Gujarat

વાવાઝોડામાં મુંદ્રા પોર્ટ પર કન્ટેનરો ઉડ્યા

ગાંધીનગર : ગુજરાતના વાતાવરણમાં અચાનક આવેલા પલટાએ સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવ્યો છે. ભરઉનાળે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત અનેક વિસ્તારોમાં ગાજવીજ, કરા અને તેજ પવન સાથે કમોસમી વરસાદ વરસતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે, જ્યારે ખેડૂતો માટે આ પરિસ્થિતિ પડતા પર પાટું સમાન સાબિત થઈ રહી છે.રાજયમાં આજે વાવાઝોડા સાથે સરેરાશ 36 તાલુકાઓમાં માવઠું થયુ છે. ખાસ કરીને રાજકોટ અને જુનાગઢના ભેંસાણ તાલુકામાં 1.38 ઈંચ જેટલો વરસાદ થયો છે. અમરેલીના બગસરામાં 22 મીમી , રાજકોટના ધોરાજીમાં 20 મીમી, દ્વારકાના ઓખામંડળના 20 મીમી , ઉપલેટામાં 17 મીમી , લોધીકામાં 16 મીમી , મુંદ્રા 16 મીમી , લાલપુરમાં 16 મીમી કોટડા સાંગાણીમાં 12 મીમી ભૂજમાં 11 મીમી ચોટીલામાં 10 મીમી અને જેતપુરમાં 10 મીમીનો સમાવેશ થાય છે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ નલિયામાં લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ સુધી નીચે ઉતર્યું હતું, જ્યારે રાજકોટમાં 37 ડિગ્રી સાથે મહત્તમ તાપમાન નોંધાયું હતું. રાજ્યના અન્ય શહેરોમાં પણ ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે. આગામી 24 કલાકમાં તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો અને ત્યારબાદ ફરી 3-5 ડિગ્રીનો વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

વાવાઝોડા જેવી સ્થિતિ, પોર્ટ પર અફરાતફરી

કચ્છ જિલ્લાના મુંદ્રા પોર્ટ પર ભારે પવનના કારણે મહાકાય કન્ટેનરો રમકડાંની જેમ હવામાં ઉડીને વેરવિખેર થઈ ગયા હતા. CT-3 ટર્મિનલ પર લંગરાયેલું વિશાળ જહાજ પણ દોરા તૂટી જતાં દરિયામાં ખસી ગયું. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોર્ટ વિસ્તારમાં વાહન વ્યવહાર તાત્કાલિક બંધ કરવામાં આવ્યો હતો.

સૌરાષ્ટ્રમાં કરા સાથે વરસાદ, નુકસાનની ભીતિ

રાજકોટ, મોરબી, બોટાદ, જુનાગઢ, અમરેલી, દ્વારકા અને પોરબંદર સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ અને કેટલાક સ્થળોએ કરા પડ્યા હતા. રાજકોટમાં લગભગ એક ઇંચ વરસાદ નોંધાતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા. ગોંડલ અને ઉપલેટા સહિતના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો.

ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ધૂળની આંધી

સાબરકાંઠાના હિંમતનગરમાં ભારે પવનના કારણે ધૂળની ડમરીઓ ઉડી હતી અને દુકાનોના બોર્ડ તથા મંડપો ઉડી ગયા હતા. પાટણ અને બનાસકાંઠામાં પણ મોડી રાત્રે માવઠું પડતાં વીજળી ગુલ થવાના બનાવો બન્યા હતા. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વહેલી સવારે ધૂળભર્યા પવનથી વિઝિબિલિટી ઘટી ગઈ હતી.

પાવાગઢમાં રોપ-વે સેવા બંધ, ખેતી પર સંકટ

પંચમહાલ જિલ્લાના પાવાગઢ ડુંગર પર ભારે પવન અને ધુમ્મસને કારણે સુરક્ષાના ભાગરૂપે રોપ-વે સેવા તાત્કાલિક બંધ કરવી પડી હતી, જેના કારણે યાત્રિકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.

કમોસમી વરસાદ અને કરાને કારણે ઘઉં, જીરું, ચણા, તુવેર, એરંડા તેમજ કેરી સહિતના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખાસ કરીને મોરબી અને કચ્છમાં મીઠાના અગરોને પણ ભારે નુકસાન થયું છે.

એલર્ટ જાહેર, આગામી 48 કલાક મહત્વના

હવામાન વિભાગે 20 માર્ચ માટે કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે. 50થી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ગાજવીજ અને વરસાદની શક્યતા છે. પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ભારે વરસાદની પણ આગાહી છે. 21 માર્ચે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા યથાવત છે.આ પરિસ્થિતિ પાછળ પશ્ચિમ રાજસ્થાન ઉપરનું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને ઉત્તર પાકિસ્તાન નજીક સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જવાબદાર હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે.

Most Popular

To Top