સુરત: શહેર (surat) કોરોના(corona)ની પ્રથમ અને બીજી લહેરમાંથી તો પસાર થઈ ચૂક્યું છે. પરંતુ કોરોનાની ત્રીજી લહેર (third wave) આવી શકે અને સંભવત: બાળકો (children) માટે વધુ ઘાતકી હોય, બાળકોને યોગ્ય સારવાર (treatment) મળી રહે તેની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે તેમ મ્યુનિ.કમિ. બંછાનિધી પાનીએ જણાવ્યું હતું.
હાલમાં સરકારી હોસ્પિટલોમાં પિડીયાટ્રિક બેડની સંખ્યા 430 છે. જે વધારીને 546 કરવામાં આવશે. આઈસીયુ વોર્ડમાં કુલ 45 વેન્ટિલેટર છે. હજી મનપા વધુ 55 વેન્ટિલેટર ખરીદશે, એટલે આઈસીયુ વોર્ડમાં કુલ 100 વેન્ટિલેટરની વ્યવસ્થા નવી સિવિલ હોસ્પિ. અને સ્મીમેરમાં મળીને કરાશે. તે ઉપરાંત હાલમાં સરકારી કુલ 25 વેન્ટિલેટર છે. જેમાં 10નો વધારો કરાશે અને 35 વેન્ટિલેટરની સુવિધા રાખવામાં આવશે. પ્રાઈવેટ પિડીયાટ્રિક હોસ્પિટલોમાં ઓક્સિજન બેડની સંખ્યા 2405 છે. જે વધારીને 3355 કરાશે. આઈસીયુ વગરના 240 બેડ છે જે વધારીને 300 કરાશે. પ્રાઈવેટ હોસ્પિટલોમાં વેન્ટિલેટરના 120 બેડ છે. જે વધારીને 150 કરવામાં આવશે. સુરત મહાનગરપાલિકા દ્વારા બાળકો માટેના 70 વેન્ટિલેટર ખરીદવામાં આવશે. શહેરમાં હાલમાં 8 પીએસએ પ્લાન્ટ છે જેમાં કુલ 9.4 મેટ્રિક ટન ઓક્સિજન સપ્લાયની ક્ષમતા છે.

મેનપાવર પણ વધારવા આયોજન કરાશે
શહેરમાં કોરોનાની બીજી લહેરમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ પણ કામગીરીનો બોજ વધ્યો હતો. કારણ કે, શહેરમાં પ્રતિદિન 2500 જેટલા દર્દીઓ નોંધાતા હતા. જેથી ત્રીજી લહેરને ધ્યાને રાખી મનપા દ્વારા મેનપાવર વધારવા માટેનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.
હાલમાં 10 લાખની વસતીએ 1947 આરટીપીઆર ટેસ્ટ થાય છે, જે વધારીને 2500 કરાશે
કોરોનાની બીજી લહેરમાં મનપા દ્વારા 3-ટી એપ્રોચ(ટેસ્ટિંગ, ટ્રેકિંગ, ટ્રીટમેન્ટ) પર વધુ ફોકસ કરવામાં આવ્યું હતું. હાલમાં શહેર કોરોનાની બીજી લહેરમાંથી પસાર થઈ ચૂક્યું છે. તેમ છતાં મનપા દ્વારા પ્રતિદિન 21 થી 22 હજાર જેટલા ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. હાલમાં 10 લાખની વસતીએ 1947 આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જે વધારીને 2500 કરાશે.

સ્મીમેરમાં વધુ એક એમઆરઆઈ સિટી સ્કેન મશીન મૂકાશે
મનપા કમિશનરે જણાવ્યું હતું કે, સ્મીમેરમાં તમામ સવલતોમાં વધારો કરવામાં આવી રહ્યો છે. જેની સાથે સાથે હવે સ્મીમેરમાં સિટી સ્કેન માટે જરૂરી એવા એમઆરઆઈનું વધુ એક મશીન મૂકવામાં આવશે.
વેક્સિનેશનના 38 ટકા ટાર્ગેટ ગ્રુપને વેક્સિન આપવામાં આવી છે
શહેરમાં છેલ્લા 10 દિવસોથી વેક્સિનેશન સઘન કરાયું છે. શહેરમાં અત્યાર સુધીમાં 13 લાખ કરતા વધુ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. મનપા દ્વારા પાંચ મહિનામાં કુલ 33.53 લાખ ડોઝ આપવાનો ટાર્ગેટ હતો. જેની સામે અત્યાર સુધીમાં 13 લાખ ડોઝ આપવામાં આવ્યા છે.
શહેર બહારથી આવનારામાં વધુ કેસ મળી રહ્યા છે, ટેસ્ટિંગ ચાલુ રહેશે
શહેરમાં કોરોનાનો પોઝિટિવિટી રેટ ઘણો ઓછો છે. હાલમાં શહેરમાં પ્રતિદિન 60 થી 70 જેટલા પોઝિટિવ દર્દીઓ નોંધાઈ રહ્યા છે. જેમાં મોટેભાગના શહેર બહારથી આવનારા લોકો પોઝિટિવ મળી રહ્યા છે. જેથી મનપા દ્વારા શહેરના તમામ એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ પર ટેસ્ટિંગ સઘન જ કરાઈ રહ્યું છે.
