બેંગલુરુ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કેટલાક મુસ્લિમ મુસાફરો દ્વારા જાહેરમાં નમાઝ અદા કરવાના વીડિયો સામે આવતા રાજકીય વિવાદ સર્જાયો છે. આ ઘટનાને લઈને ભાજપે કોંગ્રેસ સરકાર અને મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સામે કડક નિવેદન આપ્યું છે. જ્યારે એરપોર્ટ સત્તાધિકારીઓ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિભાવ આપવામાં આવ્યો નથી.
મેળવેલી માહિતી અનુસાર બેંગલુરુ એરપોર્ટના ટર્મિનલ-2 (T2) વિસ્તારમાં કેટલાક મુસ્લિમ મુસાફરો મક્કા જવા માટે તૈયાર થઈ રહ્યા હતા. વિદાય પહેલાં તેમના પરિચિતોએ જાહેર વિસ્તારમાં નમાઝ અદા કરી. આ પ્રસંગનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રાજકીય માહોલ ગરમાયો છે.
વીડિયોમાં સુરક્ષા કર્મચારીઓ પણ નજીક ઊભા દેખાય છે પરંતુ તેમણે કોઈ દખલ કર્યો ન હતો. એરપોર્ટની અંદર મુસાફરો માટે અલગ પ્રાર્થના ખંડ (Prayer Room) ઉપલબ્ધ છે. તેમ છતાં નમાઝ જાહેર જગ્યાએ કરવામાં આવી હતી. જેને લઈને ચર્ચા શરૂ થઈ છે.
ભાજપનો વિરોધ
ભાજપના પ્રવક્તા વિજય પ્રસાદે આ મુદ્દે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને સરકારને નિશાન બનાવી હતી. તેમણે લખ્યું કે “ઉચ્ચ સુરક્ષાવાળા એરપોર્ટ વિસ્તારમાં આવી રીતે નમાઝ કરવાની મંજૂરી કેવી રીતે મળી? શું આ લોકો પાસે પૂર્વ મંજૂરી હતી? જ્યારે RSS અથવા હિંદુ સંગઠનો યોગ્ય મંજૂરી લઈને કાર્યક્રમ કરે છે ત્યારે સરકાર રોક લગાવે છે પરંતુ આવી પ્રવૃત્તિઓ સામે ચૂપ કેમ છે?”
વિજય પ્રસાદે આગળ જણાવ્યું કે “આ પ્રકારની ઘટના સુરક્ષા માટે ગંભીર ચિંતા ઊભી કરે છે. સરકારે તાત્કાલિક તપાસ કરવી જોઈએ કે આ મંજૂરી કોણે આપી અને નિયમોનું ઉલ્લંઘન તો થયું નથી ને?”
જાહેર નમાઝ પર વિવાદનું કારણ
જાહેર સ્થળોએ નમાઝ અંગેનો વિવાદ નવો નથી. ઘણા વખતથી રાજકીય પક્ષો વચ્ચે આ મુદ્દે મતભેદ જોવા મળે છે. એક તરફ કેટલાક લોકો તેને ધાર્મિક સ્વતંત્રતા તરીકે જુએ છે. જ્યારે વિરોધી પક્ષો તેને જાહેર વ્યવસ્થા અને સુરક્ષા માટે જોખમરૂપ ગણાવે છે.
હાલ પોલીસ અને એરપોર્ટ સત્તાધિકારીઓ આ ઘટનાની આંતરિક તપાસ કરી રહ્યા છે. જ્યારે રાજકીય સ્તરે આ મુદ્દે ચર્ચા ચાલુ છે.