ફિલ્મ ધુરંધર 2 બોક્સ ઓફિસ પર ધમાકેદાર દેખાવ કરી રહી છે, પરંતુ તેની સાથે જ એક વિવાદમાં પણ ફસાઇ ગઈ છે. શીખ સમુદાયના અપમાનના આક્ષેપો આ ફિલ્મના એક સીનને લઇને ઉઠ્યા છે, જેમાં અભિનેતા આર. માધવનનું પાત્ર ગુરુ ગોવિંદ સિંહ જીની દશમ ગ્રંથની પવિત્ર પંક્તિઓ બોલે છે. સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવ્યો હતો કે માધવન આ પંક્તિઓ સિગરેટ પીતા-પીતા ઉચ્ચારી રહ્યા હતા, જેના કારણે શીખ સમુદાયમાં ભારે રોષ થયો અને ફિલ્મ મેકર્સ પર ધાર્મિક અપમાનના આક્ષેપ ઉઠ્યા. વિવાદ વધતા, માધવને સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરી સ્પષ્ટતા આપી અને માફી માગી. તે કહ્યું, “ફિલ્મને મળી રહેલા પ્રેમ માટે આભાર, પરંતુ મને ખબર પડી કે એક સીનને લઈને ખોટી સમજ ઉભી થઈ છે. હું સ્પષ્ટતા કરવા માંગુ છું કે પવિત્ર પંક્તિઓ બોલતા પહેલા જ મેં સિગરેટ બુઝાવી દીધી હતી.”
માધવને વિગતવાર સમજાવ્યો કે, નિર્દેશક આદિત્ય ધરે પહેલેથી જ સૂચના આપી હતી કે પવિત્ર લાઈનો બોલતી વખતે મોઢામાંથી ધુમાડો ન નીકળવો જોઈએ અને હાથમાં સિગરેટ ન હોવી જોઈએ. સીનની શરૂઆતમાં પાત્રના હાથમાં સિગરેટ હતી કારણ કે પાત્ર સ્મોકિંગ કરે છે, પરંતુ પંક્તિઓ શરૂ થવાના પહેલા જ સિગરેટ બુઝાવી દેવામાં આવી હતી. માધવને ઉમેર્યું, “દર્શકો ધ્યાનથી જોશે તો ખ્યાલ આવશે કે તે આખા સીન દરમિયાન ક્યાંય ધુમાડો કે સિગરેટ દેખાતી નથી.” અંતે માધવનએ શીખ સમુદાય પ્રત્યે ભાવ વ્યક્ત કરતા કહ્યું, “હું જાતે શીખ સમુદાયનો ખૂબ આદર કરું છું અને દરેક ફિલ્મની રિલીઝ પહેલા અમૃતસરના ગોલ્ડન ટેમ્પલ ખાતે માથું ટેકવા જાઉં છું. અમારો ઈરાદો કોઈની લાગણી દુભાવવાનો ક્યારેય નહોતો. જો જાણે-અજાણે કોઈનું દિલ દુભાયું હોય તો અમે દિલથી માફી માંગીએ છીએ.” ફિલ્મ ધુરંધર 2: ધ રિવેન્જમાં રણવીર સિંહ મુખ્ય ભૂમિકામાં છે, જ્યારે આર. માધવન, સંજય દત્ત, અર્જુન રામપાલ અને સારા અર્જુન જેવા કલાકારો પણ મહત્વપૂર્ણ રોલ ભજવે છે. હાલ આ ફિલ્મ તેના એક્શન સીન અને સ્ટાર કાસ્ટને કારણે ચર્ચામાં છે, અને હવે જોવું રહ્યું કે વિવાદ તેની બોક્સ ઓફિસ પર કેવી અસર કરે છે.