ભરૂચ: વાલિયા ખાતે ઉત્તરપ્રદેશના (UP) મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મોટી સંખ્યાની સભામાં કોંગ્રેસ (Congress) સહિત અન્ય વિપક્ષી પાર્ટી પર તેમના તેવરમાં આકરી ઝાટકણી કાઢી હતી. છોટુ વસાવાના ગઢમાં વાલિયાની ધરતી પર ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જાહેર સભામાં જણાવ્યું હતું કે, કોંગ્રેસે દેશમાં આતંકવાદ અને નકસલવાદ આપ્યો છે. જેને લઈને આખો દેશ ભૂતકાળમાં અવિકસિત હતો. દેશમાં જ્યારથી નરેન્દ્ર મોદી વડાપ્રધાને સુકાન સંભાળ્યું છે ત્યારથી વિકાસની ગતિ વધી છે.
અમારા ઉત્તરપ્રદેશમાં રામજન્મભૂમિ અયોધ્યામાં PM નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભવ્ય રામનિર્માણ થઇ રહ્યું છે. જે આવનારા દિવસોમાં રાષ્ટ્ર મંદિર બનીને રહેશે. ગુજરાત રાજ્ય દેશ અને દુનિયામાં મોડેલ રાજ્ય બન્યું છે. PM નરેન્દ્ર મોદીએ સંવિધાનની રક્ષા માટે દ્રોપદી મુર્મુ જેવા રાષ્ટ્રપતિને બેસાડ્યાં છે.
આ સભામાં પીઢ અગ્રણી ચંદનભાઈ વસાવા તેમજ BTPના ૧૫થી વધુ આગેવાનો ભાજપમાં જોડાયા હતા. ભાજપના આગેવાનોએ ખેસ પહેરાવીને પક્ષમાં આવકાર્યા હતા. જે સભામાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ભાજપના ઉમેદવાર રીતેશ વસાવા, જિલ્લા પ્રભારી જનક બગદાણા, જિગ્નેશ મિસ્ત્રી, સેવંતુ વસાવા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.