Gujarat

કોંગ્રેસે ‘વંદે માતરમ્’ના ટુકડા કરીને દેશના ભાગલાનું બીજ વાવ્યું: હર્ષ સંઘવી

ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં ‘વંદે માતરમ્’ની ૧૫૦મી વર્ષગાંઠ નિમિત્તે લાવવામાં આવેલા સરકારી સંકલ્પ પર ચર્ચા દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર આકરા શાબ્દિક પ્રહાર કરતાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ૧૯૩૭માં મુસ્લિમ લીગના દબાણ હેઠળ કોંગ્રેસ અને નેહરુ દ્વારા ‘વંદે માતરમ્’ના ટુકડા કરવામાં આવ્યા, જે દેશના ભાગલાનું પાયાનું કારણ બન્યું. ગીતની માત્ર પ્રથમ બે કડીઓ ગાવાનો ઠરાવ તુષ્ટિકરણની પરાકાષ્ઠા હતો અને તે સમયે મક્કમતા દાખવાઈ હોત તો કદાચ દેશને અખંડિત રાખી શકાય તેમ હતું. સંઘવીએ જણાવ્યું હતું કે ‘વંદે માતરમ્’ માત્ર બે શબ્દો નથી, પરંતુ ભારત માતાની ચરણવંદના કરવાની આરાધના છે. આ ગીતના નાદ સાથે ક્રાંતિવીરો ફાંસીના માંચડે ચડી ગયા, છતાં આજેય કેટલાક રાજકીય પક્ષો તેને લઈ વાંધો ઉઠાવે છે તે દુર્ભાગ્યપૂર્ણ છે.

તેમણે ગૃહમાં યાદ અપાવ્યું હતું કે વર્ષ ૧૯૯૨માં ભારતીય જનતા પાર્ટીના પ્રયાસોથી જ સંસદમાં ‘વંદે માતરમ્’ના ગાનની પરંપરા શરૂ થઈ હતી, જે સાબિત કરે છે કે ભાજપ માટે રાષ્ટ્રભક્તિ રાજનીતિ નહીં પરંતુ સંસ્કાર છે. પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ૦૭ નવેમ્બર ૨૦૨૫થી શરૂ થયેલી ૧૫૦મી વર્ષગાંઠની ઉજવણીને તેમણે દેશના સાંસ્કૃતિક જાગરણનો દસ્તાવેજ ગણાવ્યો હતો.

નાયબ મુખ્યમંત્રીએ ગુજરાતના ગૌરવશાળી ઇતિહાસને યાદ કરતા જણાવ્યું હતું કે નવસારીના પારસી પરિવારની દીકરી મેડમ ભીખાઈજી કામાએ ૧૯૦૭માં જર્મનીના સ્ટુટગાર્ટ ખાતે અંગ્રેજોની હાજરીમાં ‘વંદે માતરમ્’ અંકિત ધ્વજ લહેરાવી વિશ્વને ભારતની શક્તિનો પરિચય કરાવ્યો હતો. મહર્ષિ Aurobindo Ghoshએ વડોદરામાં રહી આ ગીતને ક્રાંતિનો મંત્ર બનાવ્યો હતો. કચ્છના ભુજોડી ખાતે નિર્મિત ‘વંદે માતરમ્’ સ્મારક આજે પણ સ્વાતંત્ર્ય સંઘર્ષની યાદોને જીવંત રાખે છે. પોતાના સરહદી પ્રવાસના અનુભવ વહેંચતા સંઘવીએ કહ્યું કે કચ્છની સરહદે જવાનો સાથે ‘વંદે માતરમ્’ ગવાતાં આખું આકાશ ગુંજી ઉઠે છે. તેમણે વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે જેને પોતાના રાષ્ટ્રનું ગૌરવ નથી, તે જીવતા હોવા છતાં મૃત સમાન છે.

અંતમાં સંઘવીએ જણાવ્યું હતું કે ‘વંદે માતરમ્’ ભારતની ચેતના છે. જે લોકો ભારત માતાનો આદર નથી કરી શકતા, તેમને કોઈપણ પવિત્ર સદનમાં બેસવાનો નૈતિક અધિકાર નથી. ૧૫૦મી વર્ષગાંઠની ઉજવણી ગુમનામ શહીદો અને દેશના નાયકો પ્રત્યેની સાચી શ્રદ્ધાંજલિ છે.

Most Popular

To Top