Editorial

ડોકટરોની દેશમાં ખોટ છતાં મેડિકલની સીટો વસતી પ્રમાણે મર્યાદિત રાખવા NMCના નિર્ણયથી વિવાદ

એક તરફ ગુજરાતમાં મેડિકલમાં પ્રવેશ માટેના ઈચ્છુક વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો વધારો થઈ રહ્યો છે અને બીજી તરફ ગુજરાતને હવે નવી મેડિકલ કોલેજ નહીં મળે તેવી સ્થિતિ ઊભી થવા પામી છે. તાજેતરમાં નેશનલ મેડિકલ કમિશનના અંડર ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન બોર્ડની મળેલી બેઠકમાં એવો નિર્ણય લેવામં આવ્યો હતો કે એમએસઆર માર્ગદર્શિકા પ્રમાણે દર 10 હજારની વસતીએ મેડિકલની એક બેઠક હોવી જોઈએ.

આ ન્યાયે ગુજરાતમાં જેટલી બેઠક હોવી જોઈએ તેના કરતાં વધારે છે અને તેના કારણે હવે નવી મેડિકલ બેઠક અને મેડિકલ કોલેજ મળવાની સંભાવના ધુંધળી બની ગઈ છે.હકીકતમાં ભારત દેશમાં વસતીના પ્રમાણમાં ડોકટરોની જે જરૂરીયાત છે તે પ્રમાણે ડોકટરો જ નથી. ડબલ્યુએચઓના સ્ટાન્ડર્ડ પ્રમાણે દર 10000 વ્યક્તિએ 1 ડોકટર અને 3 નર્સ અથવા તો 1 ડોકટર અને 2 નર્સ અને એક ઓક્ઝિલરી નર્સ હોવા જોઈએ. આ પ્રમાણે દર 10000 વ્યક્તિએ 10 ડોકટર હોવા જોઈએ. એટલે કે દર 1000 વ્યક્તિએ 1 ડોકટર હોવો જોઈએ.

ભારત પહેલેથી જ ડોકટરોની અછત ભોગવી રહ્યું છે. જ્યારે ભારતમાં ડોકટરોની અછત જ છે ત્યારે કઈ રીતે નેશનલ મેડિકલ કાઉન્સિલ દ્વારા આ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી તે મોટો પ્રશ્ન છે. હાલમાં ગુજરાતમાં સરકાર અને ખાનગી મેડિકલ કોલેજ મળીને 39 કોલેજમાં 6850 જેટલી એમબીબીએસની બેઠકો છે. જ્યારે એઈમ્સ અને સુમનદીપ વિદ્યાપીઠ મળીને વધુ 200 બેઠક છે. એટલે ગુજરાતમાં એમબીબીએસની 7000 બેઠકો છે. જ્યારે આ માર્ગદર્શિકા પ્રમાણે જોવામાં આવે તો ગુજરાતમાં સાત કરોડની વસતી પ્રમાણે મેડિકલ બેઠકોનો ક્વોટા પુરો થઈ ગયો ગણાય.

આ સંજોગોમાં સરકાર દ્વારા હાલમાં જ જાહેર કરવામાં આવેલી વેરાવળ, ખંભાળીયા અને બોટાદની બ્રાઉનફિલ્ડ મેડિકલ કોલેજ શરૂ થશે કે કેમ તે બાબતે અનિશ્ચિતતા સર્જાઈ જવા પામી છે.  જો દેશના અન્ય રાજ્યોની સાથે સરખામણી કરવામાં આવે તો મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક અને રાજસ્થાનની સરખામણીમાં ગુજરાતમાં મેડિકલ બેઠકો ઓછી છે. આ જ કારણે સરકારે ગુજરાતમાં પ્રત્યેક જિલ્લામાં એક મેડિકલ કોલેજ સ્થાપવાનો નિર્ણય કર્યો હતો.

મેડિકલમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓમાં હાલમાં ભારે આકર્ષણ છે. એક વખત પ્રવેશ નહીં મળે તો બીજી વખત આ વિદ્યાર્થીઓ દ્વારા નીટની પરીક્ષા આપીને ફરી પ્રયાસો કરવામાં આવે છે. રિપીટરોની સંખ્યા વધી રહી હોવાથી વિદ્યાર્થીઓની સંખ્યા પણ વધી રહી છે. ગુજરાતમાં આ વખતે પણ એમબીબીએસમાં પ્રવેશ માટે 21 હજારથી વધુ વિદ્યાર્થીઓ દ્વારા રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું.

વિદ્યાર્થીઓની સંખ્યા જ બતાવી રહી છે કે ગુજરાતમાં એમબીબીએસની કેટલી બેઠકોની જરૂરીયાત છે. અન્ય રાજ્યોમાં ઓછી વસતી હોવા છતાં પણ પહેલેથી જ મેડિકલ માટેની બેઠકો વધારે છે. ખરેખર નેશનલ મેડિકલ કાઉન્સિલે આ મર્યાદાની માર્ગદર્શિકા આપતા પહેલા તમામ રાજ્યોની એમબીબીએસની બેઠકો અને જે તે રાજ્યોની વસતીનો પૂરતો અભ્યાસ કરવો જોતો હતો પરંતુ તેમ કરવામાં આવ્યું નથી.

દેશમાં આજે પણ ડોકટરોની ભારે જરૂરીયાત છે. આ કારણે જ તાજેતરમાં પીજી મેડિકલમાં અભ્યાસ માટેનું કટઓફ પણ ઝીરો પર્સેન્ટાઈલ કરવામાં આવ્યું હતું. એનએમસીએ મેડિકલની બેઠકો વધારવાની સાથે તેટલા જ પ્રમાણમાં પીજી મેડિકલની બેઠકો પણ વધારવાવી જોઈએ કે જેથી માત્ર ડોકટર જ નહીં પરંતુ સ્પેશિયાલિસ્ટ ડોકટરો પણ દેશને મળી શકે. દેશમાં હાલમાં એવી સ્થિતિ છે કે ડોકટરોના અભાવે બોગસ ડોકટરો લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં તો ડોકટરો મળતાં જ નથી. એનએમસી ડોકટરોની સીટ મર્યાદિત કરવાને બદલે જો આ બાબતે ધ્યાન આપે તો ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકોને મોટો ફાયદો થશે. વિદેશમાં રહેતા ભારતીયો પણ તબીબી સારવાર માટે ભારત જ આવે છે.

ભારતમાં તબીબી સારવાર સારી થવાની સાથે સસ્તી હોવાથી મેડિકલ ટુરિઝમનો પણ ભારતમાં વિકાસ થઈ રહ્યો છે. મેડિકલ ટુરિઝમ ભારત માટે અનેકરીતે ફાયદાકારક થઈ શકે તેમ છે. જે રીતે વસતી વધી રહી છે તે પ્રમાણે મેડિકલની બેઠકોમાં પણ વધારો કરવો જરૂરી જ છે. જોકે, એનએમસી દ્વારા આ તમામ બાબતોને નજરઅંદાઝ કરી દેવામાં આવ્યા છે. એનએમસીના આ નિર્ણય સામે આગામી દિવસોમાં આખા દેશમાં વિરોધ ઉઠે તેવી સંભાવના છે ત્યારે તે પહેલા જ એનએમસી આ માર્ગદર્શિકા પરત લઈ લે તે જરૂરી છે.

Most Popular

To Top