Columns

કર્ણાટકટમાં હવે ધર્મપરિવર્તન અશક્ય નહીં તો અઘરું જરૂર બનશે

ધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં લોકોએ અને મધ્ય પ્રદેશમાં સરકારે પ્રલોભનો વડે ધર્મપરિવર્તન કરાવનારાઓ સામે ઝુંબેશ આદરી છે. મધ્ય પ્રદેશ સાથે હવે કર્ણાટકની સરકાર જોડાઈ છે. કોઈ વ્યક્તિ સ્વેચ્છાએ કોઈ ધર્મનું પાલન કરે અથવા સ્વીકારે તો તેના અધિકારોની રક્ષા બંધારણ કરે છે પણ પોતાની કોમના, ધર્મના, લોકોની સંખ્યા વધારીને રાજકીય અને સામાજિક સ્તરે કોઈ ઉથલપાથલ મચાવવા માગતું હોય તો તેમ કરવા દઈ શકાય નહીં. ભારતે લિબરલ રહીને મહત્ત્વની ભૂમિ બાંગ્લાદેશ અને પાકિસ્તાનના રૂપમાં ગુમાવી છે.

અનેક લઘુમતી ધર્મો અને હિન્દુ ધર્મમાં રહેલા લિબરલોના મળતિયા એજન્ટો દ્વારા પ્રચાર કરે અને કરાવે છે કે સરકાર બે ધર્મો વચ્ચે વૈમનસ્ય અને ખાઈ પેદા કરવા માગે છે. જમીન અને લોકો ગુમાવી ચૂકેલા હિન્દુ લોકોને જાગૃત કરવા તેમાં વૈમનસ્ય ક્યાંથી આવ્યું? જો હિન્દુ એટલા જાગૃત હોત, ધર્મોના લોકોના આટા-પાટાઓ સમજી શકતા હોત તો બીજા ધર્મો આ દેશમાં ફૂલ્યાફાલ્યા ન હોત અને જેઓ ધર્માંતરણો દ્વારા પોતાના વસતિ અને પ્રદેશ વધારવા માગે છે તેઓ શું ધર્મો વચ્ચે વૈમનસ્ય નથી વધારતા? અન્યથા તેઓને પોતાના ધર્મોના લોકોની સંખ્યા શા માટે વધારવી છે? હમણાં હમણાં હિન્દુ-મુસ્લિમો ઝઘડી રહ્યા છે અને હકીકત સ્વીકારીએ તો મુસ્લિમો દ્વારા કોઈ આયોજિત ધર્મ પરિવર્તન કરાવવામાં આવી રહ્યું નથી.
અગાઉ, અને ખાસ કરીને આ દેશમાં બ્રિટિશ શાસકો આવ્યા તે અગાઉ જે થયું તે થયું. બાદમાં અમુક નાની છૂટપૂટ ઘટનાઓ ઘટી હશે. એ રીતે આઝાદી બાદ મુસ્લિમોમાંથી ઘણા હિન્દુ થયા છે.

