બૈજિંગ: ચીને આજથી તેનું બે વર્ષનું સૌથી સઘન લૉકડાઉન શાંઘાઇમાં શરૂ કર્યું હતું જ્યાં વધી રહેલા રોગચાળાને નાથવા માટે પગલાં ભરવામાં આવી રહ્યા છે અને સામૂહિક ટેસ્ટિંગ પણ ફરી શરૂ થયા છે. આ જ સમયે ચીનની ઝીરો-કોવિડ વ્યુહરચનાને કારણે થયેલા આર્થિક નુકસાન બાબતે પ્રશ્નો ઉઠવા લાગ્યા છે.
- વુહાનના લૉકડાઉન પછી આ સૌથી કડક કોવિડ-૧૯ લૉકડાઉન બની રહેવાની શક્યતા
- રહેવાસીઓને ઘરમાંથી બહાર નિકળવાની મનાઇ, માલસામાન શેરીના નાકે ચેકપોઇન્ટો પર પહોંચાડવા વ્યવસ્થા કરાઈ
- શાંઘાઇમાં ફરી લૉકડાઉન લાદવાની ફરજ પડતા ચીનની શૂન્ય કોવિડની નીતિ સામે ઉઠેલા પ્રશ્નો
- ભારતમાં કોરોનાથી વધુ ૩૧નાં મોત, સક્રિય કેસો ઘટીને ૧૬ હજારથી પણ નીચે
ચીનનું નાણાકીય પાટનગર અને સૌથી મોટું શહેર એવું શાંઘાઇ તેના ભૂતકાળના નાના રોગચાળાઓને તો મર્યાદિત લૉકડાઉનો વડે હાથ ધરવામાં સફળ રહ્યું હતું પરંતુ આ વખતે તેને વધુ મોટા લૉકડાઉનની જરૂર પડી છે જેમાં આખા શહેરમાં બે તબક્કામાં લૉકડાઉન અમલી બનાવવામાં આવી રહ્યું છે. ૨૦૧૯માં જ્યારે પ્રથમ વખત કોરોનાવાયરસનો રોગચાળો મધ્ય ચીનના વુહાનમાં દેખાયો ત્યારે તે શહેરમાં અને તેની આજુબાજુના વિસ્તારમાં સખત લૉકડાઉન અમલી બનાવવામાં આવ્યું હતું અને ૨૦૨૦ની શરૂઆતમાં ત્યાં ૧૧૦ લાખ લોકોને ૭૬ દિવસ સુધી તેમના ઘરોમાં જ ગોંધી રાખવામાં આવ્યા હતા. આના પછી હવે શાંઘાઇમાં સખત લૉકડાઉન શરૂ થઇ રહ્યું છે.
ટોમ્બ સ્વીપિંગ તહેવારની ઉજવણી રદ
શાંઘાઈમાં પુડોંગ ફાઇનાન્શ્યલ ડિસ્ટ્રીક્ટ અને નજીકના વિસ્તારો સોમવારથી શુક્રવાર સુધીમાં લૉકડાઉન હેઠળ રહેશે જ્યાં માસ ટેસ્ટિંગ ચાલી રહ્યું છે એમ સ્થાનિક પ્રશાસને જણાવ્યું હતું. રહેવાસીઓએ ઘરોમાં જ રોકાઇ રહેવું પડશે અને ઘરો માટે જરૂરી માલસામાન ચેકપોઇન્ટો પર પહોંચાડી દેવમાં આવશે જેથી બહારના વિશ્વ સાથે સ્થાનિકોનો કોઇ સંપર્ક થાય નહીં. કચેરીઓ અને તમામ બિનઆવશ્યક ધંધાઓ બંધ રહેશે અને જાહેર પરિવહનની સેવાઓ પણ ચાલુ રહેશે નહીં. હાલમાં પણ, શાંઘાઇમાં ઘણી વસ્તીઓ કે સમુદાયો છેલ્લા એક સપ્તાહથી લૉકડાઉન હેઠળ છે જે અને તેમના ઘરોના કમ્પાઉન્ડો ભૂરા અને પીળા પ્લાસ્ટિકના બેરિયરોથી બ્લોક કરી દેવામાં આવ્યા છે. પ એપ્રિલે આવતો ટોમ્બ સ્વીપિંગના તહેવારની ઉજવણી પણ રદ કરવામાં આવી છે.
ભારતમાં કોવિડ-૧૯ના માત્ર ૧૨૭૦ નવા કેસ
ભારતમાં એક જ દિવસમાં કોરોનાવાયરસ ચેપના નવા 1,270 કેસ નોંધાવા સાથે દેશમાં કોવિડ-19 કેસની કુલ સંખ્યા વધીને 4,30,20,723 થઈ ગઈ છે, જ્યારે સક્રિય કેસ ઘટીને 15,859 થયા છે. એમ સોમવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા જણાવે છે. સોમવારે સવારે 8 વાગ્યે આરોગ્ય મંત્રાલયના અપડેટ ડેટા મુજબ, દેશમાં કોરોનાના કારણે વધુ 31 લોકોનાં મોત થતાં કુલ મૃત્યુઆંક વધીને 5,21,035 પર પહોંચી ગયો છે. નવા 31 લોકોનાં મોતમાં કેરળના 25નો સમાવેશ થાય છે.
