અમદાવાદ : ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણીને (Election) લઇ કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી છે. ગઈકાલે કોંગ્રેસના (Congress) રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી અમદાવાદની મુલાકાતે આવ્યા બાદ કોંગ્રેસના જુસ્સામાં વધારો થયો છે. મંગળવારે સ્ક્રિનિંગ કમિટી અને પ્રદેશ કોંગ્રેસના સિનિયર આગેવાનોની બેઠકમાં ઉમેદવારોની પસંદગીને લઈ ચર્ચા વિચારણા હાથ ધરાઈ હતી. આ બેઠકમાં જીતી શકે તેવા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવશે, તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત યુવાનો અને મહિલાઓને પ્રાધાન્ય આપવામાં આવશે, તેવો નિર્ણય લેવાયો હતો. ઉમેદવારોની પ્રક્રિયા ઝડપી બને તે માટે ટિકિટ મેળવવા ઇચ્છતા ઉમેદવારોએ 11મી સપ્ટેમ્બર સુધીમાં પોતાના બાયોડેટાઓ રજૂ કરવાના રહેશે.
કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીની ગઈકાલે સ્ક્રિનિંગ કમિટી અને પ્રદેશ ચૂંટણી કમિટી વચ્ચે ઉમેદવારોની પસંદગીને લઈ ચર્ચા વિચારણા હાથ ધરાય હતી. આજે બીજા દિવસે કમિટી અને પ્રદેશ ચૂંટણી કમિટીની બેઠકમાં ઉમેદવારોની પસંદગીને લઈ લંબાણપૂર્વકની ચર્ચા વિચારણા થઈ હતી. જેમાં જીતી શકે તેવા ઉમેદવારોની પસંદગી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, તેમજ આ વખતે યુવાનો અને મહિલાઓને વધુમાં વધુ તક મળે તે તેઓ નિર્ણય પણ કરાયો હતો.
વિધાનસભાની બેઠકો માટે ઉમેદવારોની પસંદગીના માપદંડમાં માત્ર જીતી શકાય તેવા ઉમેદવારોની પસંદગી કરવી તે માપદંડ નક્કી કરાયો છે, અન્ય કોઈ જ માપદંડ રહેશે નહીં તેવું પ્રદેશ કોંગ્રેસના ટોચના સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. આ ઉપરાંત 64 ધારાસભ્યોને રિપિટ કરવામાં આવશે, તેવો પણ મત વ્યક્ત કરાયો હતો. વિધાનસભાની ટિકિટ મેળવવા ઈચ્છતા ઉમેદવારોએ 11મી સપ્ટેમ્બર સુધી પોતાનો બાયોડેટા જિલ્લા- તાલુકા અને પ્રદેશ કક્ષાએ આપવાનો રહેશે. આગામી 21 થી 23 સપ્ટેમ્બર સ્ક્રિનિંગ કમિટીની બેઠક મળશે. આ બેઠકમાં ઉમેદવારી પસંદગીને આખરી ઓપ આપવામાં આવશે, અને આ મહિનાના અંત સુધીમાં કોંગ્રેસ પ્રથમ યાદી જાહેર કરે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.