અમદાવાદ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના રણમેદાનમાં કોંગ્રેસે ભાજપ સામે ટક્કર લેવા માટે પોતાના પત્તા ખોલી દીધા છે. કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ સત્તાવાર રીતે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે, જેમાં મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના ૨૪૩ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે.
કોંગ્રેસે જ્ઞાતિગત સમીકરણો અને સક્ષમ ચહેરાઓને ધ્યાનમાં રાખીને પ્રથમ તબક્કામાં વિવિધ શહેરો માટે નીચે મુજબ ઉમેદવારો જાહેર કર્યા છે, કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રથમ યાદી મુજબ શહેરવાર ઉમેદવારોની સંખ્યા આ પ્રમાણે છે: અમદાવાદમાં 90, રાજકોટમાં 40, સુરતમાં 26, મોરબીમાં 23, જામનગરમાં 22, ભાવનગરમાં 22 અને વડોદરામાં 18 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. કોંગ્રેસ પાર્ટી દ્વારા આ પ્રથમ યાદી જાહેર થતાં રાજકીય માહોલ વધુ ગરમાયો છે. હવે આગામી તબક્કામાં બાકી રહેલી બેઠકો માટે પણ ઉમેદવારોની જાહેરાત થવાની શક્યતા છે, જેને લઈને રાજકીય વર્તુળોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.
કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ ઉમેદવારોની યાદી જાહેર કરતાં જણાવ્યું હતું કે પાર્ટીએ 15 મહાનગરપાલિકા સહિત સ્થાનિક સ્વરાજ્યની તમામ ચૂંટણી માટે સંપૂર્ણ તૈયારી કરી છે. જન આક્રોશ યાત્રા દ્વારા લોકોની પીડા અને પ્રશ્નોને નજીકથી સમજ્યા બાદ સરકાર સામે તહોમતનામું પણ રજૂ કરવામાં આવ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું કે કોંગ્રેસે કાર્યકરો સાથે વ્યાપક ચર્ચા કરીને સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી, જેના આધારે પ્રથમ તબક્કામાં ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. આ યાદીમાં સિટીંગ કોર્પોરેટરો સાથે નવા ચહેરાઓને પણ તક આપવામાં આવી છે, જેથી સમીકરણોને ધ્યાનમાં રાખી મજબૂત ટીમ ઉભી કરી શકાય.
સેન્સ પ્રક્રિયા અને નવા ચહેરાઓને સ્થાન
કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે પક્ષે કાર્યકરો સાથે વિસ્તૃત ચર્ચા અને સેન્સ પ્રક્રિયા હાથ ધર્યા બાદ જ આ નામો નક્કી કર્યા છે. આ યાદીમાં જૂના અનુભવી સીટિંગ કોર્પોરેટરોની સાથે સાથે નવા અને યુવા નેતાઓને પણ તક આપવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા રવિવારથી ત્રણ તબક્કામાં નામ જાહેર કરવાની જાહેરાત કરવામાં આવી હતી, જેના ભાગરૂપે આજે પ્રથમ યાદી બહાર પાડવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે આ ૨૪૩ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા બાદ ભાજપના ગઢમાં કેટલું ગાબડું પાડી શકે છે.
સરકાર સામે ‘તહોમતનામું’ અને જનસંપર્ક
મનીષ દોશીએ વધુમાં કહયું હતું કે
- ૧૫ મહાનગરપાલિકાઓ અને સ્થાનિક સ્વરાજની અન્ય ચૂંટણીઓ માટે કોંગ્રેસે પૂરી કમર કસી છે.
- પક્ષે ‘જન આક્રોશ યાત્રા’ દ્વારા જનતાની પીડા અને પ્રશ્નોને નજીકથી જાણ્યા છે.
- લોકોની મુશ્કેલીઓ અને વહીવટી નિષ્ફળતા અંગે સરકાર સામે પક્ષે તહોમતનામું પણ જાહેર કર્યું છે.