અમદાવાદ : મોરબીમાં (Morbi) ગઈકાલે ઝુલતા પુલની બનેલી દુર્ઘટના મામલે હાઈકોર્ટના (Highcourt) જસ્ટીસની અધ્યક્ષતામાં તપાસ કરવામાં આવે તેવી તેવી માગણી સાથે આજે કોંગ્રેસના (Congress) સિનિયર અગ્રણી અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોર સહિત કોંગ્રેસના સિનિયર નેતાઓ ઇજાગ્રસ્ત અને મૃતકોના પરિવારજનોને મળી સાંતવનના આપી હતી. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે આ દુર્ઘટના અંગે કહ્યું હતું કે હાઇકોર્ટના જસ્ટિસના અધ્યક્ષતામાં ન્યાયિક તપાસ કરવામાં આવે અને આ તપાસનો રિપોર્ટ ત્રણ મહિનામાં સુપ્રત કરવામાં આવે. આ પુલ ઉપર વધુ લોકો હોવાના કારણે દુર્ઘટના સર્જાઈ છે.
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત, બીકે હરિપ્રસાદ, રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરા, સંગઠન પ્રદેશ પ્રભારી રઘુ શર્મા, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા, ધારાસભ્ય લલિત કગથરા સહિત અનેક આગેવાનો મોરબી ગયા હતા, અને હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોની ખબર અંતર પૂછી હતી. તેમજ મૃતક પરિવારજનોને મળ્યા હતા.
પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું હતું કે ઝુલતા પુલ દુર્ઘટના મામલે સરકાર દ્વારા તાત્કાલિક જવાબદારો સામે કાર્યવાહી કરી કોનો દાખલ કરીને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને એક મહિનામાં જવાબદારોને જેલના સળિયા પાછળ ધકેલવા જોઈએ. જગદીશ ઠાકોરે વધુમાં કહ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા આ ઘટનામાં મૃત્યુ પામનાર તેમજ ઈજાગ્રસ્તોને વળતરની જાહેરાત કરી છે, આ વળતરની રકમ ખૂબ જ ઓછી છે. માનવ જિંદગીની કોઈ કિંમત નક્કી કરી શકાતી નથી, પરંતુ રાજ્ય સરકાર દ્વારા જે વળતરની રકમ આપવાની જાહેરાત કરાઈ છે, તે ખૂબ ઓછી છે.
આ ઉપરાંત ઘટના બાદ બચાવ રાહત કામગીરી માટે જે ટીમ મોકલવામાં આવી હતી તે ટીમને હેલિકોપ્ટર દ્વારા પણ મોકલી શકાય હોત. આ ઘટના બન્યા બાદ બચાવ રાહત કામગીરી માટે સ્થાનિક લોકો અને સ્થાનિક તરવૈયાઓ એ જે કામગીરી કરી છે, તે ખૂબ જ પ્રશંસનીય છે. આ તમામ લોકોનો આભાર માનું છું