183.26 કરોડ લોકો સંપૂર્ણ વેક્સીનેટેડ
મંત્રાલયે જણાવ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં સક્રિય કોવિડ-19 કેસ લોડમાં 328 કેસનો ઘટાડો નોંધાયો છે. સક્રિય કેસોમાં કુલ ચેપના 0.04 ટકાનો સમાવેશ થાય છે, જ્યારે રાષ્ટ્રીય કોવિડ રિકવરી રેટ 98.75 ટકા નોંધાયો છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દૈનિક પોઝિટિવિટી દર 0.29 ટકા અને સાપ્તાહિક પોઝિટિવિટી દર 0.26 ટકા નોંધવામાં આવ્યો છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં કુલ 4,32,389 કોવિડ-19 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ભારતમાં અત્યાર સુધીમાં 78.73 કરોડથી વધુ સંચિત પરીક્ષણો કર્યા છે. આ રોગમાંથી સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા વધીને 4,24,83,829 થઈ ગઈ છે. જ્યારે આ કેસમાં મૃત્યુદર 1.21 ટકા નોંધવામાં આવ્યો છે. મંત્રાલયે જણાવ્યું હતું કે, રાષ્ટ્રવ્પાપી કોવિડ-19 રસીકરણ અભિયાન હેઠળ દેશમાં અત્યાર સુધીમાં આપવામાં આવેલ સંપૂર્ણ ડોઝની સંખ્યા 183.26 કરોડને વટાવી ગઈ છે.
ઓમિક્રોનનાં પેટા પ્રકારની કહેર
કોરોના વાયરસના સૌથી ઝડપથી ફેલાતા ઓમિક્રોન પ્રકારનો પેટા પ્રકારે BA.2 યુરોપમાં તબાહી મચાવી રહ્યો છે. ઇટાલીમાં બે દિવસમાં 90 હજાર સંક્રમિત મળી આવ્યા છે, જ્યારે ફ્રાન્સમાં હોસ્પિટલમાં દાખલ લોકોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. ચીનના શાંઘાઈમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. એશિયન દેશોમાં કોરોના કેસમાં સ્થિરતા દેખાઈ રહી છે. હોંગકોંગમાં સ્થિતિ સુધરી રહી છે. BA.2 એ આ મહિને યુરોપ અને ચીનના ભાગોમાં ઝડપથી સ્થાન મેળવ્યું. ફ્રાન્સ, ઇટાલી, જર્મની અને બ્રિટનમાં કોવિડના કેસમાં વધારો થયો છે. ચીનનું શાંઘાઈ શહેર આ વેરિઅન્ટનું નવું હોટસ્પોટ બની ગયું છે. સોમવારે ત્યાં 4400 નવા કેસ મળી આવ્યા છે. શહેરના અનેક વિસ્તારોમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.
આ દેશોમાં શું છે સ્થિતિ
- ફ્રાંસઃ છેલ્લા 24 કલાકમાં ફ્રાન્સની હોસ્પિટલમાં દાખલ લોકોની સંખ્યા 467 વધીને 21,073 થઈ ગઈ છે. ફેબ્રુઆરી પછીના આ પ્રકારનો આ સૌથી વધુ દિવસ છે.
- હોંગકોંગઃ સોમવારે 7685 નવા કોવિડ સંક્રમિત મળી આવ્યા હતા. વિશ્વના આ નાણાકીય કેન્દ્રમાં હવે વસ્તુઓ સ્થિર થઈ રહી છે.
- ચીન: મુખ્ય વેપારી શહેર શાંઘાઈમાં 4400 નવા કેસ મળી આવ્યા છે. બે વર્ષ બાદ ચીનમાં ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે. શાંઘાઈમાં લોકડાઉન સહિત અનેક કડક નિયંત્રણો લાદવામાં આવ્યા છે.
- ઇટાલી: માત્ર બે દિવસમાં 90 થી વધુ નવા કેસ નોંધાયા છે. સોમવારે, 30,710 નવા સંક્રમિત મળી આવ્યા હતા. રવિવારે અહીં 59,555 કેસ મળી આવ્યા હતા.
- ભારત: જ્યારે અન્ય દેશોમાં કોરોનાના નવા કેસ વધી રહ્યા છે, ત્યારે ભારતમાં ઘટાડોનો તબક્કો ચાલી રહ્યો છે. આ જ કારણસર અમેરિકાએ ભારત પ્રવાસ અંગેના નિયંત્રણો હળવા કર્યા છે. ભારતનું કોવિડ રેટિંગ લેવલ 3 એટલે કે હાઈ રિસ્ક કન્ટ્રીથી ઘટાડીને લેવલ 2 એટલે કે લો રિસ્ક કન્ટ્રી કરવામાં આવ્યું છે.
કોરોના ગયો નથી: WHO
બીજી તરફ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ ચેતવણી આપી છે કે રોગચાળો હજુ ખતમ થયો નથી, કોરોના હજુ ગયો નથી. ચીનમાં અત્યાર સુધીના સૌથી ઝડપી દરે તેનો ફેલાવો ચિંતાજનક છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જો ઓમિક્રોનના BA.1 અને BA.2 વેરિઅન્ટના સંયોજનને કારણે નવું વેરિઅન્ટ બનાવવામાં આવે છે, તો તે વિશ્વની સામે રોગચાળાનો નવો પડકાર રજૂ કરી શકે છે.