ગાંધીનગર: રાજકોટ શહેરમાં રાજકીય તનાવ જોવા મળ્યો છે, ખાસ કરીને જ્યારે હેમુ ગઢવી હોલ ખાતે યોજાનારા ‘હું નથુરામ ગોડસે’ નાટકના શો પહેલાં જ કોંગ્રેસ અને NSUIના કાર્યકરો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો. નાટક શરૂ થાય તે પહેલાં જ કાર્યકરો હોલમાં ઘૂસી આવ્યા અને સ્ટેજ પર તોડફોડ કરતા સમગ્ર વાતાવરણ ગરમાઈ ગયું.
કોંગ્રેસના કાર્યકરોનો આક્ષેપ છે કે આ નાટક મારફતે મહાત્મા ગાંધીજીના હત્યારા નથુરામ ગોડસેને “હીરો” તરીકે રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જે કોઈ પણ સંજોગોમાં સ્વીકાર્ય નથી. વિરોધ દરમિયાન કાર્યકરોએ નાટકના પોસ્ટરો ફાડી નાખ્યા, ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા અને કાર્યક્રમ રદ કરવાની માગ સાથે હલ્લાબોલ કર્યો હતો. પરિસ્થિતિ બેકાબૂ બનતા પોલીસની ટીમ તાત્કાલિક હેમુ ગઢવી હોલ ખાતે પહોંચી હતી. પોલીસે સ્થિતિ સંભાળીને કેટલાક કાર્યકરોની અટકાયત કરી હતી. ઘટનાને કારણે નાટકનો શો રદ કરવાની ફરજ પડી હોવાનું જાણવા મળ્યું છે.
આ સમગ્ર મામલે નાટકના નિર્માતા સેજલ પેન્ટરે કોંગ્રેસના વિરોધ પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, “જે લોકો પોતાને ગાંધીવાદી ગણાવે છે તેઓ હિંસાનો માર્ગ કેમ અપનાવી રહ્યા છે?” તેમણે કહ્યું હતું કે નાટક જોયા વગર વિરોધ કરવામાં આવી રહ્યો છે અને તેમાં કોઈ વ્યક્તિને મહાન કે નીચા બતાવવાનો પ્રયાસ કરાયો નથી. તેમના જણાવ્યા મુજબ, નાટક માત્ર નાટ્યાત્મક દ્રષ્ટિકોણથી તૈયાર કરવામાં આવ્યું છે.
કોંગ્રેસ તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તેઓ ગાંધીજીના અપમાન અને નથુરામ ગોડસેના મહિમામંડન સામે કોઈપણ રીતે મૌન નહીં રહે. કોંગ્રેસનો દાવો છે કે ગુજરાતમાં ક્યાંય પણ આ નાટકનું પ્રદર્શન થવા દેવામાં નહીં આવે અને આવતીકાલે જામનગર તથા અમદાવાદમાં પણ વિરોધ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે આ નાટક અગાઉ વડોદરા અને ભાવનગરમાં યોજાઈ ચૂક્યું છે, પરંતુ રાજકોટમાં ઉગ્ર વિરોધના કારણે શો રદ કરવો પડ્યો. આવતીકાલે જામનગરમાં નાટકના આયોજનને લઈને પણ તણાવની સ્થિતિ સર્જાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજકોટની આ ઘટના બાદ એક તરફ અભિવ્યક્તિ સ્વતંત્રતા અને બીજી તરફ ગાંધી વિચારધારાના અપમાનનો મુદ્દો ફરી એકવાર રાજકીય કેન્દ્રમાં આવી ગયો છે. આગામી દિવસોમાં આ વિવાદ રાજ્યવ્યાપી સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા નકારી શકાતી નથી.