એક સદી કરતાં પણ વધુનો જેનો ઈતિહાસ હોય તેવી કોંગ્રેસ પાર્ટી ધીરેધીરે નબળી પડી રહી છે. એક સમયે આખા દેશમાં કોંગ્રેસનું રાજ હતું. હાલમાં કોંગ્રેસ ગણતરીના રાજ્યો પુરતી સંકોચાઈ ગઈ છે. તાજેતરમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રાજ્યના છ મહાનગરોમાં કોંગ્રેસની કરારી હાર થઈ છે. કોંગ્રેસની સત્તા તો હતી જ નહીં ઉપરથી કોંગ્રેસે બેઠકો પણ ગુમાવી છે. કારણ એક જ છે કે કોંગ્રેસના નેતાઓ ટિકીટ વેચવામાં અને એકબીજાના ટાંટિયા ખેંચવામાં જ મશગુલ રહ્યાં અને પરિણામ નજર સામે જ છે. કોંગ્રેસમાં સંગઠન મજબુત નથી તેમ કહેવા કરતાં પણ એવું કહેવું પડે તેમ છે કે કોંગ્રેસમાં કોઈ સંગઠન જ નથી. કોંગ્રેસના કાર્યકરો પક્ષને બદલે પોતાના જુથના નેતાની કદમબોશી કરવામાં જ વ્યસ્ત રહે છે અને તેને કારણે કોંગ્રેસના મતની ટકાવારી પણ ઘટતી જ રહી છે. રવિવારે તા.28મીના રોજ ગુજરાતમાં પંચાયતો અને પાલિકાની ચૂંટણીઓ પણ થશે પરંતુ જે પ્રકારની સ્થિતિ કોંગ્રેસમાં છે તે જોતાં કોંગ્રેસની આ ચૂંટણીઓમાં પણ દહાડો વળે તેવી સંભાવના ઘણી ઓછી છે.
એવું નથી કે કોંગ્રેસમાં નીચલા સ્તરે જ જુથબંધી કે માથાકૂટ છે. કોંગ્રેસમાં જ્યાં સુધી સત્તા હતી ત્યાં સુધી તમામ નેતાઓ પક્ષને વળગેલા રહ્યાં પરંતુ જેવી સત્તા ગઈ કે કોંગ્રેસના નેતાઓ અંદરોઅંદર જ લડવા લાગ્યાં છે. છેલ્લા ઘણા સમયથી રાષ્ટ્રિય સ્તરે કોંગ્રેસમાં નેતાઓની માથાકૂટ ચાલી રહી છે. જે ગાંધી પરિવાર સામે કોંગ્રેસમાં માથું ઉંચકવાની કોઈ નેતાની તાકાત નહોતી તે ગાંધી પરિવારના વર્ચસ્વને કોંગ્રેસના જ નેતાઓ પડકારી રહ્યાં છે. થોડા સમય પહેલા કોંગ્રેસના 23 નેતાઓ દ્વારા સોનિયા ગાંધીને પત્ર લખીને કોંગ્રેસમાં સુધારાઓની માંગ કરી હતી. આ તમામ નેતાઓ એવા છે કે જેઓ ખુદ પોતાની બેઠકો પર જીતી શક્યા નથી કે આ નેતાઓ પક્ષને જીતાડી શક્યાં નથી.
આ નેતાઓની ચૂંટણી જીતવાની કાબેલિયત છે કે નહીં તેને નજર અંદાજ કરીએ તો પણ એક વાત ચોક્કસ છે કે કોંગ્રેસમાં બધુ સલામત નથી. કોંગ્રેસમાં રાષ્ટ્રિય સ્તરે મોટી સમસ્યા ચાલી રહી છે. કોંગ્રેસના આ ટોચના ગણાય તેવા 23 નેતાઓ પક્ષના જ હાઈકમાન્ડની સામે પડ્યાં છે. આ નેતાઓ દ્વારા છાશવારે નિવેદનો કરવામાં આવી રહ્યાં છે. નિવેદનો એવી વાત કરવામાં આવી રહી છે કે કોંગ્રેસ નબળી પડી રહી છે અને આપણે સૌએ સાથે મળીને તેને મજબૂત બનાવવાની છે. આ હાકલ બાદ કોંગ્રેસ મજબુત બને કે નહીં પરંતુ આ નેતાઓ દ્વારા જે નિવેદનો કરવામાં આવી રહ્યાં છે તે જોતાં કોંગ્રેસ નબળી પડી રહી છે તેવો મતદારોમાં સંદેશો જશે તે નક્કી છે.
