Gujarat

ભાજપના કાર્યક્રમમાં સરકારી અધિકારીઓની-તબીબોની હાજરી મુદ્દે કોગ્રેસની તપાસની માંગ

અમદાવાદ, તા. 10

ભાજપ પક્ષના કાર્યક્રમમાં સરકારી વરિષ્ઠ અધિકારીઓની હાજરીને લઈને પ્રદેશ કોંગ્રેસ સમિતિએ ગંભીર આક્ષેપો કર્યા છે. કોંગ્રેસએ આ મામલે રાજ્યપાલ અને મુખ્ય સચિવને પત્ર લખી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

પ્રદેશ કોગ્રેસના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું કે, 1 ફેબ્રુઆરીએ ગાંધીનગર જપના કમલમ કાર્યાલય ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી, પેરાપ્લેજીયા વિભાગના વડા ડૉ. પિયુષ મિત્તલ અને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. રાજુલ ગજ્જર હાજર રહ્યા હતા. આ હાજરીથી ગુજરાત સર્વિસ રૂલ્સ તેમજ પબ્લિક યુનિવર્સિટીઝ એક્ટનો ભંગ થયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

સરકારી વેતન અને સુવિધાઓ મેળવનારા અધિકારીઓ દ્વારા રાજકીય કાર્યક્રમોમાં ભાગ લેવો ગુજરાત સિવિલ સર્વિસીસ (કન્ડક્ટ) રૂલ્સ, 1971ના નિયમ-5નો સ્પષ્ટ ઉલ્લંઘન છે. ઉપરાંત, યુનિવર્સિટીના કુલપતિ માટે પણ રાજકીય પ્રવૃત્તિમાં જોડાવા પર પ્રતિબંધ હોવા છતાં આ નિયમોની અવગણના થઈ છે.

ડૉ. મનીષ દોશીએ જણાવ્યું કે, ભાજપ સરકાર લાંબા સમયથી સરકારી તંત્રનો રાજકીય લાભ માટે દુરુપયોગ કરી રહી છે, જે લોકશાહી મૂલ્યો માટે ખતરારૂપ છે. આવી પ્રવૃત્તિઓથી સરકારી સેવાઓની નિષ્પક્ષતા પર પ્રશ્ન ઊભા થાય છે. આ મામલે રાજ્યપાલને તાત્કાલિક તપાસ કરાવીને સંબંધિત અધિકારીઓ સામે કડક પગલા લેવા કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે.

Most Popular

To Top