Gujarat

આજથી કોગ્રેસની ત્રીજા ચરણની “જન આક્રોશ યાત્રા”

અમદાવાદ : ત્રીજા ચરણની “જન આક્રોશ યાત્રા”નો પ્રારંભ દક્ષિણ ગુજરાતના વલસાડ – કપરાડાથી આવતીકાલ તા. ૦૨ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ કરવામાં આવશે.

પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડો. મનીષ દોશી જણાવ્યું હતું કે ૧૧૦૦ કી.મી.ની ત્રીજા ચરણની યાત્રા દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ અને નર્મદા જિલ્લાઓના વિવિધ ગામો અને શહેરોને આવરી લેશે.

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મહામંત્રી અને ગુજરાત પ્રભારી મુકુલ વાસનિક, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરી, ગુજરાત સંગઠન સહ પ્રભારી શ્રીનિવાસ બી.વી., રાષ્ટ્રીય આદિવાસી કોંગ્રેસના ચેરમેન ડો. વિક્રાંત ભુરીયા, ધારાસભ્ય અનંત પટેલ, તથા વરિષ્ઠ આગેવાનઓ સહિતના મહાનુભાવોની ઉપસ્થિત રહેશે

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ દક્ષિણ ગુજરાતની જનતાના ગંભીર પ્રશ્નો ઉજાગર કરતા જણાવ્યું હતું કે આજે દક્ષિણ ગુજરાત અનેક મોરચે સંકટમાં ફસાયેલું છે. સુરત, ભરૂચ, વલસાડ અને તાપી જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં નાના અને મધ્યમ ઉદ્યોગો બંધ થવાના કારણે રોજગાર સંકટ ઘેરું બન્યું છે અને હજારો શ્રમિકો તથા યુવાનો બેરોજગાર બન્યા છે. ખાસ કરીને સુરતના હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગમાં આવેલી મંદીના કારણે કામદારોની છટણી, પગારમાં કપાત અને રોજગારની અનિશ્ચિતતાએ હજારો પરિવારોના જીવન પર સીધી અસર કરી છે.

ભાજપ સરકાર આદિવાસી સમાજના જળ, જંગલ અને જમીનના અધિકાર છીનવી રહી છે. ડાંગ, તાપી અને નર્મદા જેવા આદિવાસી વિસ્તારોમાં આજે પણ આરોગ્ય, શિક્ષણ, રસ્તા, પીવાનું પાણી અને મોબાઇલ કનેક્ટિવિટી જેવી મૂળભૂત સુવિધાઓનો અભાવ છે, જે સરકારની નિષ્ફળતાનો પુરાવો છે. ખેડૂતોને પાણી, અપૂર્ણ કેનાલ નેટવર્ક, વધતા ખાતર-બીજના ભાવ અને પાકના યોગ્ય ભાવ ન મળવાની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે, જ્યારે નર્મદા યોજનાના સંપૂર્ણ લાભ દક્ષિણ ગુજરાતના અંતિમ ગામ સુધી પહોંચ્યા નથી.

વિધાનસભામાં કોગ્રેસ પક્ષના નેતા ડો. તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે આદિવાસી સમાજની જમીન અને જંગલ અધિકારના પ્રશ્નો હજુ પણ અધૂરા છે. ફોરેસ્ટ રાઈટ એક્ટ હેઠળના હક્કો ન મળવા, જમીન કબજા અને પુનર્વસન તથા વળતર સંબંધિત પ્રશ્નો અંગે સરકાર મૌન છે. આદિવાસી વિસ્તારમાં રહેતા સમાજના અસલ નિવાસીઓને પણ પ્રમાણપત્રો મેળવવામાં અડચણ થઇ રહી છે. ભરૂચ અને અંકલેશ્વર જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં વધતા હવા અને પાણીના પ્રદૂષણથી લોકોના આરોગ્ય પર ગંભીર અસર પડી રહી છે અને કેન્સર તથા શ્વાસરોગ જેવા રોગોમાં વધારો થઈ રહ્યો છે.

Most Popular

To Top