આઝાદી પછી ખ્રિસ્તી સંપ્રદાયો દ્વારા ભારતમાં મોટા પ્રમાણમાં વટાળ પ્રવૃત્તિ શરૂ થઈ છે. દક્ષિણ ગુજરાતની આદિવાસી પ્રજાને આ નવી ઝુંબેશના સકંજામાં લેવામાં આવી છે. ધર્મ પ્રચારકો, સામ, દામ અને ભેદ વડે હિન્દુઓને ખ્રિસ્તી બનાવી રહ્યા છે. એક જ જ્ઞાતિઓ અને પેટાજ્ઞાતિઓમાં ખ્રિસ્તીઓ અને હિન્દુઓ વગેરે ફાંટા પડી ગયા છે. મોસાળ પક્ષ હિન્દુ હોય તો પિતૃપક્ષ ખ્રિસ્તી હોય. અગાઉ એ બધા હિન્દુ હતા. આદિવાસીઓની પાકી ઓળખાણ પાકા હિન્દુઓ તરીકે ક્યારેય રહી નથી. તે માટે એલિટ હિન્દુ વર્ગ જવાબદાર છે. તેઓને હંમેશાં તરછોડતા રહ્યા પણ હવે એ સ્થિતિ રહી નથી. છતાં જે એક પ્રવાહ શરૂ થયો તે થયો. ખ્રિસ્તી ધર્મપ્રચારકો ખૂબ સંકલિત અને સંગઠિત નેટવર્કો ધરાવે છે. તેઓનાં ઘણાં કાર્યો અને પ્રવૃત્તિઓ સરાહનીય હોય છે. તેઓ નવા બનેલા ખ્રિસ્તી સમાજની ખેવના લેવાનું, ફોલો-અપ કાર્ય સારી રીતે કરે છે. શાળાઓમાં સારું શિક્ષણ આપે છે પરંતુ જે વાત ખ્રિસ્તી ધર્મમાં નથી તે પણ નવા ખ્રિસ્તીઓને શીખવે છે. તે કઈ છે? અને શા માટે?

અમેરિકા-યુરોપ કે અન્યત્ર તમને હિન્દી કે બૌદ્ધ મંદિરોમાં ખ્રિસ્તીઓ આવતા જોવા મળશે. એ જ રીતે હિન્દુઓ પણ ચર્ચ અને દરગાહોમાં જાય છે પણ ભારતમાં જે નવા ખ્રિસ્તીઓ બને કે જૂના ખ્રિસ્તીઓ હોય તેઓને તેમના સ્થાનિક પાદરીઓ દ્વારા અન્ય ધર્મના સ્થાનકો, મંદિરો વગેરેમાં જવાની મનાઈ છે. તેઓએ માત્ર ચર્ચમાં જ જવાનું હોય. ખ્રિસ્તી ધર્મના મૂળ સ્વરૂપમાં કરુણા, દયા, ભાતૃભાવ છે અને ધર્મ ઘણો લિબરલ છે.

હિંસાને પ્રોત્સાહન આપતો નથી અને તેના જગતભરના અનુયાયીઓ એ પ્રમાણે વર્તે છે. જો એમ ન હોત તો ખ્રિસ્તી ધર્મના આગેવાન દેશોએ જેમાંના મોટા ભાગના વિકસિત દેશો છે, તેમણે દુનિયાની તમામ કોમોને પોતાના દેશોમાં મોટી સંખ્યામાં વસવા દીધી ન હોત. આજે હિન્દુ, મુસ્લિમો, બૌધ્ધો, શીખો, જૈનો વગેરે યુરોપ-અમેરિકામાં ઠરીઠામ થયા છે અને ઘણી પ્રગતિ કરી છે. હજી લાખો અને કરોડો લોકોને ત્યાં જવું છે. ત્યાંના અને ભારતનાં હિન્દુ મંદિરોમાં પણ કોઇ પરધર્મીને પ્રવેશવાની મનાઇ નથી. સિવાય કે કોઇ દકિયાનૂસ પૂજારી અમુક નિયમ લાગુ કરે. હિન્દુઓ એ પણ ચીવટપૂર્વક નકકી કરતાં નથી કે સાંઇબાબા હિન્દુ કે મુસ્લિમ? ધંધામાં લાભ થાય એટલે સોનાની ચાદર, વસ્ત્રો, મુગુટ ચડાવી આવે. તિરૂપતિ વગેરે મંદિરોનું પણ એવું જ. આ બાબત આધ્યાત્મિકતામાં સ્ખલન અથવા કમીરૂપ ગણાવું જોઇએ પણ એવી બાબતોને નાની ગણી લોકો જતું કરે છે.

