જ્યારે 754 અરજીઓ હજુ પણ પડતર છે.
કોંગ્રેસના સભ્યોએ વિધાનસભા બહાર સરકાર પર કોરોનાના આંકડા છુપાવવાનો આક્ષેપ કરતાં કહ્યું હતું કે રાજ્ય સરકાર કોરોનાથી કુલ મૃત્યુ 10942 જાહેર કરેલા છે. પરંતુ તેની સામે માતા-પિતા બંને અથવા માતા કે પિતા પૈકી એકનું અવસાન થયેલું હોય તેવા બાળકોની અરજીઓ 20970 મંજુર કરી દિધી છે. આમ કોરોનાથી મૃત્યુના આંકડાઓ છુપાવવામાં આવતા હતા. તેનો પર્દાફાશ થઈ ગયો છે.
ગુજરાતના કોરોના વોરિયર્સના 14 આશ્રિત કુટુંબને હજુ સહાય ચૂકવાઈ નથી
ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં કોરોના વોરિયર્સ આશ્રિત કુટુંબને સહાય અંગે કોંગ્રેસના સભ્યો દ્વારા પૂછાયેલા પ્રશ્નના લેખિત જવાબમાં આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણને કારણે ઊભા થયેલા સંજોગોમાં આવશ્યક સેવાના ભાગરૂપે ફરજો દરમિયાન આરોગ્ય વિભાગના સંક્રમિત થયેલા કોરોના વોરિયર્સ પૈકી 14 કોરોના વોરિયર્સના આશ્રિત કુટુંબને સહાયની રકમ ચૂકવવાની બાકી છે.
કોરોના વાઈરસના સંક્રમણને કારણે આવશ્યક સેવાના ભાગરૂપે ફરજ દરમિયાન આરોગ્ય વિભાગના સંક્રમિત થયેલા 94 કોરોના વોરિયર્સને સહાય ચુકવવામાં આવી છે. જ્યારે 14 કોરોના વોરિયર્સના આશ્રિત કુટુંબોને રૂપિયા 7 કરોડની રકમ ચૂકવવાની બાકી છે. હજુ 14 કોરોના વોરિયર્સ આશ્રિત કુટુંબને સહાયની રકમ ચૂકવવાની બાકી છે. તેમાં અમરેલી જિલ્લામાં બે, કચ્છ જિલ્લામાં બે, બનાસકાંઠા જિલ્લામાં બે, મહેસાણા જિલ્લામાં બે, વડોદરા જિલ્લામાં એક, અરવલ્લી જિલ્લામાં એક, ભરૂચ જિલ્લામાં એક, નવસારી જિલ્લામાં એક, મહિસાગર જિલ્લામાં એક અને મોરબી જિલ્લામાં એકનો સમાવેશ થાય છે.