સુરતઃ શહેરમાં કોરોનાનું સંક્રમણ (CORONA IN SURAT) સતત વધી રહ્યું છે. ખાનગી અને સરકારી હોસ્પિટલોના બેડ ફુલ (BED FULL) થવા લાગ્યા છે. શહેરીજનો તેમના સ્નેહીજનો માટે હોસ્પિટલમાં બેડ મેળવવા માટે વલખાં મારી રહ્યા છે. ત્યારે હવે ફરીવાર શહેરમાં વિવિધ કોમ્યુનિટી હોલમાં કોવિડ કેર સેન્ટરો ખોલવામાં આવી રહ્યાં છે.
બુધવારે ધારાસભ્ય (MLA) હર્ષ સંધવી દ્વારા અલથાણ કોમ્યુનિટી હોલમાં 200 બેડની ઓકિસજન (OXYGEN) વ્યવસ્થા સાથે કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું હતું. ત્યારે કામરેજના ધારાસભ્ય વી.ડી.ઝાલાવડિયાની માંગણી ધ્યાને રાખી સરથાણા કોમ્યુનિટી હોલમાં તેમજ કતારગામના ધારાસભ્ય વિનુ મોરડીયાની માંગણી ધ્યાને રાખીને કતારગામ કોમ્યુનિટી હોલ અથવા કતારગામ પાટીદાર સમાજની વાડીમાં સમરસ હોસ્ટેલની જેમ જ તમામ સુવિધાઓ સાથેનું કોવિડ સેન્ટર શરૂ કરવા માટે ડેપ્યુટી મેયર દિનેશ જોધાણીએ નોંધ મૂકી છે.
જયારે સુરત મનપાના સ્લમ એન્ડ ઈમ્પ્રુવમેન્ટ સમિતિના ચેરમેન દિનેશ રાજપુરોહિત દ્વારા પરવટ કોમ્યુનિટી હોલમાં 100 બેડની સુવિધા સાથે આવતીકાલથી કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવશે. જેમાં 20 બેડ ઓકિસજનની સુવિધા સાથે તેમજ 80 બેડ માઈલ્ડ દર્દી માટે હશે. તે ઉપરાંત સેન્ટ્રલ ઝોનમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નં. 36-38 અને રૂસ્તમપુરા કોમ્યુનિટી હોલને સમરસ કોવિડ કેર સેન્ટર તરીકે શરૂ કરવા માટેની વિચારણા ચાલી રહી છે.
ઓક્સિજનની જરૂર ના હોય તેને ઘરે જ સારવાર લેવા અનુરોધ
શહેરમાં કોરોનાના દર્દીઓને સારવાર માટે બેડની અછત ઉભી થઇ છે. ખાસ કરીને ઓક્સિજન કે વેન્ટિલેટર(VENTILATOR)ની જરૂરીયાતવાળા દર્દીઓને તાકીદે હોસ્પિટલમાં દાખલ કરવા જરૂરી હોવાથી હવે હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓને ડિસ્ચાર્જ કરવાની પોલિસીમાં ફેરફાર કરવાના સંકેત મનપાના આરોગ્યતંત્ર દ્વારા અપાયા છે. હવે કોરોનાની સારવાર (TREATMENT) લઇ રહેલા જે દર્દીઓને ઓક્સિજનની જરૂર ના હોય તો તેને અન્ય કોવિડ કેર સેન્ટરોમાં ખસેડાશે અથવા ઘરે જ સારવાર લેવા અનુરોધ કરાશે. જેથી ઓક્સિજન કે વેન્ટિલેટરની જરૂરીયાતવાળા દર્દીઓને હોસ્પિટલમાં બેડ મળી રહે. આ ઉપરાંત શહેરમાં પાંચથી 10 બેડની વ્યવસ્થા હોય તેવા નર્સિંગ હોમને પણ સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓની સારવાર માટે મંજૂરી આપી દેવાશે.
સુરતમાં એકલા કોરોનમાં જ 200ના મોતની આશઁકા
સુરત જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કોવિડ-19ના કહેર વચ્ચે પણ દરરોજ સારવાર દરમિયાન મૃત થતા લોકોના આંકડા છુપાવવામાં આવી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં જ સિવિલ હોસ્પિટલમાં 33 દર્દીના મોત નીપજ્યા હતા. જયારે સુરત મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં 17 દર્દીના મોત થયા છે. પરંતુ તંત્ર દ્વારા સરકારી ચોપડે માત્ર 8ના મોત દર્શાવવામાં આવ્યા છે. મહાવીર હોસ્પિટલ, કિરણ હોસ્પિટલ, ટ્રિનિટી હોસ્પિટલ, બેપ્સ, પ્રાણનાથ, અશકતાશ્રમ હોસ્પિટલ, નિર્મલ ચોરડિયા હોસ્પિટલમાં પ્રતિદિન પાંચથી પંદર દર્દીઓના મોત થઇ રહ્યા છે. ત્યારે આ આંકડો પ્રતિદિન બસો કરતા વધારે હોવાની દહેશત છે. એકતા ટ્રસ્ટ દ્વારા આ મામલે 200 દર્દીઓના મોત(DEATH)ની આશંકા વ્યકત કરવામાં આવી છે. આમ કોવિડમાં પ્રતિદિન બસો દર્દીઓના મોત હોવાની આશંકા વ્યકત કરવામાં આવી છે.
સ્મીમેર હોસ્પિટલના પીએમ ચોપડે નોંધાયેલા મોતના આંકડા
કડોદરાના 70 વર્ષીય પુરુષ, પાલનપુર જકાતનાકાનના 79 વર્ષીય પુરુષ, લીંબાયતના 60 વર્ષીય પુરુષ, પાંડેસરાના 60 વર્ષીય પુરુષ, અડાજણના 66 વર્ષીય પુરુષ, સચીનના 70 વર્ષીય પુરુષ, મહારાષ્ટ્રની 75 વર્ષીય મહિલા, મોટાવરાછાના 65 વર્ષીય પુરુષ, વરાછાના 81 વર્ષીય પુરુષ, પલસાણાની 50 વર્ષીય મહિલા, નાનપુરાની 65 વર્ષીય મહિલા, અમરોલીની 62 વર્ષીય મહિલા, ડભોલીના 75 વર્ષીય પુરુષ, કોટ વિસ્તારની 85 વર્ષીય મહિલા, ચલથાણાની 60 વર્ષીય મહિલા, કોસાડ આવાસની 65 વર્ષિય મહિલા અને 74 પુરુષ દર્દીના મોત થયા છે.