ખ્રિસ્તી ધર્મના લોકો એમના નવા વટલાયેલા લોકોને મંદિરોમાં કે અન્ય ધર્મનાં પૂજાસ્થળોમાં નહીં જવાની શિક્ષા આપે છે તેનું કારણ એ કે રખેને તેઓ ફરીથી હિન્દુઓના સંગ અને સત્સંગમાં આવીને ઘર વાપસી કરી નાખે! તેઓ જયાં એક સમયે ભકિતભાવથી જતા હતા ત્યાં તેઓ ન જાય તે માટે તેઓએ હિન્દુ ધર્મ વિષે કેટકેટલું ઝેર એ નવા ખ્રિસ્તીઓનાં મનમાં ઠાલવ્યું હશે? તો સવાલ એ છે કે આ લઘુમતી ધર્મોના પ્રચારકો સમાજમાં વધુ વૈમનસ્ય પેદા કરે છે કે પછી ભાજપ સરકાર અને હિન્દુઓ પેદા કરે છે? તેઓએ બાળપણથી જ હિન્દુ ધર્મ, તેના દેવીદેવતા માટે બાળકોને અનાપશનાપ શીખવ્યું હોય છે. એ બાળકો મોટાં જઇને શું હિન્દુઓનો, અરે, એમના સગાં રહી ગયેલા હિન્દુઓનો આદર કરવાના? તેઓની સાથે નિખાલસતાથી હળવામળવાના ખરા કે?

હિન્દુઓ હવે ચિંતિત બન્યા છે એટલે તેઓનાં વલણ અને વર્તન બદલાયાં છે. તેઓને અનુભવ છે કે ભાઇચારાની ભ્રમણામાંથી જાગ્યા ત્યારે એમની માતૃભૂમિના ત્રણ ટુકડા થઇ ગયા હતા. આથી ખ્રિસ્તીઓથી પણ તેઓ ડરી ગયા છે. આ લખનાર માને છે કે ખ્રિસ્તી ધર્મના ફેલાવાથી એટલા ડરવાની જરૂર નથી કારણ કે કોઇ ખ્રિસ્તી દેશે પોતાને ત્યાં લઘુમતી હોય એવા લોકોને હાંકીને બહાર કાઢયા નથી કે ઘરઆંગણે ત્રાસવાદ ફેલાવ્યો નથી. પણ લિબરલોના વધુ પડતા, લિબરલિઝમના પ્રતાપે જગતભરમાં જમણેરી વિચારધારાને બળ મળી રહ્યું છે. લિબરલિઝમની પણ એક હદ હોવી જોઇએ. તેના નશામાંથી આવીને એક ધર્મની હિંસાને ‘ધર્માનુરાગ’ ગણાવવી અને બીજા ધર્મની નાનકડી હિંસાને ‘પરમ પાપ’ ગણાવવું એવી ડબલ ઢોલકની નીતિ લોકો સમજી ગયા છે.

ગયા ડિસેમ્બરમાં કર્ણાટકમાં ભાજપની બહુમતી ધરાવતી વિધાનસભાએ ‘કર્ણાટક પ્રોટેકશન ઓફ રાઇટ ટુ ફ્રીડમ ઓફ રિલિજિયન’નો કાનૂન પસાર કર્યો હતો છતાં ગવર્નર થાવરચંદ ગેહલોતે 17 માર્ચના રોજ તેના પર સહી કરી કાનૂન તરીકે નોટિફાય કર્યો કારણ કે વિધાનપરિષદમાં ભાજપની બહુમતી ન હતી તેથી પસાર થઇ શકયો ન હતો. હવે પછીના સેશનમાં આ કાનૂનને વિધાન પરિષદમાં પસાર થવા માટે મૂકવામાં આવશે. ત્યાં સુધીમાં કાઉન્સિલમાં ભાજપના અને મિત્ર પક્ષોના મેમ્બર ઓફ લેજિસ્લેટિવ કાઉન્સિલની સંખ્યા બહુમતીમાં ફેરવાશે.

