કોંગ્રેસની સ્થિતિ દયનીય છે. બે રાજ્યોમાં માત્ર સત્તા છે અને ત્યાંય સમસ્યાનો પહાડ છે. કર્ણાટકમાં છેલ્લા થોડા સમયથી મુખ્યમંત્રીપદ માટે હુંસાતુંસી ચાલી રહી છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયા ખુરશી છોડવા તૈયાર નથી અને ડી. કે. શિવકુમારને મુખ્યમંત્રી બનવું છે. આ બે નેતા વચ્ચેનો સંઘર્ષ કોંગ્રેસના દિલ્હી દરબારમાં પહોંચ્યો છે પણ એને ઉકેલવામાં યુવરાજ રાહુલબાબા સફળ રહ્યા નથી. અરે! સિદ્ધારમૈયા એમને મળવા આવ્યા તો એ મળ્યા નથી. કોંગ્રેસની આ જ નીતિ રીતિ એને ડુબાડી રહી છે.
આમ તો એવું નક્કી થયેલું કે, સિદ્ધારમૈયા અને ડી. કે. શિવકુમાર વચ્ચે મુખ્યમંત્રીપદ અઢી અઢી વર્ષ રહેશે પણ અઢી વર્ષ થયા બાદ સિધ્ધાએ કહ્યું કે, એ પૂરાં પાંચ વર્ષ મુખ્યમંત્રી રહેશે. અઢી વર્ષ મુદે્ કોઈ ડિલ થઇ નથી. તેમણે એમ પણ ઘણી વખત કહ્યું છે કે મુખ્યમંત્રીપદ ખાલી નથી અને ડી.કે. શિવકુમાર પોતે પણ આ વાત સાથે સહમત છે. નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારની મુખ્યમંત્રી બનવાની મહત્ત્વાકાંક્ષા જગજાહેર છે. તેમનાં સમર્થકો સમયાંતરે તેમને મુખ્યમંત્રી બનાવવાની માંગ કરતા રહે છે. કેટલાક ધારાસભ્યોનો દાવો છે કે ડી.કે. શિવકુમારને 138 ધારાસભ્યોનો ટેકો છે.
આ સ્થિતિમાં કોંગ્રેસ મોવડીમંડળ શું કરે છે? કોંગ્રેસ હાઈકમાન્ડ આ આંતરિક સંઘર્ષને ટાળવાનો પ્રયાસ કરી રહ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આવા મામલાઓ પર હાઈકમાન્ડ નિર્ણય લેશે અને કોઈએ બિનજરૂરી સમસ્યાઓ ઊભી ન કરવી જોઈએ તેમ જણાવ્યું તો ખરું. દિલ્હીથી એક પ્રતિનિધિ કર્ણાટક પણ ગયા એ બધું બરાબર છે એવી જાહેરાતથી પણ એવું છે નહિ. ભાજપ માટે આ તક છે.
ભાજપ દ્વારા આ આંતરિક સંઘર્ષ પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે. ભાજપે આરોપ લગાવ્યો છે કે સિદ્ધારમૈયા અને ડી.કે. શિવકુમાર ધારાસભ્યોને પોતાના પક્ષમાં લેવા માટે હોર્સ ટ્રેડિંગમાં સામેલ છે. બીજી બાજુ સિદ્ધારમૈયા અને ડી.કે. શિવકુમાર બંને રાહુલ ગાંધીને મળવા માંગતા હતા પરંતુ રાહુલ ગાંધીએ તેમને મળવાનું ટાળ્યું. આનું કારણ એવું આપવામાં આવ્યું છે કે રાહુલ ગાંધી આ સમયે કર્ણાટકમાં ચાલી રહેલા નેતૃત્વ પરિવર્તનની અટકળોને વેગ આપવા માંગતા ન હતા. જો તેઓ બંને નેતાઓને મળ્યા હોત તો તેનાથી પક્ષમાં વધુ મૂંઝવણ અને અટકળો વધી શકતી હતી. પણ આ તો સમસ્યાથી મોં છુપાવવા જેવી વાત થઇ અને આ કારણે જ કોંગ્રેસને ભૂતકાળમાં નુકસાન થયું છે.
કર્ણાટકની વાત કરીએ તો આ કારણે નુકસાન શું થઇ રહ્યું છે? આ કારણે પ્રશાસન પર નેતાઓની પકડ ઢીલી પડી શકે છે, કારણ કે અધિકારીઓ પણ ગૂંચવણમાં મુકાઈ શકે છે કે કોની વાતને પ્રાધાન્ય આપવું અને વારંવાર આંતરિક વિવાદો સપાટી પર આવવાથી પક્ષની છબી ખરડાય છે. તે દર્શાવે છે કે પક્ષ એકજૂથ નથી અને નેતાઓ અંગત મહત્ત્વાકાંક્ષાઓને પ્રાધાન્ય આપે છે. મતદારોમાં પક્ષ પ્રત્યેનો વિશ્વાસ ઘટી શકે છે. તેઓ વિચારી શકે છે કે જો પક્ષ પોતાના આંતરિક મુદ્દાઓ ઉકેલી શકતો નથી, તો તે રાજ્યનું સંચાલન કેવી રીતે કરશે? આનાથી આવનારી ચૂંટણીઓમાં (જેમ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ, લોકસભા ચૂંટણી અથવા આગામી વિધાનસભા ચૂંટણી) પક્ષના પ્રદર્શન પર નકારાત્મક અસર પડી શકે છે.