કોંગ્રેસના આ 23 નેતાઓ દ્વારા જમ્મુમાં શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું. શાંતિ સંમેલનના નામે કરાયેલા આ કાર્યક્રમમાં કોંગ્રેસની નેતાગીરીથી નારાજ થયેલા માજી કેન્દ્રીય મંત્રી આનંદ શર્મા, હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડ્ડા, કપિલ સિબ્બલ, રાજ બબ્બર, વિવેક તન્ખા, ગુલામનબી આઝાદ સહિતના અન્યો બેગા થયા હતાં. કાર્યક્રમમાં કપિલ સિબ્બલે એવું કહ્યું કે નબળી પડી રહેલી કોંગ્રેસને આપણે મજબૂત કરવાની છે અને તેના માટે જ ભેગા થયા છીએ. ગુલામનબી આઝાદે કહ્યું કે કોંગ્રેસની ઓળખ જ ખતમ થઈ ગઈ છે. હું રાજ્યસભાથી નિવૃત્ત થયો છું, કોંગ્રેસની નિવૃત્ત થયો નથી. મનિષ તિવારીએ કહ્યું કે કોંગ્રેસ અને રાષ્ટ્ર, બંનેને ગુલામ નબી આઝાદની જરૂર છે. રાજ બબ્બરે કહ્યું કે લોકો અમને ભલે જી-23 કહેતા હોય પરંતુ અમે ગાંધી-23 છીએ. અમે કોંગ્રેસને તેની સંપૂર્ણ તાકાત સાથે આગળ લઈ જવા માટે તૈયાર છીએ.
કોંગ્રેસને ખરેખર આવા સંમેલનોને બદલે લોકોની સમક્ષ જવાની જરૂરીયાત છે. સરેરાશ કોંગ્રેસી આજે લોકોથી દૂર થઈ ગયો છે. લોકોના પ્રશ્નોને સમજવામાં કોંગ્રેસના નેતાઓ નબળા પુરવાર થઈ રહ્યાં છે. ભાજપ જેવી સંગઠિત પાર્ટી અને તેના નરેન્દ્ર મોદી જેવા નેતાનો સામનો કરવામાં કોંગ્રેસની નિષ્ફળ જઈ રહી છે. ભારતના લોકો શું માની રહ્યાં છે? ક્યાં જ્ઞાતિવાદ છે અને ક્યાં કોમવાદ ચાલી રહ્યો છે તેની વાસ્તવિકતાની ખબર કોંગ્રેસના નેતાઓને નથી. કોંગ્રેસના નેતાઓ ભવ્ય ભૂતકાળ જ વાગોળી રહ્યાં છે અને મહેનત કરવાથી દૂર ભાગી રહ્યાં છે. જેને કારણે તેમનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે. હજુ પણ બગડ્યું નથી. કોંગ્રેસના નેતાઓ લોકોની સમક્ષ જાય. અંદરોઅંદર લડવાને બદલે ગ્રાઉન્ડ રિયાલિટી શું છે તે સમજે. એકબીજાનો ઈગો પડતો મુકીને પક્ષને કેવી રીતે આગળ લઈ જઈ શકાય તે માટે મહેનત કરે. અનેક મતદારો એવા પણ છે કે જે કોંગ્રેસને મત આપવા માંગે છે પરંતુ કોંગ્રેસમાં તેમને વિકલ્પ દેખાતો નથી. કોંગ્રેસે તે ભરોસો અપાવવો પડશે કે તે ભાજપને વિકલ્પ છે. જો આમ થશે તો જ કોંગ્રેસ ફરી બેઠી થઈ શકશે. અન્યથા ભવિષ્યમાં કોંગ્રેસ ભૂતકાળ બની જશે તે નક્કી છે.