જો કે આ કોઇ સાવ નવો કાનૂન નથી. અગાઉ ગુજરાત અને મધ્ય પ્રદેશ સહિત દેશનાં 8 રાજયોમાં આ સ્વરૂપના કાયદા ઘડાયા છે. કર્ણાટક નવમું રાજય બનશે. આ ધારો બનાવટ, ખોટી માહિતી, છળકપટ, ગેરરજૂઆત, યોગ્ય દબાણ, પ્રલોભન કે ઠગાઇ, છેતરપિંડી ગણી શકાય એવા હાથકંડાઓ અજમાવીને કરવામાં આવતા ધર્મપરિવર્તનને ગેરકાનૂની ઠરાવે છે. જેમ કે ડાંગના જંગલોમાં આદિવાસીઓને ખ્રિસ્તી ધર્મપ્રચારકો ભસ્મના રૂપમાં ક્રોસ સમક્ષ રાખી મૂકેલી સફેદ પેઇનકિલર ગોળીઓ, જેવી કે સેરિડોન, કાલ્પોલ, ડોલો વગેરે વાટીને તેનો પાવડર આપે અને બીજા કોઇ સમયે હિન્દુ દેવતા સમક્ષ રાખી મૂકેલી સાચી ભસ્મ આપે. ક્રોસ સમક્ષ રાખેલી વાટેલી ગોળીના પાવડર (ભસ્મ)થી આદિવાસીનો તાવ જતો રહે.

માથું અને શરીરની પીડા દૂર થાય પરંતુ હિન્દુ દેવતા સમક્ષ રાખેલી ભસ્મ (સાચી ભસ્મ)થી તે દૂર ન થાય. આ સ્વાભાવિક છે પણ મિશનરીઓ તેને આવી છેતરપિંડી દ્વારા ક્રાઇસ્ટ અને ક્રોસ કેટલા ચમત્કારી અને શકિતશાળી છે તે આદિવાસીના મનમાં ઘૂસાડે. આ માટે પણ તે ખોટી રીતે હિન્દુ દેવદેવતાની લીટી ટૂંકી કરે. આવી તો અનેક ઠગારી તરકીબો તેઓ વાપરે છે. શું આ રીતે નાગરિકોમાં પ્રેમ વધશે? ખરા ગુનેગારો તો એ લોકો જ છે જેઓ અધર્મયુકત યુકિતઓ વાપરીને ધર્મનો પ્રચાર કરે છે. આ છેતરપિંડીનાં કડવાં ફળ આજે નહીં તો એક દિવસ જરૂર આવશે.

જયારે દેશને તોડવા માટે અનેક તાકાતો કામે લાગેલી છે ત્યારે તેઓને નવું બળ પાડે એવી તાકાતોને વધુ વકરવા દેવાય નહીં. દેશના લગભગ તમામ લઘુમતી ધર્મોની તકલીફ એ છે કે જયારે એકને તકલીફ પડે ત્યારે ભારતની પ્રજાએ તેમને આપેલા આશરો, રક્ષણ, પ્રેમ વગેરે બધું ભૂલીને કોઇ બીજી કોમ સાથે જોડાઇ જાય છે અને સારાસારનો વિવેક જાળવવાની, વિવેકબુદ્ધિથી વિચારવાની પણ તેઓ તસ્દી લેતા નથી. બધા એવા હોતા નથી, પરંતુ બે – ચાર જણ તેઓની શાખ બગાડવા માટે પૂરતા નીવડે છે.

