SURAT

સુરત કોંગ્રેસમાં વિવાદ, કોંગ્રેસના નેતાઓનો વિવાદ પોલીસમાં પોહ્ચ્યો

સુરત શહેરમાં રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવતો એક ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ ઋષિન રાયકા વિરુદ્ધ ઉમરા પોલીસ મથકમાં 1.95 કરોડ રૂપિયાની વ્યાજખોરી અને બળજબરીપૂર્વક મિલકત પડાવી લેવાની ફરિયાદ નોંધાઈ, આ ફરિયાદ કોંગ્રેસના જ પૂર્વ કાર્યકારી પ્રમુખ અને શેરબજારના વેપારી દીપ નાયક દ્વારા કરવામાં આવી છે.

ફરિયાદ મુજબ, સપ્ટેમ્બર 2018થી માર્ચ 2019 દરમિયાન દીપ નાયકને જમીન પરના સરકારી રિઝર્વેશનને કારણે નાણાકીય જરૂરિયાત ઊભી થઈ હતી. તે સમયે ઋષિન રાયકાએ લાયસન્સ વગર ટુકડે-ટુકડે કુલ 1.05 કરોડ રૂપિયા 6 ટકાના માસિક વ્યાજે આપ્યા હતા. ત્યારબાદ દીપ નાયકે મૂડી અને વ્યાજ મળીને કુલ 1.27 કરોડ રૂપિયા પરત ચૂકવી દીધા હતા. છતાં પણ ફરિયાદમાં આરોપ મૂકાયો છે કે રાયકાએ હજુ વધુ 1.95 કરોડથી વધુની રકમ વ્યાજ તરીકે માંગવાની શરૂઆત કરી અને સતત દબાણ બનાવ્યું. આ સમગ્ર વ્યવહારમાં સિક્યુરિટી તરીકે રાયકાએ દીપ નાયક પાસેથી છ ચેક અને તેમની પત્ની પાસેથી એક કોરો ચેક સહી કરાવી લીધો હતો.

ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે આ ચેકનો દુરુપયોગ કરીને રાયકાએ દીપ નાયક અને તેમની પત્ની વિરુદ્ધ કોર્ટમાં કુલ 1.95 કરોડથી વધુના ચેક બાઉન્સના કેસો દાખલ કર્યા હતા. સાથે જ તેમને પોલીસ કેસમાં ફસાવી જેલમાં મોકલવાની ધમકીઓ પણ આપવામાં આવી હતી, જેના કારણે માનસિક અને આર્થિક દબાણ ઊભું થયું હતું. આ ઉપરાંત, ડિંડોલી કરાડવા વિસ્તારમાં આવેલી જમીન પરથી સરકારી રિઝર્વેશન દૂર કરાવી આપવા માટે રાયકાએ 40 લાખ રૂપિયા લીધા હોવાનો પણ આરોપ છે. જોકે બાદમાં જાણવા મળ્યું કે રિઝર્વેશન સરકારી નિયમ મુજબ દૂર થયું હતું, તેમાં રાયકાનો કોઈ ભાગ નહોતો.

ફરિયાદમાં એક વધુ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે જાન્યુઆરી 2023માં રાયકાએ પોતાની અસરનો ઉપયોગ કરીને સુંદરમ એપાર્ટમેન્ટમાં આવેલો એક લક્ઝુરિયસ ફ્લેટ, જેની બજાર કિંમત 90 લાખથી વધુ હતી, તેને માત્ર 8 લાખ રૂપિયામાં બળજબરીપૂર્વક પોતાના નામે લખાવી લીધો હતો. હાલમાં પોલીસ દ્વારા સમગ્ર મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે. આ કેસ સામે આવતા રાજકીય અને સામાજિક ક્ષેત્રોમાં ભારે હલચલ મચી છે અને આગળના દિવસોમાં વધુ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Most Popular

To Top