સુરત: એક બાજુ સુરત મનપા (SMC) કમિશનર શાલીની અગ્રવાલ આખા શહેરમાં કન્સ્ટ્રક્શન વેસ્ટનો (Construction waste) નિકાલ કરવા મોટા પાયે ઝુંબેશ ચલાવી રહ્યા હોવાનો દાવો કરી રહ્યા છે. ત્યારે મહાનગર પાલિકાની મુખ્ય કચેરીમાં જ કચરા (Garbage) અને ડિમોલિશન વેસ્ટના ઢગલા સાથે ભંગાર પડ્યું હોવાનું મેયર હેમાલીબહેન બોઘાવાલાના આકસ્મિક રાઉન્ડ દરમિયાન બહાર આવતાં મેયરે હાઉસિંગ વિભાગને આડે હાથ લીધો હતો. તેમજ કચરો ત્વરિત નિકાલ કરવા તાકીદ કરી હતી.
વિસ્તૃત વિગતો મુજબ મનપા કમિશનર શાલિની અગ્રવાલ સ્વચ્છતા અભિયાન હેઠળ શહેરની સફાઈ પર ભાર મૂકી રહ્યાં છે અને જાતે જ ફિલ્ડમાં જઈ વિવિધ સાઈડની વિઝિટ કરવા સાથે સ્વચ્છતાની કામગીરી વધુ સઘન બને એ માટે સૂચના આપી રહ્યા છે. ત્યારે કમિશનર પોતે જ્યાં બેસે છે તે બિલ્ડિંગની જ સ્વચ્છતા કરાવી શક્યાં નથી. આથી દીવા તળે અંધારા જેવો ઘાટ થઇ રહ્યો છે. સોમવારે મેયરે મનપાના મુખ્યાલયનો આકસ્મિક રાઉન્ડ લીધો હતો, ત્યારે એકાઉન્ટ વિભાગની કચેરીની આસપાસ વિવિધ કચેરીઓમાં કરેલી મરામતની કામગીરીમાં નીકળેલો ડિમોલિશન વેસ્ટ પડેલો હતો. તૂટેલી ખુરશી અને અન્ય ફર્નિચરનો ભંગાર વગેરે દિવસોથી પડી રહ્યા હોવાનું બહાર આવ્યું હતું. આ સફાઈની કામગીરી હાઉસિંગ વિભાગે કરવાની હોય છે, પરંતુ હાઉસિંગ વિભાગ દ્વારા આ કામગીરી કરવામાં આવી ન હોવાથી મેયરે વિભાગનો ઉધડો લીધો હતો અને એક અઠવાડિયામાં આ ગંદકી દૂર કરવા માટે સૂચના આપી હતી.
ગુજરાત વિદ્યાપીઠ પરિસરમાં અત્યાર સુધીમાંથી 40 ટ્રક કચરો કઢાયો
અમદાવાદ : ગુજરાત વિદ્યાપીઠ પરિસરમાં ચાલી રહેલા સ્વચ્છતા અભિયાનમાં અમદાવાદ મનપા દ્વારા અત્યાર સુધીમાં 40 ટ્રક ભરીને કચરો-ભંગાર કાઢવામાં આવ્યો છે. ચાર જેસીબી, ડમ્પર તથા ટેન્કર સાથે 40 જેટલા સફાઈકર્મીઓ સ્વચ્છતા અભિયાનમાં લાગ્યા છે. વિદ્યાપીઠના આદિવાસી સંશોધન કેન્દ્રના મ્યુઝિયમ સંકુલમાં મોટા પાયે સફાઈ કરી હતી. દીવાલો પરથી બાવા-ઝાળાં પાડ્યા હતા. પ્લાસ્ટિકની બોટલો, શીશી જેવો કુડો-કચરો વીણ્યો હતો.
રાજ્યપાલ અને કુલપતિ આચાર્ય દેવવ્રતએ આજે ગુજરાત વિદ્યાપીઠ જઈને સ્વચ્છતા અભિયાનમાં શ્રમદાન કરીને અમદાવાદ મનપાના સફાઈકર્મીઓને પ્રોત્સાહિત કર્યા હતા. રાજ્યપાલ અને કુલપતિ આચાર્ય દેવવ્રતે કહ્યું હતું કે, સ્વચ્છતા માટે ઈચ્છાશક્તિ જોઈએ. જે પરિસરમાં 1400 જેટલા લોકો રહેતા હોય-ભણતા હોય એ પરિસરમાં આટલી ગંદકી હોઈ જ કેવી રીતે શકે ? તેમણે વિદ્યાર્થીઓને દરરોજ નિયમીત શ્રમદાન કરવા આહવાન કર્યું છે.
અમદાવાદ મનપા દ્વારા આજ સુધીમાં 40 ટ્રક ભરીને કુડો-કચરો કાઢવામાં આવ્યો છે. વિદ્યાપીઠનું રમતગમતનું મેદાન સાફ કરીને તેને સમતળ કરવા ચાર ટ્રક ભરીને માટી પાથરવામાં આવી છે. ચાર જેસીબી, ટ્રેક્ટર પાવડી અને વોટર ટેન્કર સહિત 40 જેટલા સફાઈકર્મીઓ મોટા પાયે સફાઈ કરી રહ્યા છે. દેવવ્રતએ બે દિવસ પહેલાં જ્યાંથી કચરો ઉપાડ્યો હતો, તે જગ્યાએ આજે તેમણે કોબીજ, રીંગણા, મરચાં, ટમેટા અને ડુંગળીના ધરુ વાવ્યા હતા.
આચાર્ય દેવવ્રતએ 20 મી ઓક્ટોબરે ગુજરાત વિદ્યાપીઠનું કુલપતિપદ સંભાળ્યું છે ત્યારથી આજ સુધીમાં તેમણે આઠથી નવ વખત ગુજરાત વિદ્યાપીઠની રૂબરૂ મુલાકાત લીધી છે. વર્ષ-1920માં પૂજ્ય મહાત્મા ગાંધીજીએ જે આદર્શ વિચારધારા સાથે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી છે તે આદર્શો અત્યારે ગુજરાત વિદ્યાપીઠ પરિસરમાં ક્યાંય દેખાતા નથી. પોતાની જાતને ‘ગાંધીયન’ ગણાવતા લોકોના વ્યવહારિક જીવન જોઈએ તો અત્યંત દુઃખ અને વ્યથા થાય છે.
આચાર્ય દેવવ્રતએ કહ્યું હતું કે, ગુજરાત વિદ્યાપીઠને ગાંધીજીના આદર્શો અનુસાર બનાવવાના આ ઈમાનદાર પ્રયત્ન અને કર્તવ્યનિષ્ઠાથી જરૂર સફળતા મળશે. ગાંધીજીના વિચારો ઋષિ વિચારો છે, જેમાં ભારતીય જીવનમૂલ્યો છે. ગાંધીજીના વિચારો સત્યના વિચારો છે, જે હંમેશા અમર રહેશે.