SURAT

83,000 રેમડેસિવિર ઇન્જેક્શનની સામે કલેક્ટર દ્વારા માત્ર 50,000ની ફાળવણી કરવામાં આવી હતી

દેલાડ: વૈશ્વિક મહામારી કોરોનાની બીજી લહેર (Corona second wave)માં સુરત (Surat) સહિત સમગ્ર રાજ્યમાં મેડિકલ ઈમરજન્સી (Medical emergency) જેવી પરિસ્થિતિનું નિર્માણ થતું જોવા મળ્યું હતું. કોરોના સંક્રમણના ભોગ બનેલા અને હોસ્પિટલોમાં સારવારગ્રસ્ત દર્દીઓના પરિવારજનો ઓક્સિજન (Oxygen) અને રેમડેસિવિર (Remdesivir) જેવાં ઇન્જેક્શનો (Injection) માટે રીતસરના આજીજી કરવા સાથે આમતેમ દોડી રહ્યા હતા.

આ અત્યંત બિહામણાં દૃશ્યો બાદ હવે બીજા તબક્કાની કોરોના મહામારી દરમિયાન રેમડેસિવિર ઇન્જેક્શનના મુદ્દે સહકારી આગેવાન અને જિલ્લા પંચાયતના પૂર્વ કોંગ્રેસી વિપક્ષ નેતા દર્શન નાયક દ્વારા શહેરમાં સર્જાયેલા ઇન્જેક્શનોની અછતના મુદ્દે ઘટસ્ફોટ કરવામાં આવતાં ચકચાર મચી છે. સહકારી આગેવાન અને કોંગ્રેસના પૂર્વ વિપક્ષ નેતા દર્શન નાયકના જણાવ્યા મુજબ બીજા તબક્કાની મહામારી દરમિયાન શહેરની એકપણ હોસ્પિટલ ખાલી ન હતી. હોસ્પિટલો દર્દીઓથી ઊભરાઈ રહી હતી. બીજી તરફ માત્ર 22 દિવસ દરમિયાન સુરત શહેર જિલ્લાની હોસ્પિટલોમાં સારવારગ્રસ્ત દર્દીઓ માટે આવશ્યક 83 હજારથી વધુ રેમડેસિવિર ઇન્જેક્શનની સામે કલેક્ટર દ્વારા માત્ર 50 હજાર જેટલાં ઇન્જેક્શનની ફાળવણી કરવામાં આવી હતી. દર્શન નાયક દ્વારા કોવિડ-19ના બીજા તબક્કામાં શહેર-જિલ્લામાં સારવારગ્રસ્ત દર્દીઓ માટે કેટલાં ઇન્જેક્શનની ફાળવણી કરવામાં આવી હતી તે મુદ્દે આરટીઆઇ (RTI by congress) કરાતાં ચોંકાવનારી હકીકતો બહાર આવી છે.

21મી એપ્રિલથી 13મે એટલે કે 22 દિવસ દરમિયાન સુરત શહેરમાં કોરોના મહામારીએ ભયાવહ સ્વરૂપ ધારણ કર્યું હતું અને શહેરીજનો રીતસરના ફફડી ઊઠ્યા હતા. ખાનગી તો ઠીક પરંતુ સરકારી અને અર્ધસરકારી હોસ્પિટલોના દરવાજા પણ કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે બંધ કરી દેવાયા હતા અને ઇન્જેક્શનની ભારે અછત સર્જાઇ હતી. દર્દીઓ માટે આવશ્યક એવાં આ ઇન્જેક્શનો માટે તેમના પરિજનો આખો દિવસ એક એક ઇન્જેક્શન માટે કતારો લગાવી ભૂખ્યા-તરસ્યા ઊભા રહેતા હતા. આ સ્થિતિમાં શહેરની હોસ્પિટલો દ્વારા 22 દિવસ દરમિયાન કુલ 83593 રેમડેસિવિર ઇન્જેક્શનની માંગ કરવામાં આવી હતી. જે પૈકી કલેક્ટર દ્વારા માત્ર 50689 ઇન્જેક્શનની જ ફાળવણી હોસ્પિટલોને કરવામાં આવી હતી. આમ, 32 હજારથી ઓછાં ઇન્જેક્શનો હોસ્પિટલોને ફાળવવામાં આવ્યાં હતાં.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવારમાં અત્યંત મહત્ત્વપૂર્ણ એવા જીવનરક્ષક ઇન્જેક્શનની અછતને પગલે માત્ર સુરત જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં નકલી ઇન્જેક્શન અને ઇન્જેક્શનના કાળા બજારના વેપલાનો ભારે વિવાદ ઊઠ્યો હતો. હોસ્પિટલોના તબીબો જ નહીં પરંતુ લેબનાં લેભાગુ તત્ત્વો દ્વારા પણ રેમડેસિવિર ઇન્જેક્શનના નામે ગરજાઉ અને ગરીબ પરિવારજનો પાસેથી ધરાર ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી હતી. ત્યારે માત્ર 22 દિવસમાં કુલ જરૂરિયાત સામે 32 હજાર કરતાં ઓછાં રેમડેસિવિર ઇન્જેક્શનની ફાળવણી કરવામાં આવતાં દર્દીઓને કેટલી હાલાકીનો સામનો કરવો પડ્યો હશે એના ઉપરથી જ અંદાજ આવી રહ્યો છે.

Most Popular

To Top