બીજી બાજુ, ભાજપ જેવા વિરોધ પક્ષોને કોંગ્રેસના આ આંતરિક સંઘર્ષને મુદ્દો બનાવવાની તક મળે છે. તેઓ કોંગ્રેસની સરકારને અસ્થિર અને નેતૃત્વવિહીન દર્શાવવાનો પ્રયાસ કરશે. ભાજપને પોતાનો જનાધાર મજબૂત કરવાની અને કોંગ્રેસવિરોધી માહોલ બનાવવાની તક મળશે. કોંગ્રેસમાં પણ સ્પષ્ટ નેતૃત્વ અને દિશાના અભાવે ધારાસભ્યો અને સામાન્ય કાર્યકરોમાં હતાશા ફેલાઈ શકે છે. પરિણામે ભવિષ્યમાં કોંગ્રેસે નુકસાન વેઠવું પડશે.
કાશ્મીરને રાજ્યનો દરજ્જો ક્યારે મળશે?
જમ્મુ કાશ્મીરમાં પહેલગામ ઘટના બાદ પાટે ચઢેલી ગાડી નીચે ઊતરી ગઈ છે. ક. ૩૭૦ હટાવ્યા બાદ બહુ ઝડપથી આ રાજ્યને રાજ્યનો દરજ્જો મળશે એવું કેન્દ્ર સરકારે વારેવારે કહ્યું છે પણ ક્યારે એનો ફોડ પાડ્યો નથી. ઓમર અબ્દુલ્લાની સરકાર અહીં રચાઈ છે પણ રાજ્યનો દરજ્જો ના મળેલો હોવાથી આ દાંત વિનાની સરકાર બની છે. મોટા ભાગની સત્તા કેન્દ્ર પાસે છે અને હમણાં જ ઓમરને નજરકેદ કરવામાં આવ્યા અને એમની સાથે જે વ્યવહાર થયો એ ક્ષોભજનક છે. કેન્દ્ર સરકારે, ખાસ કરીને ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં ઘણી વખત કહ્યું છે કે જમ્મુ-કાશ્મીરને યોગ્ય સમયે રાજ્યનો દરજ્જો પાછો આપવામાં આવશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જાહેર સભાઓમાં આ વાતનું પુનરાવર્તન કર્યું છે. પણ કેન્દ્ર કહ્યું કરતી નથી. શક્ય એટલી વહેલી તકે…એવા શબ્દોથી આ વાત ટાળવામાં આવે છે અને હવે સંસદનું ચોમાસું સત્ર મળવાનું છે ત્યારે આ મુદો્ ઊઠવાનો છે. રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સહિત કોંગ્રેસના નેતાઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને સંસદના ચોમાસુ સત્રમાં જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા માટે કાયદો લાવવાની માંગ કરી છે. નેશનલ કોન્ફરન્સ અને અન્ય પ્રાદેશિક પક્ષો પણ રાજ્યના દરજ્જાની પુનઃસ્થાપના માટે દબાણ કરી રહ્યા છે અને તેમને આશા છે કે ચોમાસુ સત્રમાં આ અંગે બિલ આવી શકે છે. ઓમર સરકારે પૂર્ણ રાજ્યના દરજ્જાનો પ્રસ્તાવ પણ પસાર કર્યો છે, જેને ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ મંજૂરી આપી છે.
સવાલ એ છે કે, કેન્દ્ર વિલંબ કેમ કરે છે? કેન્દ્ર સરકારનો દાવો છે કે જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિ હજુ સંપૂર્ણપણે સામાન્ય થઈ નથી. આતંકવાદ અને ઘૂસણખોરીનાં જોખમોને ધ્યાનમાં રાખીને, સરકાર માને છે કે પૂર્ણ રાજ્યનો દરજ્જો આપતાં પહેલાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવી જરૂરી છે. પણ ચૂંટાયેલી સરકારનો કોઈ મતલબ રહેતો નથી જ્યાં સુધી રાજ્યનો દરજ્જો ના મળે. કારણ કે આ સરકાર પાસે મર્યાદિત સત્તાઓ છે. જમીન, કાયદો અને વ્યવસ્થા અને પોલીસ જેવા મુખ્ય વિષયો સામાન્ય રીતે કેન્દ્ર સરકાર અથવા કેન્દ્ર દ્વારા નિયુક્ત ઉપરાજ્યપાલના નિયંત્રણ હેઠળ રહે છે.
ઉપરાજ્યપાલ એ કેન્દ્ર સરકારના પ્રતિનિધિ હોય છે અને તેમની ભૂમિકા ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે. નાણાંકીય બાબતો અને કેન્દ્રીય યોજનાઓના અમલીકરણમાં પણ કેન્દ્રનું નિયંત્રણ વધુ હોય છે એટલે અત્યારે ઓમર સરકાર છે પણ એની પાસે સત્તા બહુ સીમિત છે. કેન્દ્ર સરકારે રાજ્યનો દરજ્જો વહેલી તકે આપવો પડશે અને વહેલી તકે …સમયમર્યાદા નક્કી કરવી પડશે. સુપ્રીમ કોર્ટ પણ દરમિયાનગીરી કરી શકે કારણ કે, સરકારે ત્યાં વચન આપ્યું છે. આ દરજ્જો ના મળે ત્યાં સુધી કાશ્મીરમાં સામાન્ય સ્થિતિ કઈ રીતે સર્જાશે? એનો જવાબ મળતો નથી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.