કર્ણાટક સરકારના નવા કાનૂન મુજબ જે લોકો ફોસલાવી, ડરાવી, છેતરાવી, પ્રલોભનોમાં ફસાવી ધર્માંતર કરાવશે તેને 3 થી 5 વરસની કેદ થશે. રૂપિયા 25 હજારનો દંડ, અને આવા જ પ્રપંચો વડે સગીર બાળકો, સ્ત્રીઓને અને શિડયુલ્ડ કાસ્ટ કે ટ્રાઇબના લોકોને વટલાવશે તેને 3થી 10 વરસની જેલની સજા અને 50 હજાર રૂપિયા સુધીનો દંડ થશે. જેમને વટલાવવામાં આવ્યા હોય તેમને 5 લાખ રૂપિયા સુધીનું વળતર વટલાવનારે ચૂકવવાનું રહેશે. માસ કન્વર્ઝન, સામૂહિક ધર્માંતરણ કરાવવાના ગુનામાં પણ 3 થી 10 વરસની કેદ અને રૂપિયા 1 લાખ સુધીનો ફાઇન ભરવો પડશે.

જેમને વટલાવવામાં આવ્યા હતા તેઓને વળતર ચૂકવવાની જોગવાઇ વડે છેતરી, ફોસલાવી અને વ્યકિતની નિષ્ઠા વગર એનું ધર્માંતરણ કરાવવાની પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ અંકુશ મુકાઇ જશે. આ જોગવાઇ એ દિશામાં ખૂબ અસરકારક પુરવાર થશે.
લગ્નજીવન બાંધવાના શુભાશય વગર માત્ર સામેની વ્યકિતનું ધર્માંતરણ કરવાના ઇરાદાથી જે લગ્ન થયા હોય, જેમાં લગ્ન અગાઉ પ્રેમજાળમાં ફસાવીને ધર્માંતર કરવા માટે મજબૂર કરવામાં આવે તેવા લગ્નને ફેમિલી કોર્ટ દ્વારા રદબાતલ (નલ એન્ડ વોઇડ) જાહેર કરવામાં આવશે. આ ગુનો ભલે પતિ કે પત્ની દ્વારા આચરવામાં આવ્યો હોય પણ તે ગુનાનું પોલીસ કે અન્ય લોકો કોર્ટ વગેરે સંજ્ઞાન લઇ શકે છે અને તેને બિનજામીનપાત્ર ઠરાવવામાં આવ્યો છે.

કાનૂનમાં એ બાબત પણ ફરજિયાત બનાવવામાં આવી છે કે જે વ્યકિત ધર્માંતર કરવા માગતી હોય તેણે એક નિયત ફોર્મેટમાં ડિસ્ટ્રિકટ અથવા એડિશનલ ડિસ્ટ્રિકટ મેજિસ્ટ્રેટ સમક્ષ 30 દિવસ અગાઉ એક આવેદન આપવું પડશે. જે વ્યકિત કોઇ અન્ય વ્યકિતનું ધર્માંતરણ કરાવવા માગતી હોય એ ધાર્મિક વડા કે પ્રચારકે (કન્વર્ટરે) પણ 30 દિવસ પૂર્વે એડવાન્સ નોટિસ સત્તાધારી મેજિસ્ટ્રેટને આપવાની રહેશે.

આ આવેદનો કે નોટિસ વ્યકિતના પોતાના રહેઠાણના જિલ્લા કે એડિશનલ મેજિસ્ટ્રેટ સમક્ષ આપવાના રહેશે. સ્વાભાવિકપણે જ કર્ણાટકના ખ્રિસ્તી અને મુસ્લિમ ધર્મગુરુઓઓએ હંમેશની માફક સંવિધાનની દુહાઇ આપીને નવા કાનૂનનો વિરોધ કર્યો છે અને તેને અમલમાં નહીં મૂકવા મુખ્ય પ્રધાન બસવરાજ બોમ્માઇને અપીલ કરી છે. માત્ર મુસ્લિમો અને ખ્રિસ્તીઓને જ આ કાનૂન સામે વાંધો છે. હજી તો તેઓ કેવા વાંધાઓ લેશે, કેવી રીતે પ્રતિકાર કરશે તે ભવિષ્ય જ કહેશે. પણ તેઓને જ વાંધો છે તે શું બતાવે છે? કોના ધંધાને આંચ આવવાની છે?

Most Popular

To Top