National

કોંગ્રેસ દ્વ્રારા PM મોદીનો નવો ‘ચા વેચતો’ AI વીડિયો શેર કરાયો

કોંગ્રેસમાં શરૂ થયેલી નવી રાજકીય ચર્ચાએ દેશની રાજનીતિમાં ગરમાવો લાવ્યો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રાગિની નાયકે આજે બુધવારે X (ટ્વિટર) પર પીએમ નરેન્દ્ર મોદીનો AI જનરેટેડ વીડિયો શેર કર્યો. આ 6 સેકન્ડના વીડિયોમાં પીએમ મોદી એક હાથમાં ચાની કીટલી અને બીજા હાથમાં ગ્લાસ લઈને ચા વેચતા દેખાય છે. વીડિયોમાં પીએમ કહેતા દેખાય છે કે “બોલો, કોણે ચા જોઈએ છે!” રાગિની નાયકે વીડિયોને કેપ્શન આપ્યું કે “હવે આ કોણે કર્યું?”

આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી ચર્ચાનો વિષય બન્યો. ભાજપે આ વીડિયો પર આકરી પ્રતિક્રિયા આપી અને કોંગ્રેસ પર સીધો હુમલો કર્યો. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહઝાદ પૂનાવાલાએ જણાવ્યું કે કોંગ્રેસ પીએમ મોદીની OBC પૃષ્ઠભૂમિને સહન કરી શકતી નથી. તેમનો આક્ષેપ હતો કે કોંગ્રેસે આ પહેલાં પણ પીએમની પૃષ્ઠભૂમિની મજાક ઉડાવી છે અને તેમના પરિવારને પણ નિશાન બનાવ્યું છે.

પૂનાવાલાએ લખ્યું કે “આ વીડિયો માત્ર પીએમ મોદીને નહીં પરંતુ 1.4 અબજ મહેનતુ ભારતીયોનું પણ અપમાન છે. કોંગ્રેસનું આ વર્તન તેમની માનસિકતા બતાવે છે. પીએમ મોદી જે સખત મહેનતથી અહીં સુધી પહોંચ્યા છે એ વાત કોંગ્રેસને સ્વીકાર્ય નથી.”

ભાજપે વધુમાં જણાવ્યું કે કોંગ્રેસ હંમેશા પીએમ અને તેમની સ્વર્ગસ્થ માતાનું અપમાન કરતી રહી છે. પાર્ટી મુજબ જ્યારે દેશના લોકો સતત પીએમ મોદીને આશીર્વાદ આપે છે. ત્યારે કોંગ્રેસ અને રાહુલ ગાંધીને વારંવાર નકારવામાં આવે છે. આ વાત કોંગ્રેસને ચુંભે છે.

કોંગ્રેસ તરફથી આ વીડિયો હાસ્યરૂપે શેર કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે પરંતુ ભાજપ આને વડા પ્રધાનની પદની ગરિમા પર હુમલો ગણાવી રહી છે. આ AI વીડિયોએ ફરી એકવાર રાજકીય ઢબે સોશિયલ મીડિયા પર નવી ચર્ચા જગાવી દીધી છે.

Most Popular

To Top