અમદાવાદ, તા. 9
આણંદ શહેરના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પક્ષ દ્વારા ‘જનતાનો મેનિફેસ્ટો’ જાહેર કરવામાં આવ્યો છે. ‘કોંગ્રેસ આપને દ્વાર’ અને ‘જનમંચ’ જેવા કાર્યક્રમો દ્વારા લોકોના પ્રશ્નો અને સૂચનોને સીધા સાંભળી આ મેનિફેસ્ટો તૈયાર કરવામાં આવ્યો હોવાનું કોગ્રેસ અગ્રણીઓએ જણાવ્યું હતું.
આણંદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અલ્પેશ પઢિયારએ જણાવ્યું હતુ કે તાજેતરમાં યોજાયેલા ‘કોંગ્રેસ આપને દ્વાર’ કાર્યક્રમ અંતર્ગત કાર્યકરો શહેરના દરેક વિસ્તારમાં જઈ ઘરેઘરે પહોંચ્યા હતા અને શિક્ષણ, રસ્તા, આરોગ્ય તથા ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા પાયાના પ્રશ્નો પર લોકોના સૂચનો મેળવ્યા હતા. આ સૂચનોના આધારે જ ‘જનતાનો મેનિફેસ્ટો’ તૈયાર કરવામાં આવ્યો છે.
સાથે સાથે, ‘જનમંચ’ કાર્યક્રમ દ્વારા વોર્ડદીઠ લોકોની રજૂઆતો સાંભળવામાં આવી હતી, ખાસ કરીને જે ફરિયાદો સરકારી કચેરીઓમાં ઉકેલાતી નહોતી. આ મંચ પરથી મળેલા પ્રતિસાદ અને પુરાવાઓને આધારે જનતાની અપેક્ષાઓ મુજબનું આ વચનપત્ર તૈયાર કરવામાં આવ્યું છે. કોંગ્રેસે આ અભિયાનને મુઠ્ઠીભર લોકો નહીં પરંતુ સમગ્ર આણંદની જનતાના હિત માટે હોવાનું જણાવ્યું છે.
મેનિફેસ્ટો રજૂ કરતાં કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું કે આ દસ્તાવેજ સત્ય, સમાનતા, વિકાસ અને સામાજિક ન્યાય પ્રત્યેની તેમની કટિબદ્ધતા દર્શાવે છે.
9મેનિફેસ્ટોમાં શહેરના વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ વચનો આપવામાં આવ્યા છે. જેમાં મહિલાઓ, વિદ્યાર્થીઓ અને સિનિયર સિટિઝન્સ માટે નિઃશુલ્ક મુસાફરી સાથે નવી AC સિટી બસ સેવા શરૂ કરવાની યોજના, મહિલાના નામે ઘર નોંધણી પર ઘરવેરા માફી, યુવાનો માટે AI આધારિત સ્કિલ ડેવલપમેન્ટ ટ્રેનિંગ અને નગરપાલિકામાં સ્થાનિકોને પ્રાથમિકતા સાથે ભરતી જેવા મુદ્દાઓ સામેલ છે.
આરોગ્ય ક્ષેત્રે નવી આધુનિક નગરપાલિકા હોસ્પિટલ, ૨૪ કલાક ઇમર્જન્સી સેવા, ટ્રોમા સેન્ટર, ICU અને નિષ્ણાત ડૉક્ટરોની વ્યવસ્થા સાથે વોર્ડદીઠ હેલ્થ સેન્ટર્સ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. સાથે જ બ્લડ ટેસ્ટ, એક્સ-રે અને CT સ્કેન જેવી સુવિધાઓ મફતમાં આપવાની તેમજ સિનિયર સિટિઝન્સને દવાઓ નિઃશુલ્ક આપવાની યોજના રજૂ કરવામાં આવી છે.
પાણી અને સ્વચ્છતા માટે શહેરમાં રોજ બે વખત શુદ્ધ પાણી પુરવઠો, ડોર-ટુ-ડોર કચરો ઉઠાવવાની સુવિધા અને નવી ગટરવ્યવસ્થા ઊભી કરવાની વાત કરવામાં આવી છે. શિક્ષણ ક્ષેત્રે સરકારી શાળાઓને આધુનિક બનાવી ‘સ્માર્ટ ક્લાસરૂમ્સ’ શરૂ કરવાની તથા શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે.
નગરરચના અંતર્ગત રમતગમતના મેદાનો, બાગ-બગીચા, પહોળા રસ્તાઓ, પાર્કિંગ સુવિધા, LED સ્ટ્રીટ લાઇટ, નાના વેપારીઓ માટે લાયસન્સ અને માર્કેટ, સરકારી આવાસ, પશુઓ માટે શેલ્ટર હોમ અને ગૌશાળા તેમજ કોમ્યુનિટી હોલના નિર્માણ જેવી યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉપરાંત પૂર્વ પટ્ટી વિસ્તારમાં પાણીની સુવિધા માટે નવી પાણીની ટાંકી બનાવવાની યોજના પણ જાહેર કરવામાં આવી છે.