Gujarat

સહકારી સુગર મિલો આજે શેરડીના ભાવ નક્કી કરશે

બારડોલી: બારડોલી સહિત દક્ષિણ ગુજરાતની સહકારી મંડળીઓ મંગળવારના રોજ શેરડીના ટન દીઠ ભાવ નક્કી કરશે. ચાલુ વર્ષે 3650થી 3900 રૂપિયા પ્રતિ ટનની વચ્ચે ભાવ ખેડૂતોને મળે તેવી સંભાવના છે. જો કે, 2022માં ખેડૂતોની આવક ડબલ કરવાની સરકારની વાતો 2026માં પણ પોકળ સાબિત થવાની છે.

દર વર્ષે 31મી માર્ચની દક્ષિણ ગુજરાતના શેરડી પકવતા ખેડૂતો આતુરતાથી રાહ જોતા હોય છે. આ દિવસે ખેડૂતોએ સુગર મિલોને આપેલી શેરડીના ટન દીઠ ભાવ નક્કી કરવામાં આવે છે. ગત શુક્રવારના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મળેલી ગુજરાત રાજ્ય ખાંડ ઉદ્યોગ સંઘની બેઠકમાં ખાંડની સ્ટોક વેલ્યુ ગત વર્ષની સરખામણીએ માત્ર 100 રૂપિયાનો વધારો કરી 3700 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવી હતી. ગત વર્ષે સ્ટોક વેલ્યુ 3600 રૂપિયા હતી. જાણકારોના માટે 1-4-2025 થી 31-3-2026 સુધીમાં ખાંડની સરેરાશ આવક 3870થી 3900 રૂપિયા પ્રતિ ક્વિન્ટલની વચ્ચે રહી છે. એટલે કે અંદાજિત 260થી 300 રૂપિયા સુધીનો ફાયદો સુગર મિલોને થયો છે. ઉપરાંત મોલાસીસ, બગાસ, પેસમડ સહિતની આડ પેદાશની પણ આવક થઈ છે.

આવકજાવકના હિસાબ તેમજ પાકા સરવૈયાના આધારે મંગળવારના રોજ સુગર મિલોની બોર્ડ મિટિંગમાં ટન દીઠ ભાવો નક્કી કરવામાં આવશે. એક તરફ ખાતર, બિયારણ, જંતુનાશક દવા, મજૂરી વગેરેમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં તોતિંગ વધારો થયો છે, તો સામે પક્ષે શેરડી પકવતા ખેડૂતોની આવકમાં કોઈ વધારો નોંધાયો નથી. મોંઘવારીની સામે આવકમાં વધારો નહીં થતાં ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે. સરકારની નીતિને કારણે ખાંડના ભાવો નિયંત્રણમાં હોય શેરડી પકવતા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી શકતા ન હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે.

સુગર મિલોના સરેરાશ ખર્ચ અને આવકની સ્થિતિ (અંદાજિત)

સુગર મિલોને ખાંડના વેચાણમાંથી 3870થી 3900 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ પ્રાપ્ત થયા છે. આ ઉપરાંત ખાંડની રિકવરીના 340 રૂપિયા, બગાસના 240 રૂપિયા પ્રતિટન, મોલસિસના 670 રૂપિયા પ્રતિ ટન, પેસ મડના 4 રૂપિયા પ્રતિ ટન, અન્ય આવક 100 રૂપિયા પ્રતિ ટન, ડિસ્ટલરી પ્લાન્ટના 120થી 160 રૂપિયા પ્રતિ ટન, બિન મંજૂરી સભાસદોના 150 રૂપિયા પ્રતિ ટન મળી કુલ આવક અંદાજિત 5500 રૂપિયા પ્રતિ ટન થાય છે. જેની સામે 750 રૂપિયા વાહતુક ખર્ચ, 750 રૂપિયા કર્મચારી પગાર અને 100 રૂપિયા ઘસારો પ્રતિ ટન મળી કુલ ખર્ચ 1600 રૂપિયા પ્રતિ ટન આવે છે. આમ, અંદાજિત સરેરાશ 3900 રૂપિયાની આસપાસ સુગર મિલોની ચોખ્ખી આવક થવાની સંભાવના છે. આથી 3650થી 3900 રૂપિયા પ્રતિ ટન ભાવ મળી શકે એમ હોવાનું જાણકારો માની રહ્યા છે.

શેરડીની તમામ રકમ ખેડૂતોને 28 મહિને મળે છે

સૌથી મહત્વની બાબત એ છે કે શેરડીની તમામ રકમ ખેડૂતોને 28 મહિને મળી રહે છે. વધતી જતી મોંઘવારીમાં આ રીતે પેમેન્ટ હવે ખેડૂતોને પોષાય તેમ નથી. રોકડિયા પાકમાં ખેડૂત ઘાસચારા તરીકે શેરડી આપે તો પ્રતિ ટન 3000 રૂપિયામાં પડે છે અને તે વર્ષમાં બે વખત પાક લે તો તેને વર્ષમાં 6 હજાર રૂપિયા પ્રતિ ટન રોકડા મળી જાય છે. ઉપરાંત ગોળના કોલાવાળા પણ હવે તો 4000થી વધુના ભાવ રોકડમાં આપે છે. ત્યારે સુગર મિલો આ પેમેન્ટ બાબતે પણ વિચાર કરે તે જરૂરી બની ગયું છે.

કોમર્શિયલ ધોરણે 70 ટકા ખાંડનો વપરાશ

ખાંડના ભાવ સરકારના નિયંત્રણમાં છે. મહત્ત્વની બાબત એ છે કે ઘરેલુ વપરાશમાં ખાંડ માત્ર 30 ટકા ખાંડનો ઉપયોગ થાય છે. જ્યારે કોમર્શિયલ ધોરણે 70 ટકા ખાંડ વપરાય છે. તમામ ક્ષેત્રને આ જ ભાવે ખાંડ મળી રહી છે. હાલમાં ખાંડની MSC 31 રૂપિયા પ્રતિ કિલો છે. જે 50 થવી હોય તો જ ખેડૂતોને ફાયદો થઈ શકે એમ છે. કેન્દ્રમાં અને રાજ્યમાં ભાજપ સરકાર ઉપરાંત તમામ સુગર મિલોના ચેરમેનો અને ડિરેક્ટરો પણ ભાજપ સાથે જોડાયેલા છ. ત્યારે તેઓ પણ આ સમસ્યાનો નિકાલ લાવવા સરકારમાં યોગ્ય રજૂઆત કરે તેવી માગ ખેડૂતો કરી રહ્યા છે.

Most Popular

To Top