National

કોંગ્રેસ સાંસદનો દાવો: પાયલોટની કુશળતા અને નસીબે મોટી દુર્ઘટના ટળી

તિરુવનંતપુરમથી દિલ્હી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ટેકનિકલ ખામી અને ખરાબ હવામાનને કારણે ચેન્નાઈ તરફ વાળવી પડી હતી. ફ્લાઇટમાં પાંચ સાંસદો સવાર હતા, જેમાં કોંગ્રેસના કેસી વેણુગોપાલ, કોડિક્કુનીલ સુરેશ, અદૂર પ્રકાશ, કે. રાધા કૃષ્ણન અને રોબર્ટ બ્રુસ સામેલ હતા. વિમાનમાં કુલ 100 મુસાફરો હતા.

કોંગ્રેસ સાંસદ કેસી વેણુગોપાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ ઘટનાની વિગત આપી હતી. તેમણે જણાવ્યું કે ફ્લાઇટ મોડેથી શરૂ થઈ અને થોડી જ વારમાં ભારે ઉથલપાથલનો સામનો કરવો પડ્યો. લગભગ એક કલાક પછી, કેપ્ટને સિગ્નલમાં ખામીની જાહેરાત કરી અને વિમાનને સાવચેતીરૂપે ચેન્નાઈ એરપોર્ટ તરફ ડાયવર્ટ કર્યું.

વેણુગોપાલના જણાવ્યા મુજબ, વિમાન ચેન્નાઈ ઉપર લગભગ બે કલાક સુધી હવામાં ચક્કર લગાવતું રહ્યું અને લેન્ડિંગ માટે ક્લિયરન્સની રાહ જોતું રહ્યું. પ્રથમ લેન્ડિંગ દરમિયાન એક ચોંકાવનારી ઘટના બની હતી. રનવે પર બીજું વિમાન હોવાને કારણે કેપ્ટને તાત્કાલિક ગો-અરાઉન્ડ કરવાનો નિર્ણય લીધો અને વિમાનને ફરી ઉંચે ખેંચી લીધું. આ પગલાંથી સંભવિત મોટી દુર્ઘટના ટળી હતી. બીજા પ્રયાસમાં વિમાન સુરક્ષિત રીતે ઉતર્યું.

સાંસદે પોસ્ટમાં લખ્યું, “અમે કુશળતા અને નસીબથી બચી ગયા. મુસાફરોની સલામતી નસીબ પર આધારિત ન હોવી જોઈએ. DGCA અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયે તાત્કાલિક તપાસ કરવી જોઈએ, જવાબદારી નક્કી થવી જોઈએ અને ભવિષ્યમાં આવી ભૂલો ન થાય તેની ખાતરી કરવી જોઈએ.”

આ દાવા પર એર ઇન્ડિયાએ સ્પષ્ટતા આપી છે. કંપનીએ જણાવ્યું કે ટેકનિકલ ખામી અને ખરાબ હવામાનને કારણે ચેન્નાઈ ડાયવર્ઝન સાવચેતી માટે કરવામાં આવ્યું હતું. પ્રથમ લેન્ડિંગ પ્રયાસ દરમિયાન ચેન્નાઈ એર ટ્રાફિક કંટ્રોલ (ATC) દ્વારા ગો-અરાઉન્ડની સૂચના આપવામાં આવી હતી, પરંતુ તેનો કારણ રનવે પર અન્ય વિમાનની હાજરી નહોતું.

એર ઇન્ડિયાએ કહ્યું કે તેમના પાયલોટ્સ આવી પરિસ્થિતિઓ માટે સારી રીતે તાલીમ પામેલા છે અને આ કિસ્સામાં તેમણે તમામ સલામતી પ્રક્રિયાઓનું પાલન કર્યું હતું. “અમે સમજીએ છીએ કે મુસાફરો માટે આ અનુભવ ડર પેદા કરનાર હતો. ડાયવર્ઝનથી થયેલી અસુવિધા બદલ ક્ષમા માંગીશું, પરંતુ સલામતી હંમેશા અમારી પ્રથમ પ્રાથમિકતા છે,” એર ઇન્ડિયાએ જણાવ્યું.

આ ઘટનાએ હવાઈ મુસાફરી દરમિયાન મુસાફરોની સલામતી, પાયલોટની ઝડપી નિર્ણયક્ષમતા અને ટેકનિકલ પડકારો અંગે ચર્ચા ગરમાવી છે.

Most Popular

To Top